Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જખૌ બંદરની ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે કરી મુલાકાત, માછીમારોએ સંભળાવી પોતાની વેદના

જખૌ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું ગામ છે. જખૌ તાલુકાના મુખ્ય મથક નલિયાથી પશ્ચિમ 17 કિલોમીટર દૂર આવેલું છે. જખૌ બંદર પશ્ચિમે આઠ કિલોમીટર દૂર આવેલું છે. જખૌ બંદર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કચ્છના અખાત પર આવેલું મોસમી બંદર છે. જખૌ બંદર ગોદિયા ખાડી પર આવેલું છે અને જખૌ ગામથી આઠ કિલોમીટર અંતર આવેલું છે તે સીધા દરિયાઈ મોજાઓથી આંશિક રીતે સુà
07:38 AM Jan 09, 2023 IST | Vipul Pandya
જખૌ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું ગામ છે. જખૌ તાલુકાના મુખ્ય મથક નલિયાથી પશ્ચિમ 17 કિલોમીટર દૂર આવેલું છે. જખૌ બંદર પશ્ચિમે આઠ કિલોમીટર દૂર આવેલું છે. જખૌ બંદર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કચ્છના અખાત પર આવેલું મોસમી બંદર છે. જખૌ બંદર ગોદિયા ખાડી પર આવેલું છે અને જખૌ ગામથી આઠ કિલોમીટર અંતર આવેલું છે તે સીધા દરિયાઈ મોજાઓથી આંશિક રીતે સુરક્ષિત છે પરંતુ ચોમાસા દરમિયાન બંધ રહે છે. બંદરનું સંચાલન ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને 2001માં તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. બંદરનું નજીકનું રેલ્વે સ્ટેશન નલિયા ભુજ અને ગાંધીધામ છે અને નજીકનું હવાઈ મથક ભુજ છે. આ બંદર સમગ્ર ગુજરાતના માછીમારી સમુદાય દ્વારા વપરાતી લગભગ તમામ પ્રકારની હોળીઓ ધરાવે છે.
આઝાદી પહેલા આ જખૌ બંદરેથી  મુંબઈ, કલકત્તા, મદ્રાસ અને કરાચી, બસરા, મસ્કત ઝાંઝિબાર બંદરો સાથે ધીકતો વ્યાપાર હતો. પણ સમય વીતતા કંડલા બંદર વિકસિત થયું અને જખૌ બંદર ભાંગી પડ્યું હતું. જોકે હવે જખૌ મત્સ્ય બંદર તરીકે વિકસિત થયું છે. જખૌની દીવાદાંડી એશિયાખંડમાં સૌથી ઊંચી કહેવાય છે. જખૌ બંદરે મીઠું પકાવવાના કારખાના ઘણા જ વિકસિત થયેલા છે અને મીઠાનું કામકાજ અહીં કંપનીઓ દ્વારા ચાલે છે. સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ હોવાથી અહીં જખૌ બંદરે કોસ્ટ ગાર્ડનું મથક તેમજ BSF નું મથક પણ છે. જખૌની આંતરરાષ્ટ્રીય જળસીમાં પણ ડ્રગ્સ ઝડપાતા હોય છે આ ઉપરાંત પાકિસ્તાની ઘુસણખોરો અને પાકિસ્તાની બોટ પણ આ જ વિસ્તારમાંથી ઝડપાતી હોય છે. ત્યારે આ વિસ્તારને સંવેદનશીલ માનવામાં આવે છે જેને લઈને મરીન પોલીસ સ્ટેશન પણ કાર્યરત છે. જખૌ બંદરની જો વાત કરીએ તો અહીં 11,000 થી વધુ લોકો માછીમારીના ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. 64 એકરની જગ્યા સરકાર દ્વારા અહીં ફાળવવામાં આવી છે. સરકાર દ્વારા બોટ લેન્ડીંગ માટેની વ્યવસ્થા પણ કરાઈ છે. તેમજ પાણી વિતરણ માટે 8  સ્ટેન્ડ પોસ્ટ આવેલા છે. જેથી કરીને ખલાસીઓને પાણી માટે કોઈ તકલીફ પડે નહીં આ ઉપરાંત અહીં  હાઈ માસ ટાવર પણ બનાવેલા છે અને નજીકના સમયમાં બીજા ટાવરો પણ બનાવવામાં આવશે. આ ટાવરોનો ઉપયોગ લાઈટ માટે થતો હોય છે. 
બોટનું રજીસ્ટ્રેશન ઓનલાઇન થતું હોય છે. 1998 ના સમયગાળા દરમિયાન અહીં જેટીની સ્થાપના થઈ. ત્યારબાદ વર્ષ 2000 ના સમયગાળા દરમિયાન કામ પૂર્ણ કરવામાં આવ્યું અને ત્યારબાદ રોડ, ઓકસન હોલ ત્રણ ફેસમાં તૈયાર કરવામાં આવ્યા. 2006 માં જે તે વખતના રાજ્યના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. હાલમાં જખૌ બંદર પર કચ્છની 125 બોટ તેમજ વેરાવળ, વલસાડ, ઓખા, પોરબંદર, જાફરાબાદ, જામનગર સહિતની 350 બોટો જોવા મળે છે. સરકારની યોજના પ્રમાણે બોટોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થાય છે. વેટ પ્રમાણે ડીઝલની સબસીડી મળે છે. ડીઝલના કોટા નક્કી થયેલા છે. મોટી બોટોને વાર્ષિક 34,000 લિટર ડીઝલ મળે છે. જેમાં 100 હોર્શ પાવરની નાની બોટોને 31,000 લીટર તેમજ નાની બોટોને 26,000 લિટર ડીઝલના કોટા મળે છે. જેઓના સો ટકા ડીઝલ કાર્ડ હોય તેઓને જ આ સબસીડી મળે છે. કોરોનાના પૂર્વે જખૌની માછલીઓ ઇન્ડોનેશિયા જાપાન યુરોપ સહિતના દેશોમાં જતી હતી પણ  કોરોના પછી એક્સપોર્ટ બંધ થયું છે. તેની સાથે સાથે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પણ હાલ જ્યારે મંદીનો માહોલ છે, તે સમયે અહીં માછલીઓ જતી નથી જેથી કરીને કોલ્ડ સ્ટોરેજમાં માલ રોકાયેલો જોવા મળે છે. 
જખૌ બંદરની વિશેષતા પ્રમાણે તે ફળદ્રુપ દરિયો છે. અહીં 200થી 250 પ્રકારની જુદી જુદી માછલીઓ જોવા મળે છે. જેમાં પાપલેટ, સુરમઇ રાવસ, ઝીંગા, લોપસ્ટર ઓઇલ શારડીન, વેખલા બગા, ધુમા, કાટી, કરચલા, નરસિંધા, કટલ ફિશ જોવા મળે છે. નોંધનીય વાત એ છે કે જખૌ બંદરમાં ઉપલબ્ધ થતી માછલીઓ માટે એક પણ સ્થળે કચ્છમાં કોલ્ડ સ્ટોરેજ નથી, જેને લઈને આ માછલીઓ કોલ્ડ સ્ટોરેજ માટે વેરાવળ પોરબંદર માંગરોળ મોકલાવી પડે છે. સરકારની કોલ્ડ સ્ટોરેજ માટે  સબસીડીની યોજના છે પરંતુ હજુ સુધી કોઈપણ કચ્છ જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ નથી. અહીં જખૌ બંદર પર જે પણ માછલીઓ ખલાસીઓ દ્વારા લઈ આવવામાં આવે તે સ્થાનિક વેપારીઓ ટ્રક ભરીને અન્ય બંદર પર મોકલે છે. જ્યાંથી બીજી જગ્યાએ સપ્લાય થાય છે. જખૌ બંદર પર ડ્રાય ફિશની સુકવણી કરવામાં આવે છે જે પહાડી દેશો નેપાળ અને ભૂતાન અને બાંગ્લાદેશમાં મોકલવામાં આવે છે. આ ડ્રાય ફિશમાંથી પાવડર પણ બને છે, જે પાવડર મરઘાઓના ખોરાક માટે પણ ઉપયોગ થાય છે. તેની સાથે સાથે ખેતરોમાં દવાઓ માટે પણ ઉપયોગ થાય છે, તો કેટલાક લોકો ખાવામાં પણ ઉપયોગ લે છે.
જખૌના દરિયામાં વાર્ષિક 35 થી 40 હજાર મેટ્રિક ટન માછલીઓનો ઉત્પાદન થાય છે. દર વર્ષે 550 થી 600 બોટો ફિશિંગ માટે આવે છે. જો કે શિયાળામાં ઉત્પાદન ઘટી જાય છે, જાન્યુઆરી મહિના પછી ઉત્પાદન માછલીઓનો વધે છે. હાલમાં જોવા જઈએ તો સરકારના મત્સ્ય વિભાગના જખૌ બંદર ખાતે મહત્વની જગ્યાઓ મોટાભાગે ખાલી જોવા મળે છે તેમજ જિલ્લા લેવલે પણ 23 ની જગ્યાઓ સામે 12 જગ્યાઓ ભરાયેલી જોવા મળે છે. જખૌ બંદર ખાતે ફિશિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બોટ માલિકોના જણાવ્યા પ્રમાણે ડીઝલના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે, પરંતુ તેની સામે માછલીઓના ભાવમાં તેઓને વળતર ઓછું મળે છે. 25 વર્ષ પહેલા જે ડીઝલના ભાવ 60 રૂપિયા હતા. તે અત્યારે 95 રૂપિયા પહોંચ્યા છે પરંતુ તેની સામે જે માછલીઓનો ભાવ 25 વર્ષ પહેલા હતો, તેજ ભાવ બોટ માલિકોને વેપારીઓ પાસેથી મળે છે. જે વધારો કરવામાં આવે તે જરૂરી બની રહે છે. એક બોટ માલિકને એક મહિનાનું ડીઝલ ખર્ચ સરેરાશ  ત્રણ લાખનો થાય છે. આ ઉપરાંત બરફનો ખર્ચ થાય છે. એક લાદીના 250 છે જે વધારે જોવા મળે છે. કચ્છમાં અઢીસો ભાવ છે ત્યારે વેરાવળમાં લાદી દીઠ 120 ભાવ હોવાનું બોટ માલિકે જણાવ્યું હતું. હાલમાં એક બોટમાં ફિસિંગમાં જનાર ખલાસી, ટંડેલ 10થી 15 દિવસ દરિયામાં રાત દિવસ જોયા વગર જતા હોય છે. ખરેખર જો મહેનત હોય તો તે ખલાસીની હોય છે. ત્યારે આ માછલીઓનો જો ભાવ યોગ્ય ન મળતો હોય તો તે બોટ માલિક વર્ષો પહેલા પણ એજ પોઝીશન અને આજે પણ એજ પોઝીશન હોય તે સ્વભાવિક છે. માત્ર વેપારીઓનો વિકાસ થયો તેવું કહેવું ખોટું નથી.
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમની સામે જખૌ બંદરની મુલાકાતમાં અનેક નાના વર્ગના માછીમારો નામ ન આપવાની શરતે રડી પડ્યા હતા. તેઓની વેદના તેમના ચહેરા પર છલકાતી હતી. તેઓનું કહેવું હતું પણ તેમના હાથ બંધાયેલા હતા, તાજેતરમાં જખૌ બંદર ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ હાલમાં માછીમારોને સાધન સામગ્રી રાખવા માટે કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી. પરિણામે પરેશાનીનો સામનો કરવો પળી રહ્યો છે. સાધન સામગ્રી રાખવા માટે વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી બની રહે છે. મહત્વનો બંદર છે તેમ છતાં અનેક અસુવિધાઓ પણ અહીં જોવા મળે છે. બીજી તરફ સરકાર દ્વારા અહીં ટૂંક સમયમાં બાઉન્ડ્રી દિવાલ, રોડનું કામ, એડમિનિસ્ટ્રેટિવ ટાવરનું કામ  હાથ ધરવામાં આવશે, તેમજ આવનારા દિવસોમાં ઓપ્શન હોલ એપ્રોચ રોડ ટોકન, ઓફિસ ઈલેક્ટ્રીક રૂમ, હાઇ માસ ટાવર, સિક્યુરિટી નેટ, મેન્ડિંગ પ્લાન્ટ વોટર સપ્લાય સિસ્ટમ બનાવવાની યોજના હોવાનું આસી.ડાયરેક્ટર જે.પી.તોરણીયાએ જણાવ્યું હતું. 
આ પણ વાંચો - અમદાવાદના સાયન્સ સીટીમાં યોજાયું ગુજકોસ્ટ દ્વારા આયોજિત આઠમા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું “કર્ટેન રેઝર”સેશન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
fishermenGujaratFirstJakhauPortNarratedSufferingvisit
Next Article