Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કુનરીયા ગામમાં મહિલાઓની દર પંદર દિવસે મળે છે બેઠક, જાણો કેમ?

ભુજ તાલુકાનું ૩૫૦૦ની વસ્તી  ધરાવતું કુનરીયા ગામ વર્તમાન મહિલા સરપંચની સુઝબુઝ, ધગશભર્યા વિકાસકામો અને પ્રગતીશીલ નિર્ણયો થકી જિલ્લા નહીં પરંતુ રાજયસ્તરે પ્રખ્યાત થયું છે. મહિલા સરપંચ રશ્મિબેન છાંગાએ ધો.૯ સુધીનું શિક્ષણ મેળવ્યું છે પરંતુ તેમના વિચારો અને પ્રગતિશીલ નિર્ણયો થકી કુનરીયા ગામની કાયાપલટ થઈ ગઈ છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણને ખરા અર્થમાં વેગ મળ્યો છે. તેમની શ્રેષ્ઠ ક
01:09 PM Aug 06, 2022 IST | Vipul Pandya
ભુજ તાલુકાનું ૩૫૦૦ની વસ્તી  ધરાવતું કુનરીયા ગામ વર્તમાન મહિલા સરપંચની સુઝબુઝ, ધગશભર્યા વિકાસકામો અને પ્રગતીશીલ નિર્ણયો થકી જિલ્લા નહીં પરંતુ રાજયસ્તરે પ્રખ્યાત થયું છે. મહિલા સરપંચ રશ્મિબેન છાંગાએ ધો.૯ સુધીનું શિક્ષણ મેળવ્યું છે પરંતુ તેમના વિચારો અને પ્રગતિશીલ નિર્ણયો થકી કુનરીયા ગામની કાયાપલટ થઈ ગઈ છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણને ખરા અર્થમાં વેગ મળ્યો છે. તેમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઇને તાજેતરમાં સરકાર દ્વારા "નારી વંદના ઉત્સવ" અંતર્ગત ભુજ ખાતે રાજ્યકક્ષાની મહિલા કર્મયોગી દિવસની ઉજવણીમાં તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
નારીને જો ઉડવા માટે મોકળું આકાશ અને પરીવારનો સાથ મળે તો તે પોતાનું ઘર જ નહીં પરંતુ ગામની શાસન વ્યવસ્થા પણ સુચારૂ રીતે સંભાળી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ નાનકડા ગામ એવા કુનરીયાના સરપંચ રશ્મિબેન છાંગા છે. તેઓ દરેક ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. એક મહિલા હોવાના નાતે મહિલાઓની પીડા અને સમસ્યાઓને તેઓ સારી રીતે સમજતા હોવાથી તેઓએ પંચાયતના વહીવટ અને શાસન વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી વધારવા ગામમાં  મહિલાએ  સભાખંડ બનાવ્યો છે. જેમાં દર ૧૫ દિવસે ગામની તમામ મહિલાઓ સાથે બેઠક યોજવામાં આવે છે. જયાં મહિલાઓ પોતાની તમામ પ્રકારની તથા શાસન-વહીવટને લગતી સમસ્યાઓ રજૂ કરવા સાથે અન્ય પ્રકારની મુશ્કેલીઓ પણ રજૂ કરે છે. જેના ઉકેલ માટે પંચાયત અને પદાધિકારીઓ સક્રિય કામગીરી કરે છે. આ ઉપરાંત મહિલાઓ અને કિશોરીઓમાં માસિકના સંદર્ભમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તથા મહિલાઓ કપડાના સ્થાને સેનીટરી પેડનો ઉપયોગ કરતી થાય તે માટે પંચાયત તરફથી મફતમાં સેનીટરી પેડનું વિતરણ કરવામાં આવે છે. 
આ અંગે રશ્મિબેન છાંગાએ જણાવ્યું હતું કે, ગામની મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે પરંતુ તેઓમાં કંઇક ને કંઇક આવડત હોવાથી તેઓનું કૌશલ્ય ખીલે અને તેઓ પગભર થઈ શકે તે માટે પંચાયત દ્વારા વિવિધ કલાસ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં બ્યુટીપાર્લર, સિવણ, ભરતગુંથણ  સહિતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે ગામની દરેક મિટીંગ, આંગણવાડીકક્ષાએ ચાલતી બેઠકો અને ઉજવણીમાં માહિતી- માર્ગદર્શન આપવામાં આવે છે. માતા અને ધાત્રી માતાઓના આરોગ્ય માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. 
આ ઉપરાંત કિશોરીઓ શાસનવ્યવસ્થામાં રસ લેતી થાય તે માટે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. જેના માધ્યમથી કિશોરીઓની સમસ્યા અને અવાજ પંચાયત સુધી પહોંચે છે.  બાળકીઓ શિક્ષણ લેતી થાય તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે શાળામાં હાજરી અંગે ઘરો ઘર મોનીટરીંગ કરવામાં આવે છે. આ માટે મહોલ્લા વાઇસ મહિલા સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી છે. જેઓ શાળામાં દરેક બાળકની નિયમિત હાજરીનું ધ્યાન રાખે છે અને કોઇપણ બાળક ગેરહાજર હોય તો તેનું કારણ જાણીને પંચાયતને અવગત કરે છે. આમ, આ પગલા થકી બાળકીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાયો છે તેમજ વાલીઓમાં પણ સ્ત્રી શિક્ષણ અંગે જાગૃતિ આવી છે. ઉપરાંત શાળામાં બાળકો નિયમિત હાજર રહે છે.
તેઓ ઉમેરે છે કે, ગામની પ્રાથમિક જરૂરિયાતના તમામ વિકાસકામોમાં પંચાયત મોખરે છે. ગામના લોકો પર્યાવરણ અંગે પણ જાગૃત થયા છે. જેના પરીણામ સ્વરૂપ તાજેતરમાં ૮૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ, ગામ વિકાસમાં જેટલો ફાળો પુરૂષોનો હોય છે તેટલો ફાળો કુનરીયાની મહિલાઓ આપી રહી છે. ઘર નહીં પરંતુ સમાજ અને ગામવિકાસની દિશામાં અહીંની મહિલાઓ અગ્રેસર બની છે. તેઓએ મહિલા સશક્તિકરણ માટે ચિંતિત સરકાર તથા તેમને મળેલા સન્માન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.
Tags :
GujaratFirstheldeveryknowwhyMeetingwomen
Next Article