પશ્ચિમ બંગાળમાંથી મળી આવ્યા 200થી વધારે બોમ્બ, ખેતીની જમીનમાંથી ત્રણ ડોલ ભરીને બોમ્બ મળતા ખળભળાટ
બંગાળમાં બીરભૂમ આગ ઘટના બાદથી રાજકીય ગરમાવો આવ્યો છે. તો
હાલમાં પશ્ચિમ બંગાળમાં છેલ્લા બે દિવસમાં વિવિધ વિસ્તારોમાંથી 200થી વધુ જીવતા બોમ્બ મળી આવ્યા છે. રાજ્યમાં સતત બોમ્બ મળવાની
ફરિયાદો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીના આદેશ પર પોલીસ મોટાપાયે દરોડા પાડી રહી
છે. જેના પગલે મુર્શિદાબાદના બે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 41 જીવંત બોમ્બ, હથિયારો અને દારૂગોળા
મળી આવ્યા છે. રવિવારે પોલીસે રેઝીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એકદલા
મધુદલામાં ખેતીની જમીનમાંથી ત્રણ ડ્રમ બોમ્બ મળ્યા હતા. પોલીસ હવે સમગ્ર વિસ્તારને
કોર્ડન કરી રહી છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ જાણ કરવામાં આવી છે.
રેઝીનગર પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ ડ્રમમાંથી 31 જીવતા બોમ્બ મળી
આવ્યા છે. બોમ્બ સ્ક્વોડની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેને નિષ્ક્રિય કર્યા
હતા. તો બીજી તરફ રાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના નજરાનામાં કેળાના ખેતરમાંથી દસ
જીવંત સોકેટ બોમ્બ મળી આવ્યા છે. ત્યાં પણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને સ્થળ પર
બોલાવવામાં આવી છે. રાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હરુડાંગામાંથી ત્રણ બોમ્બ, એક શટર પાઇપ ગન અને
ચાર કારતૂસ પણ મળી આવ્યા છે. આર્મ્સ એક્ટ
કેસમાં પોલીસે પ્રતાપ મંડલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના
રામપુરહાટમાં 40 દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા હતા. આ
બોમ્બ ચાર ડોલમાં સંતાડીને એક નિર્માણાધીન મકાનની પાછળ રાખવામાં આવ્યા હતા. આ
મામલાને લઈને બીરભૂમના પોલીસ અધિક્ષક નાગેન્દ્ર નાથ ત્રિપાઠીનું કહેવું છે કે તપાસ
ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારથી અત્યાર સુધીમાં સમગ્ર
બીરભૂમમાંથી કુલ 170 દેશી બનાવટના બોમ્બ
મળી આવ્યા છે. પોલીસે રામપુરહાટના બોગતુઈ ગામને અડીને આવેલા મારગ્રામમાં
નિર્માણાધીન ઈમારતમાંથી ક્રૂડ બોમ્બથી ભરેલી વધુ 4 ડોલ મળી જેમાં લગભગ 40 બોમ્બ હતા.
શુક્રવારે મારગ્રામમાંથી જ ક્રૂડ બોમ્બની 5 ડોલ મળી આવી હતી.
હાલમાં બીરભૂમમાં હિંસા અને ઘણા લોકોના ઘર સળગાવવાના કેસમાં સીબીઆઈ
એક્શન મોડમાં છે. સીબીઆઈએ આ કેસમાં ધરપકડ કરાયેલા 21 આરોપીઓ સામે રમખાણ
સંબંધિત કલમો લગાવી છે. તેમજ સીબીઆઈની ફોરેન્સિક ટીમ તપાસ માટે રામપુરહાટ
વિસ્તારમાં પહોંચી છે. અહીં સીબીઆઈની ટીમ કેસ સાથે સંબંધિત ફાઈલો અને દસ્તાવેજોનો
કબજો લઈ રહી છે. બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં TMC નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. અહીં અનેક ઘરોને આગ
ચાંપી દેવામાં આવી હતી. આગમાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા.
જેમાં 3 મહિલાઓ પણ સામેલ હતી.