Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આપણા ઘરની શક્તિને કેટલું સન્માન આપીએ છીએ?

સ્ત્રી શક્તિનું સ્વરુપ છે. આપણે સહુએ આ વાક્ય અનેકવાર સાંભળ્યું છે. જરાક આજુબાજુ નજર કરજો. શું આપણે આ શક્તિનું કરવું જોઈએ એટલું સન્માન કરીએ છીએ ખરાં? સ્ત્રીને સન્માન આપવું એટલે શું? એની કોઈ વ્યાખ્યા છે ખરી?  અગાઉથી ચાલ્યું આવે છે એ ઘરેડમાં જિંદગી વીતતી જાય છે. જેમ ચાલે છે એમ ચાલવા દઈએ છીએ. સન્માન અને માનનું આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. મજાની વાત એ છે કે, ઘરમાં મમ્મી, બહેન, પત્ની કે દીકરીનà«
આપણા ઘરની શક્તિને કેટલું સન્માન આપીએ છીએ
સ્ત્રી શક્તિનું સ્વરુપ છે. આપણે સહુએ આ વાક્ય અનેકવાર સાંભળ્યું છે. જરાક આજુબાજુ નજર કરજો. શું આપણે આ શક્તિનું કરવું જોઈએ એટલું સન્માન કરીએ છીએ ખરાં? સ્ત્રીને સન્માન આપવું એટલે શું? એની કોઈ વ્યાખ્યા છે ખરી?  
અગાઉથી ચાલ્યું આવે છે એ ઘરેડમાં જિંદગી વીતતી જાય છે. જેમ ચાલે છે એમ ચાલવા દઈએ છીએ. સન્માન અને માનનું આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. મજાની વાત એ છે કે, ઘરમાં મમ્મી, બહેન, પત્ની કે દીકરીને કોઈવાતમાં ઉતારી પાડતાં અચકાતાં નથી આપણે અને ઓફિસમાં આપણાં કલીગ કે ફીમેલ બોસને આપણે મને કે કમને આદર આપીએ છીએ. કેમકે, એ ફરજના ભાગરુપે છે જેના કારણે કરિયર ચાલે છે. જો કંઈ આડાઅવળું થશે તો સીધી કામ અને ઈન્ક્રીમેન્ટ પર અસર આવશે. પણ ઘરના સ્ત્રી પાત્રોને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતાં જરા પણ અચકાતાં નથી.   
જો કે, અનેક અભ્યાસો એવું કહે છે કે, પોતાનાથી વધુ આવડતવાળી સ્ત્રી અને Female boss ઘણાં લોકોથી સહન થતી હોતી નથી. એના ટાંટિયા ખેંચવાવાળાઓની પણ કંઈ કમી નથી. જાણે અજાણે આવું કરીને પણ તમે સ્ત્રીનું તો અપમાન જ કરો છો. સ્ત્રીમાં inbuilt multitasking ability રહેલી છે. આ વાત સાવ સાચી છે. એક સ્ત્રી એક જ સમયે અનેક કામને પાર પાડી શકે છે. પણ, આજની સ્ત્રી પોતાની આ આવડતને સાબિત કરી કરીને ક્યારેક થાકી જાય છે. ત્યારે એની શક્તિ એની સાથે જોડાયેલાં લોકોએ બનવાની છે. આ ફરજમાંથી ક્યાંક આપણી આસપાસના લોકો જ ચૂકી જાય છે.  
જે  ઘરમાં કે જે ઓફિસમાં સ્ત્રીની શક્તિનું સન્માન થાય છે એ ઘરનું ફળિયું, ઓસરી કે ડ્રોઈંગ રુમ કે ઓફિસ ચાચરનો ચોક જ છે. સમય હવે એવો આવી ગયો છે કે, કામ કરવા માટે વધુ સ્ત્રીઓ બહાર નીકળવા માંડી છે. ક્યારેક કરિયર કે પરિવાર માટે એને કોઈ સમાધાન કરવું પડે છે ત્યારે એનો અંતરાત્મા જે રીતે પીડાતો હશે એની કોઈ કલ્પના કરી શકે એમ નથી. ઉતરાખંડમાં ફક્ત ઓગણીસ વર્ષની દીકરી અંકિતાએ જીવ ખોવો પડ્યો એ એનું સૌથી મોટું ઉદાહરણ છે. તાબે ન થાવ એટલે તમારામાં આવડત હોય તો પણ તમારું હણાવું નક્કી હોય છે. દરેક વખતે હણાવું એ મોતના અર્થમાં નથી હોતું ક્યારેક ટુકડે ટુકડે અસ્તિત્વને મારીને પણ વધ થતો હોય છે. આવી પરિસ્થિતિમાં જીવતી સ્ત્રીના મનમાં ક્યારેક તો દુર્ગાનો પ્રવેશ થઈ જ જતો હોય છે. પણ સંજોગો એવા નથી હોતા કે એ કોઈને હકીકત કહી શકે અને કોઈ એક્શન લઈ શકે.  
જ્યારે સ્ત્રીનું કામની જગ્યાએ કે ઘરમાં માનસિક કે શારીરિક શોષણ બંધ થશે ત્યારે એ ચાચરના ચોકમાં ખરી શક્તિની પૂજા થશે. શોષણ ઓફિસમાં જ થાય છે એવું નથી. સ્ત્રીને ઘરમાં emotional black mail કરવી પણ શોષણ જ છે. તમે કંઈ લાગણી કે પ્રેમ જો ન આપી શકો તો એની પાસેથી સતત મળતું જ રહે એવી અપેક્ષા રાખવી એ પણ શોષણ જ છે. મમ્મી, બહેન, પત્ની કે દીકરી એમણે જ આ કરવાનું એ જડ વિચારોમાંથી મુક્ત થવું એ સાચી શક્તિની આરાધના છે. આપણે ત્યાં એવા ઘણાં પુરુષો છે જે એના ઘરની સ્ત્રી એના એકેએક scheduleનું ધ્યાન રાખે ત્યારે અનુષ્ઠાન અને શક્તિની ભક્તિ કરે છે. બધાંને આ સહજ લાગતું હશે. પણ આ સહજ નથી. ઘરની શક્તિને સતત પીલાતા રહેવું પડે અને તમે આરાધનામાં ગળાડૂબ રહો તો એ ભક્તિ માતાજી સુધી પહોંચતી હશે કે કેમ એ ખબર નથી પણ તમારી સાથે જોડાયેલી સ્ત્રીની અંદર કંઈક સતત તરડાતું રહેતું હશે એ વાત તો નક્કી જ છે.  
પોતાની સાથે ઘરમાં સંબંધોથી જોડાયેલી સ્ત્રી કે ઓફિસમાં કામવાળી તરીકે કામ કરતી સ્ત્રી હોય કે તમારી ફીમેલ બોસ હોય કે પછી તમારી કલિગ હોય એની સાથે સરખી રીતે વાત કરવી પણ સંસ્કારોની આરાધના જ છે. તો તમે તમારી આસપાસની શક્તિની કેટલી આરાધના કે સન્માન કરો છો?
jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.