Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફરીથી મરિયમનો એ જ સવાલ સાંભળીને માસ્તરના પગ થંભી ગયા

અબ્દુલને તેડીને બહાર નીકળતી મરિયમને જોઈ માસ્તરે કહ્યું, ‘બેટા, અબ્દુલને ન લઇ જવો હોય તો ઘેર જમના તેનું ધ્યાન રાખશે. જમનાને આમ પણ બાળકોની બહું માયા છે. આટલા નાના બાળકને લઈને આવી જગ્યાએ ...માસ્તર વાકય પૂરું કરે તે પહેલા જ મરિયમ બોલી ઊઠી.’ ‘ના ભાઈ, મારે અબ્બુને તેનો દોહીતરો દેખાડવો  છે.’મરિયમની ભાવના જોઈ માસ્તર હવે કશું બોલ્યા નહિ. બંને ચૂપચાપ કબ્રસ્તાન તરફ ડગ ભરી રહ્યા. રસ્તામાં બે ચાà
ફરીથી મરિયમનો એ જ સવાલ સાંભળીને માસ્તરના પગ થંભી ગયા
અબ્દુલને તેડીને બહાર નીકળતી મરિયમને જોઈ માસ્તરે કહ્યું, 
‘બેટા, અબ્દુલને ન લઇ જવો હોય તો ઘેર જમના તેનું ધ્યાન રાખશે. જમનાને આમ પણ બાળકોની બહું માયા છે. આટલા નાના બાળકને લઈને આવી જગ્યાએ ...
માસ્તર વાકય પૂરું કરે તે પહેલા જ મરિયમ બોલી ઊઠી.’ 
‘ના ભાઈ, મારે અબ્બુને તેનો દોહીતરો દેખાડવો  છે.’
મરિયમની ભાવના જોઈ માસ્તર હવે કશું બોલ્યા નહિ. બંને ચૂપચાપ કબ્રસ્તાન તરફ ડગ ભરી રહ્યા. 
રસ્તામાં બે ચાર જાણીતા લોકોએ માસ્તરને રોકીને મરિયમ વિષે થોડી પૂછપરછ પણ કરી. માસ્તરની સાથે આ અજાણી છોકરીને જોઇને બધાને  નવાઈ લાગે એ પણ સ્વાભાવિક હતું. 
‘મારી દૂરની ભાણી છે. દીકરાને લઈને પહેલી વાર ઘેર આવી છે. એના માબાપ જે કંઈ ગણો તે હવે અમે જ છીએ.’
એવું કંઇક ટૂંકમાં બધાને સમજાવીને માસ્તરે તેમની કુતૂહલ વૃતિ શાંત કરી હતી. મરિયમ મૂંગા મૂંગા બધું સાંભળી રહી હતી. પોતાના આવવાથી આ ભલા માણસને કેટલા ખુલાસા કરવા પડે છે. 
કબ્રસ્તાન નજીક આવતા મરિયમના પગ જરીક થોભ્યા. 
‘ભાઈ, અબ્બુ તેની આખરી  ક્ષણોએ બહું રિબાયા તો નહોતા ને ? કેટલા દિવસો બીમાર રહ્યા હતા? કોઈ સેવા ચાકરી કરવાવાળું પણ તેમની પાસે નહીં હોય. હું કમનસીબ, એ લ્હાવો પણ ન લઈ શકી. મને યાદ કરીને એ બહું દુઃખી તો નહોતા થયા ને ?’
ફરીથી મરીયમનો એ જ સવાલ સાંભળીને માસ્તરના પગ થંભી ગયા. જાણે પગમાં મણમણની બેડીઓ જડાઈ ગઈ. શું જવાબ આપવો તે સૂઝયું નહીં.
મરિયમ બોલતી રહી.  
‘તમે અને અબ્બુ સારા મિત્રો હતા એની જાણ તો તમે જે રીતે મને દીકરીની જેમ રાખીને માયા બતાવી છે એના પરથી હું સમજી શકી છું. ભાઈ,  મને  અબ્બુના આખરી દિવસોની થોડી વાત કરો ને. મારા જીવને  ટાઢક વળશે. જાણે  એ પળે  હું હાજર હતી એવું લાગશે.’
માસ્તર અંદરથી  ખળભળી રહ્યા. કાશ ! પોતે એક દીકરીને તેના પિતાની આખરી પળો વિષે કંઇ  કહી શકતા હોત, આ સવાલનો જવાબ આપી શકતા હોત.
 “ભાઈ, મને અબ્બુના આખરી દિવસોની વાત કરો ને.’’ 
ફરી એકવાર  મરિયમ બોલી ઊઠી. અને આશાભરી આતુરતાથી માસ્તર  સામે જોઇ રહી.
હવે મૌન રહી શકાય એમ નહોતું. અને જવાબ ? શું જવાબ આપે  પોતે ?
 જરા વારે ધીમેથી બોલ્યા,
‘બેટા, ખોટું નહીં કહું. સાચી વાત એ છે કે અમે કંઇ એવા નિકટના મિત્ર નહોતા. એ રોજ પોસ્ટઓફિસે તારા પત્રની તપાસ કરવા નિયમિત આવતા.એટલી જ અમારી ઓળખાણ. આખરી દિવસોમાં એણે અમારા એક કારકૂનને પૈસા આપીને તારો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવા આજીજી કરી હતી. કુદરતને કદાચ એ જ મંજૂર હતું. તારો કાગળ એમના જન્નતનશીન થયા પછી જ…
એ કાગળ પહોંચાડવા અમે એમની કબરે ગયા હતા. એ કાગળ વાંચીને તારા આવવાના સમાચાર જાણ્યા એટલે તને લેવા હું સ્ટેશને પહોંચ્યો. બસ બેટા, આનાથી વિશેષ મને કંઇ જ ખબર નથી.’ 
માસ્તર કયા મોઢે બીજી કોઇ વાત કરી શકે ? પોતે અલીની કેવી મજાક ઊડાડતા, કેવી હાંસી કરતા..અપમાન કરતા વગેરે વાતો એની દીકરીને કહીને દુ:ખી કરવાનો હવે કોઇ અર્થ કયાં હતો ? 
માસ્તર પાસેથી અબ્બુની વાત સાંભળતા ફરી એકવાર મરિયમનું ડૂસકું સરી પડયું. પિતા કેવી રીતે આ દુનિયાને અલવિદા કરી ગયા.તે પણ જાણવા નહીં મળે ? પિતાની આખરી ક્ષણો વિષે તે કયારેય નહીં જાણી શકે ? આનાથી વધારે મોટી કમનસીબી એક દીકરી માટે બીજી કઈ હોય શકે ? 
એ પછી આખે રસ્તે માસ્તર અને મરિયમ બંને પોતપોતાના વિચારોમાં ખોવાયેલા રહ્યાં. બંનેની ભીતર જાણે કોઇ દ્વંદ ચાલી રહ્યું હતું. 
કબ્રસ્તાનમાં પહોંચીને માસ્તરે અલી જયાં ચિરનિદ્રામાં પોઢયો હતો એ જગ્યા બતાવી. એક નાનકડો પથ્થર માત્ર. મરિયમ એ પથ્થર સામે જોઈ રહી. તેના વહાલા અબ્બુ અહી પોઢયા હતા ? ઢગલો થઈને ઝાકળભીની આંખે તે ત્યાં બેસી પડી. 
માસ્તરે પાછળથી તેના માથે હાથ મૂકયો. જાણે ભાનમાં આવી હોય તેમ મરિયમે કબર પર ફૂલ મૂકયા, માથું નમાવી કબરને..ના..ના.. વહાલા અબ્બુને સ્પર્શીને વંદન કરી બંધ આંખે કંઇક ગણગણી રહી. 
તેના ડૂસકા વણથંભ્યા સરી રહ્યાં. જાણે તેના અબ્બુ આ ક્ષણે જ જન્નતનશીન ન થયા હોય! અબ્બુની કબરને  તે એકીટશે તાકી રહી. કદાચ પોતાના આંસુ જોઇ કબરમાં કોઇ સળવળાટ થાય અને… 
‘બેટી, બેટી, મરિયમ, તું આવી ગઇ? બેટી, તું ખુશ તો છે ને? સાજી નરવી છો ને? મને તારી કેટલી ચિંતા થતી હતી? હવે મને શાંતિ મળશે. બેટી, તું મને નથી જોઇ શકતી પણ હું તને જોઇ શકું છું, અનુભવી શકું છું. આંસુડાં ન સાર મારી દીકરી, મારાથી તારા આંસુ કદી સહન નહોતા થતા એની તને ખબર છે ને ?’
અબ્બુની કબર પર માથું મૂકીને રડતી મરિયમના આંસુ થંભી ગયા.
આ તો અબ્બુનો સાદ..
‘અબ્બુ..અબ્બુ..એકવાર મને માફ કરી દો. હું મોડી પડી, અબ્બુ, બહું મોડી..તમે મારે લીધે બહું હેરાન થયા. અબ્બુ, પાંચ પાંચ વરસ સુધી તમે મારા કાગળની કાગડોળે રાહ જોઈ હશે. પણ હું અભાગી, કેમ સમજાવું તમને? શું કહું? અબ્બુ, મને માફ કરજો..અબ્બુ, આ અબ્દુલને/તમારા અનિલને  આશીર્વાદ આપશો ને ?’’
અબ્દુલને પગે લગાડતા મરિયમ કયાંય સુધી એકલી એકલી કંઇક બોલતી રહી. મન ભરીને તેના વહાલા અબ્બુ સાથે વાત કરતી રહી. પવન પણ જાણે આ બાપ દીકરીની સમાધિમાં ખલેલ ન પાડવો હોય એમ થંભી ગયો હતો. ન જાણે કેવી યે નીરવતા, સન્નાટો છવાયો હતો. અલી અને મરિયમ સિવાય ત્રીજા કોઇનું જાણે અસ્તિત્વ જ નહોતું. બાપ દીકરી ન જાણે કેટલી અને શું  યે વાતો કરતા રહ્યા. સમયને જાણે બ્રેક લગી ગઇ હતી કે તેના પગમાં પણ લોખંડની બેડી જડાઈ ગઈ હોય એમ તે પણ થંભી ગયો હતો. મરિયમના શબ્દોમાં ઘડીક વહાલ ટપકી રહેતું તો ઘડીક વ્યથા..
ખાસ્સી વારે મરિયમ ત્યાંથી ઊભી થઇ. જાણે અબ્બુ સાથે વાત કરી લીધી હોય અને થોડી હાશ અનુભવાઇ હોય એમ મરિયમના ચહેરા પર સંતોષની એક આભા છવાઇ હતી. વરસી રહેલી બંધ આંખે તેણે તેના વહાલા અબ્બુને જોયા હતા. એ કોઈ ભ્રમ નહોતો જ. 
“અબ્બુ, હું પાછી આવીશ.તમને મળવા, તમારી સાથે વાતો કરવા.’’ 
 તે મનમાં જ  ગણગણી રહી. માસ્તર આખો  વખત મૌન ઓઢીને એક બાજુ ઊભા હતા.
‘ભાઈ, દુનિયાની દ્રષ્ટિએ મારા અબ્બુ ભલે કબરમાં હોય. પણ હું એને મારી સાથે જ અનુભવી શકું છું. આજે પણ મેં મન ભરીને એમની સાથે વાત કરી છે. મારા બધા સવાલોના જવાબ એમણે આપ્યા છે. અને જીવનભર આપતા રહેશે એની મને ખાત્રી છે.’’ 
મરિયમના અવાજમાં આ ક્ષણે પરમ શાંતિ નીખરી આવી હતી.
પોસ્ટમાસ્તરનું માથું હકારમાં હલી રહ્યું. અલીની કબર પાસે થોડી વાર મૌન ઉભા રહીને  બંને ધીમે પગલે પાછા ફર્યા.
બે પાંચ ડગલા આગળ જતા જ અચાનક પોસ્ટમાસ્તર બે ક્ષણ ઉભા રહી ગયા. પાછળ ફરીને અલીની કબરને જોઇ રહ્યા. 
કબરમાંથી અલી ડોસો કશું બોલ્યો કે શું ? કે પછી ભણકારા માત્ર...
માસ્તરના મગજમાં વિચાર ઝબકી ગયો. 
“અલી બોલે તો શું બોલે અત્યારે?’’ 
 ધીમા પગલે મરીયમ અને માસ્તર પાછા વળતા હતા. થોડી વાર બેમાંથી કોઈ કશું બોલી શકયું નહિ.
થોડે આગળ ગયા પછી મરિયમનું  મૌન તૂટયું.  
 “ભાઈ, હવે આપણે મારે ઘેર જશું ? તમારે મોડું  થતું હોય તો વાંધો નહીં,  હું એકલી જઇ  શકીશ.’’
“મારે કંઈ  મોડું થતું નથી. મારે કયાં ઘેર જઈને પાડા પાવાના છે ? ભૂલી ગઈ ? આજે તો રવિવાર છે. પોસ્ટ ઓફિસ પણ બંધ. એક વાત કહું  બેટા ?  હજુ તો મારે  રીટાયર્ડ થવાને વાર છે.  પણ જયારે પોસ્ટ ઓફિસ છોડવાનું થશે  ત્યારે  મને પણ  પોસ્ટ ઓફિસનો, એ નિર્જીવ મકાનનો  અહાંગરો સાલવાનો જ.  દિ માં એક વાર એના દર્શન કર્યા સિવાય મને સોરવે નહીં. એ જડ દીવાલ સાથે  ન જાણે કેવી માયા બંધાઈ ગઈ છે! તો  તને તારા એ ઘર સાથે કેવી અને કેટલી માયા હોય એ હું સમજી શકું છુ.  જડ હોય કે ચેતન. એકવાર મન મળ્યા પછી  માણસને માયા બંધાતા વાર નથી લાગતી. ચાલ બેટા, મારે કંઈ મોડું નથી થતું. તું તારે નિરાંતે  મન ભરીને એકવાર  તારા ઘરને મળી લે. એટલે તારા જીવને  થોડી ટાઢક વળે.
“થોડીવારે માસ્તર અને મરિયમ મુસ્લીમ મહોલ્લામાં પહોંચ્યા. એક સનાતની હિંદુ એવા  માસ્તરે જયાં જિંદગીમાં કદી પગ નહોતો મૂક્યો કે નહોતા  મૂકવાના. એ જગ્યાએ આજે માસ્તર કોઈ ખચકાટ સિવાય પહોંચ્યા હતા. અલબત્ત અહી પહોંચ્યા બાદ આસપાસ નજર જતા ચહેરા પર  થોડો અણગમો અનાયાસે ઊભરાઈ આવ્યો. પણ  મરિયમ એ જોઈ ન જાય એ વિચારે તેમણે પ્રયત્ન પૂર્વક   એ ખંખેરી નાખ્યો. 
ઘણી વખત  એકાદ ક્ષણ પણ માણસને ધરમૂળથી બદલી નાખતી હોય છે. તો કદીક યુગો પણ માનવીને નથી બદલા શકતા. માસ્તરના જીવનમાં આવી જ એક પળ આવી હતી. જેણે તેમની જીવન  દ્રષ્ટિ સમૂળગી બદલી નાખી હતી. કદાચ  કોઈ રૂણાનુબંધની  અદ્રશ્ય,અદીઠ સરવાણી જાણે  સાતમા પાતાળમાંથી ફૂટી નીકળી હતી.  અને બંનેને ભીંજવી રહી હતી.
ઘર સામે આવતા જ મરિયમનાં પગ થોડી પળો માટે થંભી ગયા. નજર બંધ બારણાને તાકી  રહી. આ ઘરમાં હવે તેના અબ્બુ નથી..નહિ હોય..એ અહેસાસે તે ઉદાસ બની રહી. ચાવી માટે  આસપાસના  બે ત્રણ ઘરમાં તેણે પૂછપરછ કરી. આખરે જમાલચાચાના ઘેરથી ચાવી મળી. 
જમાલચાચા ઝીણી આંખે  મરિયમને તાકી રહ્યા. જાણે એને ઓળખવા મથી રહ્યા. પછી બોલી ઊઠયા. 
“ઓહ મરિયમ, કયારે આવી તું ? બહુ મોડી આવી.  તારો અબ્બુ  તારી કેટલી રાહ જોતો હતો!’’
 મોડા આવવા બદલ  જમાલચાચાએ મરિયમને કેટલાયે સવાલો પૂછી નાખ્યા.  મરિયમ  ભીની આંખે ચૂપચાપ સાંભળી રહી. 
“ઠીક છે. લે, ચાવી લઈ જા. આમ તો તારા અબ્બુએ મર્યા પહેલા જે કંઈ હતું એ બધાને આપી  દીધું હતું. તારો ભરોસો થોડો હતો કે તું કયારે આવીશ ? આવીશ કે નહીં એની પણ કયાં ખબર હતી ? અલી તારા કાગળની રાહ આખરી ક્ષણ સુધી જોતો રહ્યો.’’
એકધારું બોલતા જમાલચાચાની નજર અચાનક પોસ્ટ  માસ્તર પર પડી. 
“આ ભાઈ કોણ છે ?’’
માથે તિલક, કાળી ટોપી, હાથમાં લાકડી, ધોતિયુ અને અંગરખું પહેરેલ વ્યક્તિ સામે તે જરા તુચ્છકારથી જોઈ રહ્યા. 
મરિયમ જવાબ આપ્યા સિવાય તાળું ખોલવા મથી  રહી. કટાઈ ગયેલું તાળું એમ જલ્દી મચક આપે તેમ નહોતું. 
ત્યાં  જમાલ ચાચાને કોઈએ અંદરથી બૂમ મારી એટલે માસ્તર સામે અણગમાથી  વિચિત્ર રીતે જોતા જોતા એ અંદર  ગયા. 
“લાવ બેટા,  હું ખોલી દઉં.’’ 
કહેતા માસ્તરે થોડી વાર ચાવી આમતેમ ઘૂમાવી. કિચૂડાટ કરતું  તાળુ  થોડીવારમાં  ખૂલ્યું. 
મરિયમે એક ઊંડો શ્વાસ લીધો. અબ્બુની સુગંધ તેના શ્વાસમાં  ભળી રહી. આ હવામાં તેના વહાલા અબ્બુની મહેક હતી.  અબ્બુની હાજરી તે અનુભવી રહી. મરિયમે માસ્તર સામે એક નજર નાખી. પછી ધીમા પગલે ઘરમાં પ્રવેશી. તેની પાછળ માસ્તરે  પણ અંદર  પગ મૂક્યો.  
લગ્ન પછી દીકરી પહેલીવાર પિયર આવે ત્યારે તેના મનમાં કેવી કેવી સંવેદનાઓ ઉભરાતી હોય. ઘર આખું એ દીકરીને  હેતથી વળગી પડતું હોય. હોંશ અને ઉત્સાહથી સ્વજનો  છલકાતા હોય. પણ  દરેક દીકરી કદાચ એવી નસીબદાર કયાં હોય છે?  
લગ્ન પછી મરિયમે પણ પહેલીવાર પિયરઘરમાં પ્રવેશ કર્યો હતો. પણ હવે અહી તેને આવકારવા કે વહાલ કરનાર અબ્બુ  કયાં? 
તેની આંખ છલકાઈ ઊઠી..તેની  તરસી નજર એક પછી એક દરેક નાની, મોટી વસ્તુઓને નીરખી રહી.  મનમાં કેટકેટલા વમળો, સંવેદનો ઉઠતાં હતા. દીવાલ પર લગાવેલા લગ્ન સમયના  પોતાના અને અબ્બુના ફોટાને તે એકીટશે નીરખી રહી. એ દિવસે બાપ, દીકરી બંને  કેવા ધોધમાર વરસ્યા હતા.  એ દ્રશ્ય નજર સામે તરવરી ઊઠયું.
મરિયમની  નજર ચકળ વકળ.  શું જુએ અને શું ન જુએ ? આ ઘર બાપ, દીકરીના  કેટકેટલા સંવેદનો, સ્મરણો સંગોપીને બેઠું છે. તે પોતાના સિવાય કોણ જાણી શકવાનું ?   નાની હતી ત્યારે અબ્બુના ખોળામાં લપાઈને કેટલા આંસુ સાર્યા છે એની સાક્ષી હતી આ દીવાલો. અહી સુખ, દુ:ખની, હરખની, શોકની, પીડાની, પ્રેમની કેવી કેવી  સરવાણીઓ વહી છે. ન સમજાતા અનેક  સવાલોના જવાબો  અહી  વહાલથી અબ્બુએ આપ્યા છે. નાની હતી ત્યારે પોતાને ખોળામાં લઈને અનેક રાતો અબ્બુએ અહી  બેઠા બેઠા કાઢી છે. 
અબ્બુ એટલે તેના વત્સલ પિતા, વહાલસોયી મા, સાચુકલા મિત્ર, અને બીજું શું નહોતા ?  અબ્બુ સિવાય આ વિશાળ દુનિયામાં બીજું કોણ હતું તેનું?  
આજે પાંચ વરસ પછી તેણે ફરી એકવાર આ ઘરમાં પગ મૂકયો છે. ત્યારે હેતથી પસવારતા અબ્બુ તેની પાસે નથી. મનમાં હતું કે અબ્બુના ખોળામાં માથું મૂકીને ફરી એકવાર નાનકડી બનીને મોકળા મને ઠલવાઈશ. પણ નિષ્ઠુર  વિધાતાએ એ સુખ તેની ઝોળીમાં નાખ્યું નહીં. અબ્બુ વિનાનું ખાલીખમ્મ ઘર જાણે ખાવા દોડતું હતું. 
મરિયમની  નજર સામે કેટકેટલા દ્રશ્યો...
ક્રમશ :
Advertisement
Tags :
Advertisement

.