Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતી ચલચિત્રોની વાત કરવી હોય તો અનિવાર્યપણે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની નોંધ લેવી જ પડે…

છેલ્લે આપણે સરિતાબહેનની વાત કરી હતી. ગુજરાતી ચલચિત્રોની વાત કરવાની હોય તો અનિવાર્ય પણે “અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી” વિશે નોંધ લીધા વિના કેટલાક પત્રકારો તેમને ગુજરાતના દિલીપ કુમાર પણ કહેતા હતા. વર્ષ 1936માં સાબરકાંઠાના ઇડર નજીકના કુકડીયા ગામમાં જન્મ થયો. અલબત્ત શરૂઆતના વર્ષોમાં તેઓ પોતાના મોટા ભાઇ પાસે મુંબઇમાં ઉછર્યા અને શિક્ષણ પણ ત્યાં જ મેળવ્યું. બોમ્બે યુનિવર્સિટીમાંà
ગુજરાતી ચલચિત્રોની વાત કરવી હોય તો અનિવાર્યપણે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની નોંધ લેવી જ પડે hellip
છેલ્લે આપણે સરિતાબહેનની વાત કરી હતી. ગુજરાતી ચલચિત્રોની વાત કરવાની હોય તો અનિવાર્ય પણે “અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી” વિશે નોંધ લીધા વિના કેટલાક પત્રકારો તેમને ગુજરાતના દિલીપ કુમાર પણ કહેતા હતા. 
વર્ષ 1936માં સાબરકાંઠાના ઇડર નજીકના કુકડીયા ગામમાં જન્મ થયો. અલબત્ત શરૂઆતના વર્ષોમાં તેઓ પોતાના મોટા ભાઇ પાસે મુંબઇમાં ઉછર્યા અને શિક્ષણ પણ ત્યાં જ મેળવ્યું. બોમ્બે યુનિવર્સિટીમાંથી વિનયન શાખામાં સ્નાતકની ઉપાધી મેળવી શિક્ષણ દરમિયાન તેમને વાંચનનો ભારે શોખ હતો એ શોખ મૃત્યુપર્યંત તેમણે ટકાવ્યો હતો. ગુજરાતી સાહિત્ય ઉપરાંત અંગ્રેજી અને હિન્દી સાહિત્યનો પણ ખૂબ ઉંડો અભ્યાસ કરતા રહેલા. જ્યારે જ્યારે ઉપેન્દ્રભાઇને કોઇ જાહેર સમારંભોમાં વિશેષ વક્તા તરીકે બોલાવવામાં આવતા હતા ત્યારે જે તે વિષયના ગહન ઉંડાણમાં જઇને અનેક સંદર્ભો અને વિષયને સ્પષ્ટ કરે તેવી યુક્તિઓ - ક્યારેક કવિતાઓ વગેરે તેમના વક્તવ્યમાં ક્યારેક રસાઇને આવતું સાંભળ્યું છે. એ જ્યારે બોલતા હોય ત્યારે શ્રોતાઓને એમજ લાગે કે તેઓ કોઇ વિદ્વાન અધ્યાપકને સાંભળી રહ્યા છે. ગાંધીનગરમાં પાછલા વર્ષોમાંના તેમના નિવાસસ્થાને જ્યારે જ્યારે તેમને મળવાનું થયું ત્યારે ત્યારે મોટેભાગે તેઓ તેમની આજુબાજુ વિખેરાયેલા પુસ્તકોની કોઇ એકાદ પુસ્તકના વાંચનમાં ડૂબેલા જોયા છે. 
મુંબઇ ખાતે કોલેજ જીવન દરમિયાન જ તેમણે ગુજરાતી નાટકોમાં કામ કરવાનું શરૂ કરી દીધેલું. શરૂઆતના વર્ષોમાં કોલેજની ફી ભરવામાટે પૈસા કમાવા કેટલાક ગુજરાતી ચલચિત્રોમાં નાની નાની ભૂમિકાઓ પણ કરેલી. અગાઉ જે વાત કરી ચૂક્યા છીએ તે ફિલ્મ “મહેંદીરંગ લાગ્યો”માં પણ તેઓ નાનકડી ભૂમિકામાં પણ દેખાયા હતા. રંગભૂમિ ઉપર ભજવેલા તેમના નાટકોમાંનું એક નાટક “અભિનય સમ્રાટ” ખૂબ સફળ રહ્યું હતું. આમ તો આ નાટકનું નામ છે પણ એ પછીની તેમની અભિનયની જ્વલંત કારકિર્દીએ તેમના નામ સાથેઅવિનાભાવે “અભિનય સમ્રાટ”ના વિશેષણને જોડી દીધું. આ નાટકના તેમના અભિનયને જોઇને પ્રભાવિત થયેલા રવિન્દ્ર દવેએ તેમને ફિલ્મ “જેસલ તોરલ”માં નાયક તરીકે રજૂ કર્યા. આ ફિલ્મ ગુજરાતી ચલચિત્રના ઇતિહાસનું એક સફળ સ્થિત્યંતર બની રહી. એ પછી “મહાસતી સાવિત્રી”, “હોયલ પદમણી”, “મા બાપને ભૂલશો નહીં”, “ભાદર તારા વહેતા પાણી”, “સોન કંસારી”, “માલવપતિમુંજ” તથા “વીર માંગડાવાળો” જેવી સફળ અને લોકપ્રિય ફિલ્મોમાં પોતાનું ઓજસ્વી અભિનયનું કૌશલ્ય પ્રદર્શિત કરી એક આગવી ઓળખ ઊભી કરી. 
તેઓ જન્મજાત કલાકાર હતા અને પોતાના પાત્રને ન્યાય આપવા માટે પાત્રની કાયામાં પ્રવેશ કરવાની તેમની ભારે ત્રેવડ હતી. એ જમાનામાં તેઓ ગુજરાતના કોઇપણ શહેરમાં કે ગામમાં જતાં ત્યારે લોકો તેમનાં ઓવારણાં લેતા અને તેમને જોઇ સાંભળીને મંત્રમુંગ્ધ થઇ જતાં. 
ગુજરાતી ચલચિત્રોના આ સફળ અભિનેતાએ જીવનના ઉત્તરાર્ધમાં જાહેરજીવનમાં પ્રવેશ કર્યો, વિધાનસભાની ચૂંટણી  પણ લડ્યા, જીત્યા અને મંત્રી પણ બન્યા હતા. જાહેર જીવનમાં પણ પૂરી પ્રામાણિકતાથી તેમણે સ્વીકારેલી જવાબદારી તેમણે નિભાવી હતી. સ્વભાવે સરળ, નિરાભીમાની અને સહુને માટે ઉપલબ્ધ ઉપેન્દ્રભાઇની યાદશક્તિ ખૂબ જ તીવ્ર હતી. કોઇને એકજ વાર મળ્યા હોય તો વર્ષો પછી નામ અને સંદર્ભો સાથે તે વ્યક્તિને ઓળખી જતા. પોતાની લોકપ્રિયતાને કદી તેમણે પોતાના વક્તિત્વ પર સવાર થવા દીધી નથી. વર્ષ2015ની ચોથી જાન્યુઆરીએ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનું મુંબઇ ખાતેના નિવાસ સ્થાને અવસાન થયું. ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસમાં આ અભિનય સમ્રાટનું નામ અને કામ સદાય ઝળહળતું રહેશે.
Advertisement
Tags :
Advertisement

.