બ્લેક & વ્હાઇટ ફિલ્મમાં કેટલાક ગીતો અને સીન પરદેશ જઈને રંગીન સ્વરૂપે ફિલ્મમાં દાખલ કરાવાતા

શ્વેત શ્યામ ફિલ્મો પછી રંગીન ફિલ્મોનો જમાનો આવ્યો અને એ પછી ફિલ્મોના નિર્માણમાં અદ્યતન ટેકનોલોજીનો પ્રવેશ થયો. એની વાત કરીએ એ પહેલા એક વાતનો ઉલ્લેખ વચ્ચે એક ગાળો એવો પણ આવ્યો હતો કે જયારે નિર્માતાઓને આખી ફિલ્મ રંગીન બનાવવાનું પોસાય તેમ ન હોય ત્યારે પોતાની બ્લેક & વ્હાઇટ ફિલ્મમાં એક કે બે ગીતોની ફિલ્મ પરદેશ જઈને રંગીન સ્વરૂપે ફિલ્મમાં દાખલ કરાતી. જેને કારણે જે તે ફિલ્મના એ એક કે બે ગીતો વધારાનું આકર્ષણ બનતા.
ફિલ્મોમાં ટેકનોલોજીનો વિનિયોગ શરૂ થયો એ પહેલા એક નવો ટ્રેન્ડ પણ શરૂ થયેલો જેની નોંધ લેવી જોઈએ. કેટલાક નિર્માતાઓએ આપણા જ દેશમાં બનતી હિન્દી ફિલ્મોના કેટલાક દ્રશ્યો વિદેશની ધરતી ઉપર શૂટ કરીને ફિલ્મની કથામાં એને વણી લેવાનું ચલણ ચાલુ કર્યું. ફિલ્મ “સંગમ” આ પ્રકારની ફિલ્મોમાંનું એક અત્યંત સફળ ઉદાહરણ બની છે.
ટેકનોલોજીનો ઉપયોગ થતા ફિલ્મના ઘણા બધા દ્રશ્યોને ટેકનોલોજીના માધ્યમથી વધારે અસરકારક અને રોમાંચક બનાવી શકાયા. ખાસ કરીને ફિલ્મોમાં આવતા મારામારીના દ્રશ્યો, યુધ્ધના દ્રશ્યો,અકસ્માતના દ્રશ્યો વગેરે દ્રશ્યોને આજે આપણે જે રીતે જોઈએ છીએ અને પ્રભાવિત થઈએ છીએ તેમાં ટેકનોલોજીએ પોતાની કમાલ દેખાડી હોય છે.
હમણાં હમણાં દક્ષિણ ભારતમાં બનેલી “બાહુબલી” કે “મગધીરા” જેવી ફિલ્મો પણ ટેકનોલોજીના ભરપૂર વિનિયોગના કારણે અત્યંત સફળ બની ચૂકી છે. આ રીતે હિન્દી ફિલ્મોની પ્રગતિ આજની તારીખમાં એક નવી જ ગતિ સાથે નવા લક્ષ્યાંકો સાથે આગળ વધી રહી છે.