Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કહાની વીર અને તારાની…જ્યારે ફેસબૂક, ઇન્સ્ટા, વોટ્સઅપથી નહીં આંખોથી વાતો થતી...

આજથી થોડા વર્ષો પહેલાની વાત છે. જ્યારે ફેસબૂક હતું પણ કોઇને એના વિશે એટલું જ્ઞાન ન હતું. હાલ જે રીતે લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક અને વોટ્સએપમાં જેમ લોકો સ્ટોરી મૂકે છે એવું પહેલા કંઇ ન હતું. કોઇને જન્મદિવસની શુભેચ્છા પણ SMS દ્વારા અથવા તો રૂબરૂ મુલાકાતથી દેવાતી. લોકોને મળવા માટે ZOOM એપ્લિકેશન ડાઉનલોડ ન હતી કરવી પડતી. તેના માટે કોઇ સ્થળ નક્કી કરી પ્લાનિંગ કરવું પડતું કે આ જગ્યાએ આ સમય
07:14 AM Feb 09, 2022 IST | Vipul Pandya
આજથી થોડા વર્ષો પહેલાની વાત છે. જ્યારે ફેસબૂક હતું પણ કોઇને એના વિશે એટલું જ્ઞાન ન હતું. હાલ જે રીતે લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક અને વોટ્સએપમાં જેમ લોકો સ્ટોરી મૂકે છે એવું પહેલા કંઇ ન હતું. કોઇને જન્મદિવસની શુભેચ્છા પણ SMS દ્વારા અથવા તો રૂબરૂ મુલાકાતથી દેવાતી. લોકોને મળવા માટે ZOOM એપ્લિકેશન ડાઉનલોડ ન હતી કરવી પડતી. તેના માટે કોઇ સ્થળ નક્કી કરી પ્લાનિંગ કરવું પડતું કે આ જગ્યાએ આ સમયે મળીએ. એ સમય 512 MB ઇન્ટરનેટ પણ બે મહિના ચાલતું અને 1 GB ઇન્ટરનેટ હોય એટલે અમીરી આવી ગઇ હોય તેવું લાગતું. ત્યારે પ્રેમી પ્રેમિકાને જોવા માટે વીડિયો કોલ નહીં પણ મનની આંખોથી જોતો. વાતો પણ નજરોથી થતી. યુવક કંઇ કહે તે પહેલા જ યુવતી સમજી જતી કે આ શું કહેવા માગે છે. આ એ સમયની વાત છે જ્યારે વાત ઇન્ટરનેટના તારથી નહીં પરંતુ દિલના તારથી થતી…
"આ જ સમયની એક કહાની છે વીર અને તારાની…"
આશરે 9 વર્ષ પહેલાની આ વાત છે. નોરતાનો તહેવાર સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો. શરૂઆતના ચાર-પાંચ નોરતા પૂર્ણ થયા હતા. અને પછી વર્ષોની જેમ 6 અને 7માં નોરતાએ ટોપ ગેર પકડી લીધો હતો. એ સમયે આજની જેમ અગિયાર કે બાર વચ્ચે લાઉડ સ્પીકર બંધ કરી દેવાનો આદેશ ન હતો. અને ખરા ગરબા જ છેક બાર વાગ્યા પછી શરૂ થતા હતા. ખેલૈયાઓ છેક વહેલી સવાર સુધી ભક્તિના નામ પર અને શક્તિના ધામ પર જુવાનીનો ખેલ ખેલતાં રહેતા. અને આંખ મીચામણાના ખેલ આખી રાત ચાલતા. આ એ સમયની વાત છે જ્યારે નવરાત્રી ગલીઓમાં થતી, પાર્ટીપ્લોટના નામે માત્ર એક બે જ પાર્ટીપ્લોટ હતા અને તે પણ ટિકિટ પોસાય તેમ નહીં. એટલે મોટાભાગે લોકો ઘરની નવરાત્રીમાં જ ગરબા રમતા.
ત્યારે વીરને એ વાતનો આભાસ પણ ન હતો કે આ નોરતાની આઠમી રાત્રિ તેનું જીવન બદલી દેનારી હતી. આજે પણ જ્યારે ગરબાની રમઝટ બોલાય છે. કાનોમાં તાળીઓનો તાલ અને ઢોલનો ધબકાર ગુંજવા માંડે છે. ત્યારે વીરની સ્મૃતિમાં વિતેલા સમયની એક ચોક્કસ નવરાત્રિ ઝબૂકી ઉઠે છે. તેનું એક જ સુંદર માસૂમ કારણ હતું, ‘તારા’…
નવરાત્રીનું આઠમું નોરતું હતું, જ્યારે વીરે તારાને પ્રથમ વખત જોઇ…” લગભગ રાતના 12 વાગ્યા હતા રોજની જેમ વીર તેના મિત્રો સાથે નવરાત્રીમાં ગુલાબી ફૂલોને જોવા માટે નીકળી પડ્યા. (નવરાત્રીમાં તો ગુલાબી ફૂલો જ દેખાયને) પાર્ટી પ્લોટમાં આંખોને ઠંડક આપી ઘરની નવરાત્રી જોવા સોસાયટીમાં બાઇકનો રાઉન્ડ માર્યો. અને અચાનક વીરની નજર તારા પર પડી તે સમય તારાએ ચમકદાર લાલ-પીળા કલરની ચણીયાચોળી પહેરી હતી. આ ચણીળાચોળીમાં તેના સુંદર ચહેરાની ચમકથી ચંદ્રમાની રોશની પણ ફીકી પડી રહી હતી. તારાના ચહેરાની ચમક એટલી હતી કે વીરને તેના સિવાય આસપાસ શું ચાલી રહ્યું હતું, કોણ હતું, કેવું હતું અને કેમ હતું, કંઇ ખબર જ ના પડી. વીરના માટે પ્રેમ જેવું કંઇ અસ્તિત્વમાં જ ન હતું. વીર હંમેશા પ્રેમની વાતને લઇ મજાક કરતો હતો. અને કહેતો હતો કે, ”પ્રેમ જેવું કંઇ હોતું હશે આવું કંઇ ના હોય”…
પરંતુ જ્યારે વીરે તારાને જોઇ તેના દિલના તાર હચમચી ગયા. દિમાગમાં સન્નાટો છવાઇ ગયો. તારાને જોઇ ત્યારે વીરના માટે સમય જાણે થંભી ગયો હતો અને યશરાજ ફિલ્મની જેમ જાણે કે, વાયોલિન સાથે આસપાસ સુંદર સંગીત વાગી રહ્યું હોય તેવો અહેસાસ થઇ રહ્યો હતો…આ અહેસાસનું કારણ એક જ હતું, વીરને પ્રથમ નજરે જ તારાને પ્રેમ થઇ ગયો હતો…
વીરની નજરે તારાના સૌંદર્યનું વર્ણન કરવા બેસું તો વિશ્વનો સૌથી મોટો એક ગ્રંથ લખાઇ જાય. પણ એટલું જરૂરી કહીશ કે, તારાનો દેહ સૌષ્ઠવ વર્ણનાતીત (એટલો સુંદર કે જેનો વર્ણન ન થઇ શકે) હતો. સામાન્ય ચણીયાચોળીમાં તારાનો ગોરો દેહ દીપી ઊઠ્યો હતો. વાળમાં લટે લટે મોતી પરોવેલા હોય તેવો અભાસ થતો. કોમળ ગળામાં અને હાથમાં આભૂષણો અને એથનિક બ્યુટી અર્પી રહ્યાં હતાં. આંખોમાં કાજળ, કપાળમાં ચાંલ્લો અને હોઠો પર લાલી, આટલાથી જો જોનારાને ધરવ ન થતો હોય તો ચમકદાર લાલ લાલ ચહેરો. તારાની આંખો તેને દેહનું સૌથી સુંદર ઘરેણું હતું. તારાની આંખો પર એક આખી કવિતા લખાઇ જાય તેવી સુંદર તેની આંખો હતી. તારાની આંકો સમુદ્રના ઉંડાણ કરતા પણ ઉંડી હતી. તેની બ્રાઉન રંગની આંખોની સામે કોઇ એક પળ પણ જુએ તો તેના પ્રેમમાં પડી જાય. અને પ્રેમની મજાક ઉડાવતો વીર તારાની આ જ આંખો જોઇ પહેલી નજરે જ…
તારાને જોઇ વીર એ તેના મિત્રને કહ્યું ”ભાઇ આ છોકરી કોણ છે એકદમ લાલ લાલ ટામેટા જેવી લાગે છે”
મિત્રએ કહ્યું,- ”કોની વાત કરે છે ભાઇ તું?…”
વીરે કહ્યું,-”ટોપા સામે જો તને અહિંયા સૌથી મસ્ત અને સુંદર છોકરી કઇ લાગે છે તેની વાત કરું છું”
મિત્રએ કહ્યું.-”અરે આ તો અહિંયા સામે જ રહે છે મારા દાદા અને એના દાદા મિત્ર છે એકબીજાને ઓળખે છે સારી રીતે.”
બસ મિત્રના મોઢાંમાંથી ઓળખે છે શબ્દ સાંભળ્યો એટલે વીરના મનમાં તારાને લઇ અધેરાઇ થઇ ગઇ. તારા શું કરે છે, શું નહીં, આ તે પેલું બધું જ જાણી લેવું હતું. એક વાત બાકી રાખવી ન હતી.
વીર એ કહ્યું,-”બીજું કંઇ તો કે લ્યા…તું યાર ભાઇબંધ થઇને આટલું નથી કરી શકતો…”
મિત્રએ કહ્યું,-”ભાઇ તને કેમ આટલો રસ છે એનામાં…?”
વીરે કહ્યું,-”તને કહ્યું એટલું કરને મને કે તો આના વિશે કંઇક…”
પછી મિત્રએ કુંડળી ખોલી કહ્યું,-”ભાઇ એનું નામ તારા છે અને તેના ઘરે ટ્યુશન ક્લાસ ચાલે છે. મારા દાદા અને એના દાદા સારા મિત્ર છે. હું આના વિશે આટલું જ જાણું છું હવે મારું મગજ ખાવાનું બંધ કરે. અને શાંતિથી બેસી જા. અને હા, મનમાં જે વિચારો છે ને એને દૂર સુધી ન જવા દે આ તારા હાથમાં આવે તેવી છોકરી નથી. એકદમ સીધી અને સિમ્પલ છે. અંગ્રેજી મીડિયમમાં ભણે છે. જેટલી સુંદર છે એટલી જ સીધી છે. એટલે મારા શબ્દો યાદ રાખ…આ ‘તારા’ તારા હાથમાં નહીં આવે. તું હવે ઘરે જઇ શાંતિથી સુઇ જા…”
વીરનો મિત્ર તારા વિશે જેટલું જાણતો હતો તેટલું બોલતો રહ્યો અને વીર મનમાં ને મનમાં તારાના દિલના તાર સુધી પહોંચી ગયો…મિત્ર બોલતો રહ્યો અને વીર સાંભળતો રહ્યો. વીરને તેના મિત્રોની વાતમાં બસ એક શબ્દ સાંભળતો હતો અને તે હતો ‘તારા’…
જેટલું જાણવું હતું, તેટલું જાણી અને પછી ઘરે જઇ વીર સુઇ ગયો પરંતુ દિમાગમાં એક જ ચહેરો ફરતો હતો, એ તારા જેના હાથમાં આરતીની થાળી હતી, એ તારા જેનો ચમકદાર ચહેરો નવરાતના અંધારામાં પણ ચમકી રહ્યો હતો. એ તારા જેને જોઇ વીર પહેલી નજરમાં જ તેને પ્રેમ કરવા લાગ્યો હતો. પરંતુ મિત્રનું એક વાક્ય કે ”ભાઇ તારા હાથમાં નહીં આવે”…એટલે વીર પાછો પડ્યો અને વિચાર્યું કે, ”છોડ આપણા ગજાની વાત નહીં”…
કારણ કે, વીર એક સામાન્ય દેખાતો યુવક હતો, ધોળો હતો પણ તારા જેટલો નહીં, સામાન્ય દેખાવડો હતો અને 5.8 ઇંચની હાઇટ હતી. અને શરીર પણ સામાન્ય હતું ડોલેશોલે નહીં. એવું પણ ન હતું કે કોઇ યુવતી એક વખત જોઇ તેના પ્રેમમાં પડી જાય. અને તે ગમવા જ લાગે. એટલે વીરે અરીસા સામે જોયું અને વિચાર્યું…
”ભાઇ મિત્ર સાચું કહે છે, ક્યાં તારા અને ક્યાં હું, છોડ આપણી પહોંચ બહારની વાત છે. હું ક્યાં ગુજરાતી મીડિયમ અને એ અંગ્રેજી મીડિયમ અને એમાં પણ સુંદરતા…તારા કેટલી મસ્ત લાગે છે અને હું…” આટલું લાંબુ વિચારી અને વીરે ખુદને જવા દો સાચે જ હાથમાં નહીં આવે તેવું કહીં દીધું અને સૂઇ ગયો…
પછી થોડા દિવસો વિત્યા, મહિનાઓ વિત્યા…પરંતુ વીરના મનમાં તારા જ હતી, ગમે તે યુવતીને જુઓ તો તે તારાની સાથે સરખામણી કરતો, તારાની આંખો, તારાનું નાક, તારાના હોઠ, તારાના ગાલ આ સાંભળી સાંભળી તેનો મિત્ર પણ તેને મારવા દોડતો. અને કહેતો ”બસ મારા ભાઇ હવે શાંતિ રાખ…” જો કે, સામે તારાને આની કંઇ ખબર જ ન હતી…
પછી એક દિવસ વીર તેની બાઇક લઇને બહાર નીકળ્યો અને ત્યાં તારા તેનું બેગ લઇ નાનકડી ઢીંગલીની જેમ ચાલતા ચાલતા આવતી હતી, પીળા કલરની ટીશર્ટ અને નીચે જીન્સ બાંધેલા વાળ હતા સાથે સૂર્યની રોશનીમાં તારા ચમકી રહી હતી. વીર જ્યારે પણ તારાને જોતો ત્યારે તેની આસપાસનું તેને કંઇ દેખાતું જ નહીં. તેની નજર માત્ર તારા પર જ ટકેલી રહેતી. તારાની માસૂમિયત અને તેની ચાલ, તેની જોવોની રીત અને તેની આંખો પર વીર ફિદા હતો. બસ તો પછી શું વીરને રહેવાયું નહીં અને તેણે નક્કી કરી લીધું કે,
”ભલે ના પાડે કે માર ખાવો પડે, પણ એકવાર તો આની જોડે વાત કરવી જ છે.”
વીરે મિત્રને કહ્યું, ”ભાઇ આજે ફરી તેને જોઇ મને બહું ગમવા લાગી છે. કેટલી મસ્ત લાગે છે. ઢીંગલી જેવી છે. દૂરથી જોઉ તો પણ તેની આંખો જ ચમકતી હોય છે. એના ગાલ ગ્લો કરતા હોય છે. અને વાળ સરખા કરતી કરતી મસ્ત પરીની જેમ ચાલતી ચાલતી આવે છે. ભાઇ હું એને જ્યારે પણ તેને જોઉં છું બીજું કોઇ દેખાતું જ નથી. આજુ બાજુ બધો સન્નાટો છવાઇ જાય છે. વાયોલિન વાગવા લાગે છે. સુંગધ ફેલાઇ જાય છે. મને એ બહું ગમવા લાગી છે.”
વીરે મિત્રને કહ્યું,-”કંઇક આઇડિયા આપ યાર શું કરું?…”
વીર અને બંને વિચારવા લાગ્યા કે શું કરવું?…
કલાકો સુધી વિચાર કર્યા બાદ સામેથી પ્રીતિ નીકળી (પ્રીતિ તેના મિત્રની નાની બહેન)
મિત્રએ કહ્યું-”ભાઇ એક કામ કર તું મારી બહેન પ્રીતિને તેના ઘરે ત્યાં ટ્યુશનમાં મૂકી દે, તેનાથી તને એક ફાયદો તો થશે કે તું તેને વધુ સમય જોઇ શકીશ.”
વીરે તેના મિત્રને કહ્યું-”ભાઇ તારી બહેન હું કેવી રીતે મૂકવા જઉ. ખબરના પડતી હોય તોય બધાને ખબર પડી જાય”
મિત્રએ કહ્યું- મારી બહેન એ તારી બહેન. એવું કંઇ નહીં તું તાર જા કોશિશ તો કર…”
બસ તેના મિત્રની આ વાત સાંભળીને જ વીર પહોંચી ગયો પ્રીતીને લઇ ટ્યુશન માટે…ત્યારે અંદાજે 11થી 12 વાગ્યા હશે, વીર પ્રીતિને ટ્યુશનમાં મૂકવા ગયો પરંતુ તેની નજર તો તારાને જ શોધતી હતી, વીરે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે તેના દિલના ધબકારા 200ની સ્પીડે ધબકી રહ્યા હતા. ડર પણ હતો અને ખુશી પણ…વીરે પ્રીતિને ઘરમાં ટ્યુશનમાં મૂકી થોડો સમય ત્યાં ઉભો રહ્યો પરંતુ તારા તેને ન દેખાઇ. વીરે વાતો કરવાના બહાને થોડો વધુ સમય પસાર કર્યો અને એકદમથી માસૂમ અને મીઠો અવાજ વીરના કાનના પડદા પર પડ્યો…મમ્મી…તારાનો માસૂમ અને વશમાં કરી દે તેવો અવાજ સાંભળી વીરના ધબકારા જે પહેલાથી જ 200ની સ્પીડે ધબકી રહ્યા હતા તે 400ની સ્પીડે ધબકવા લાગ્યા…તારાનો ક્યૂટ અવાજ સાંભળી વીર બે ઘડી તેની સામે જ જોતો રહ્યો…
કાળા ભમ્મર કેશમાં કોમળ હથેળીઓથી તેલ લગાવતી લગાવતી તારા બહાર આવી, તારા ત્યાં આવી તે સમયે તારાના દેહમાંથી ફોરતી મિશ્ર સુગંધ, સમગ્ર વાતાવરણને પ્રેમમય બનાવી દીધું. અચાનક વાતાવરણ સુંગધથી મહેકી ઉઠ્યું હતું. તારાના સુંદર દેહમાંથી મંત્રમુગ્ધ કરી દેતી સુંગધ આવી રહી હતી. તે સુંગધનો અહેસાસ માત્ર વીરને જ થતો. એના વ્યક્તિત્વમાં સુંદર તત્ત્વોનો સમન્વય હતો. તેના શરીરના ઘાટીલા વળાંક અને ઘાટીલી કાયાથી લાલ રંગનો સાદો ડ્રેસ પણ તેના પહેર્યા બાદ અમૂલ્ય બની ગયો હતો. તારાનો માસૂમ ચહેરો વીરના આંખોની સામેથી હટતો જ ન હતો. તારાને જોવામાં ને જોવામાં વીર એ પણ ભૂલી ગયો કે તારાના મમ્મી અને દાદી બધા સામે જ હતા. બધુ ભૂલી વીર ખાલી તારાને જ જોતો રહ્યો…અને બસ જોતો રહ્યો…અને બસ જોતો રહ્યો…
વીરે તારાને જોઇ ત્યારે ખુલ્લા વાળ હતા, લાલ રંગનો ડ્રેસ હતો કમર સુધી લાંબા વાળ આવી રહ્યા હતા. એક બાજુ મિત્રની બહેન પ્રિતી ટ્યૂશન ક્લાસમાં રડી રહી હતી. પણ વીરને પ્રીતીનો રડવાનો અવાજ પણ ન હતો આવતો. વીરને ખાલી તારાનો ચહેરો જ દેખાઇ રહ્યો હતો અને મનમાં બોલી રહ્યો હતો ”એક દમ લાલ ટામેટા જેવી છોકરી છે યાર, કેટલી મસ્ત લાગે છે એકદમ ક્યૂટ…આ તો ક્યૂટનેસનો દરિયો છે, સુંદરતાનો સાગર છે અને આકર્ષણની આકાશગંગા  છે…”
ત્યારે નવરાત્રીના મહિનાઓ વિત્યા બાદ વીરે તારાને દિલભરીને નિહાળી હતી. વીરના મનમાં તારાની સાદગી અને સુંદરતા વસી ગઇ હતી. સામાન્ય દેખાતો વીરમાં પણ હિંમત આવી અને વીર એ જ ક્ષણે વીરે નિર્ધાર કરી લીધો કે,
”સુગંધના દરિયા સાથે એકવાર વાત તો કરવી જ છે નહીંતર જિંદગીભર આ વાતનો અફસોસ થશે કે યાર એકવાર પણ વાત ન કરી…” વીર એ તારાને એ રીતે જોઇ કે, એને ખબર પડી ગઇ કે આના મનમાં શું ચાલે છે?…
બસ પછી કંઇ પણ કામ હોય વીર તારાના ઘર આગળથી જ નીકળે, તારાને જોવાનો એક ક્ષણ પણ વીર ચૂકતો ન હતો. ઘરનું કંઇ પણ કામ હોય વીર જ કરતો, કોઇ દિવસ જાતે ઉભો થઇને પાણી પણ ન પીતો વીર, મગની દાળ પણ લેવા માટે તૈયાર થઇ જતો. વીરને દૂધ લેવા જવું હોય તો પણ તેના ઘર આગળથી જ નીકળતો. પ્રીતીને પરાણે પરાણે ઢસડી ઢસડીને ચોકલેટ ખવડાવા લઇ જતો. આ બધુ કરવાનું એક જ કારણ હતું, અને તે હતું સુંદર અને માસૂમ ‘તારા’…
કારણ કે તેને માત્ર એક વખત ફરી તારાને જોવી હતી. સવારે જોઇ હોય તો સાંજે ફરી જોવી હતી. અને સાંજે જોઇ હોય તો રાત્રે ફરી તારાને જોવી હતી. આમ દિવસો નદીના વહેણની જેમ વહેતા ગયા…અને વીર તારાને જોવા આંટાફેરા મારતો રહ્યો…અને આમને આમ સમય પસાર થતો રહ્યો…
થોડા સમય પછીની જ વાત છે, રવિવારનો સમય હતો ઉનાળાની બપોર હતી. ગરમ પવન સુસવાટા મારી રહ્યો હતો, અને વીરને ખબર હતી કે રવિવારે તારા બપોરે 12 વાગ્યા બાદ ટ્યુશનથી છૂટે છે. આ પહેલા પણ વીરે તેને રવિવારે 12 વાગે ટ્યુશનથી છૂટતા જોઇ હતી. એટલે વીર એ નક્કી કરી લીધું કે, ”બસ હવે આજ તો વાત કરી જ લેવી છે. જો કે આવો નિર્ધાર વીરે આ પહેલા પણ અનેક વખત કરી ચૂક્યો હતો પણ હંમેશાની જેમ સ્વપ્નસુંદરી તારાને જોઈને ક્ષણાર્ધ માટે એના ચરણ અટકી જતાં હતાં. પછી હિંમતની પોટલી છુટ્ટી થઈને વેરાઈ જતી હતી. જો કે એક દિવસ વીરે નક્કી કરી લીધું કે, ”આજ તો ગમે તે થાય…વાત કરી જ લેવી છે…”
વીર બાઇક લઇને નીકળ્યો અને ટ્યૂશન જઇને આવી રહેલી તારાને રસ્તા વચ્ચે જ રોકી અને પૂછી દીધું…
વીરે કહ્યું,- ”તારી હા છે કે ના?”
તારાએ કહ્યું- ”શેની હા કે ના?”
વીરએ કહ્યું,- ”ખાલી હા કે ના કે?”
તારાએ કહ્યું,- ”પણ શેની હા કે ના?, એ તો કહો…”
વીરે તારાને કહ્યું,- ”મારો નંબર લઇ લે મને ફોન કર જે”
તારાએ સામે કહ્યું,- ”કાલે આવજો અહિંયા નહીં થોડા આગળ આ જ સમયે આવજો…”
વીરે તારા સાથે કરેલી આટલી નાનકડી વાત પણ તેના માટે યાદગાર પળ હતો. જેને દૂરથી નીહાળતો હતો તેની સાથે વાત કરી વીરના હ્રદયમાં ગલીગલીયા થવા લાગ્યા હતા…
બસ વીર બીજા દિવસની રાહ જોઇ રહ્યો હતો, તે રાત વીરને ખુબ લાંબી લાગી પરંતુ તે રાત તેના માટે મધુર રાત હતી. જે તારાના તે સપના જોતો હતો, જે તારાને જોવા માટે દિવસમાં તેના ઘર આગળ 50 આન્ટા મારતો હતો. કોઇવાર સાઇકલ લઇ, કોઇવાર બાઇક અને સાઇકલ કે બાઇક ન હોય તો ચાલતો પણ જતો રહેતો. તે તારાએ તેની સાથે પહેલી વખત વાત કરી હતી, તારાનો ક્યૂટ અવાજ, તારાની માસૂમ હસી અને તેની આંખો જોઇ વીરને આખી રાત ઉંઘ ન આવી…
બીજો દિવસ થયો વીર વહેલી સવારે ઉઠી અને નાઇને તૈયાર થઇ ગયો.
ત્યારે વીરના મમ્મી એને જોઇ રહી હતી, વીરના મમ્મી એકદમ સુંદર સ્વભાવના મજાકીય અને 1965માં જન્મેલા ખુલ્લા વિચારના હતા.
વીરની મમ્મીએ કહ્યું- ”કેમ ભાઇ આટલો વહેલા ઉઠ્યો આજે આમ તો રોજ 12-12 વાગે ઉઠે છે અને હમણાથી ટકાટક તૈયાર જ રહે છે. સેન્ટ નાખે છે. પાઉડર લગાવે છે. કોઇ છોકરીના ચક્કરમાં તો નથી ને. હોય તો કહી દેજે, આપણે જાન લઇને જતા રહીશું. આમ પણ તારા લખણ અમને હારા નહી લાગતો હો. અમણાથી તો કપડા અને પર્ફ્યુમ પર જ પૈસા ખરચે છે. એટલે કોઇ હોય તો કઇ દે એટલે આવા ખરચાની વાત પતે”
વીરે કહ્યું-”બસ મમ્મી, એની જ તૈયારી છે, તું એક કામ કર તું એક થાળીમાં વહુંની પૂજા કરવા માટે જે તૈયારી કરવાની હોયને તે કરી લે. હું બસ તેને લઇને જ આવું છું.”
વીરના મમ્મીએ કહ્યું-” શું વાત કરે છે,છોકરી કેવી લાગે છે એ તો કે લ્યા…?”
વીરે સામે કહ્યું- ”ઢીંગલી જેવી, પરી છે એકદમ પરી…તું ખાલી થાળી લઇને તૈયાર રહેજે…પણ સાડી નહીં પહેરાવું ચાલશે…”
વીરની મમ્મીએ કહ્યું,-”આપણે એવી કંઇ સાડી ડ્રેસની નહીં પડી, છોકરી સારી હોવી જોઇએ. પછી તું તારે નાની કેપ્રી પેરાવીને ફરાવજેને કોણ બોલે છે હું જોઉ છું”
બસ વીરે પછી બાઇકની કીક મારી અને નીકળી ગયો, તારાને મળવા…સામેથી આવતી તારાને વીર જોતો જ રહી ગયો. એ દિવસે તારાઆ સફેદ ટીશર્ટ અને જીન્સ પહેર્યું હતું.
વીરે તારાને કહ્યું,”નંબર તો લઇ લે હવે”
તારાએ બેગમાંથી મોબાઇલ કાઢ્યો અને કહ્યું,-”બોલો”
વીરે તારાને નંબર કહ્યો.”8866……..”
તારાએ વીરને કહ્યું,” નંબરમાં બધુ ડબલ ડબલ છે”’
અને આટલું કહી બંને હસી પડ્યા, અને તારા ઢીંગલીની જેમ ત્યાંથી ચાલતી ચાલતી ટ્યુશને પહોંચી ગઇ.
બસ પછી વીર અને તારા વચ્ચે વાતોની સિલસિલો શરૂ થયો. તારા વીર સાથે એક મિત્ર તરીકે જ વાત કરતી હતી, પરંતુ વીરના તો દિલના તારને અડી ગઇ હતી ‘તારા’,
વીરે તારાને કહ્યું,- ”મારે મળવું છે.”
તારાએ કહ્યું,-”સારું સાંજે આવો”
અને વીર પહોંચી ગયો તારા માટે ચોકલેટ લઇ. વીરને ખાલી તારાને જોવાનું એક બહાનું જોઇતું હતું. તારાએ પહેલા ચોકલેટ લેવાની ના પાડી પછી તેણે ચોકલેટ લઇ તેના બેગમાં મૂકી અને કહ્યું,
”સારું ચલો હું જાઉ છું મારે મોડું થઇ ગયું…”
તારાનો ક્યૂટ અવાજ અને તેની આંખો જોઇ વીર તેની સામે જ જોઇ રહેતો…અને તારા ત્યાંથી ચાલતા નીકળી ગઇ…
ઘણીવાર તારા વીરને ના પાડતી કે, આજે ના આવતા તો પણ વીર તેને જોવા જતો રહેતો અને તારાને ખબર ના પડે એ રીતે સંતાઇને તારાને જોતો રહેતો, અને મનમાં ડર પણ હતો કે, તારા ક્યાંક જોઇ ના જાય નહીં તો ગુસ્સે થશે અને તારાનો ગુસ્સો એટલે જ્વાળામુખી કરતા પણ ભયાનક…
આમને આમ દિવસો આગળ વધતા ગયા, વીર અને તારાની વાતચીત પણ આગળ વધતી ગઇ…ફોન પર ”શું કરે છે, ક્યાં જાય છે, શું ભણે છે પહેલાની નાની-નાની વાતો પણ મીઠી-મીઠી વાતો, ધીરે ધીરે વાતો વધતી રહી.” અને વીરના દિલમાં તારા ઉતરતી ગઇ…
સમય લોકો માટે તેજ ગતીએ આગળ વધતો હતો પરંતુ વીર અને તારા માટે સમય તો સ્લો-મોશનમાં હતો. દિવસ ગમે તેની હોય પણ રાત તો તારા અને વીરની હતી, રાતના 9 વાગે એટલે તારાની રિંગ વીરના ફોન પર વાગી જ જાય…
તારા વીરને પૂછે,-”હેલ્લો, ક્યાં છો?.
તારાને ખબર હોય કે વીર તેના ઘરની બહાર જ છે છતા પણ તે તેને એકવાર તો પૂછતી જ કે ક્યાં છો. તારાના એ કેરિંગ નેચરના કારણે વીર પીગળી જતો.
તારા વીરને ફોન કરે એટલે તેની મધુર ક્યૂટ અવાજથી કહેતી,- ”શું કરો છો?. જમી લીધું.”
વીર તેને કહેતો-”હા, ઢીંગલી બસ હાલ જ જમીને ઉભો થયો અને તારો ફોન આવ્યો.”
વીર તારાને હસીને કહેતો- ”એક મિનિટ પણ આગળ-પાછળ નથી થતી નઇ ફોનની.”
સામે તારા વીરની આ વાત સાંભળી હસી દેતી અને કહેતી-”ના, હું તો રોજ 9 વાગ્યાની જ રાહ જોઉં છું” બસ અને ત્યારથી બંનેની વાત શરૂ થતી અને વાતોમાં ને વાતોમાં સપનાની દુનિયામાં ખોવાઇ જતા…
અને પછી બંનેની વાત શરૂ થાય એટલે તેનો કોઇ અંત ન હોય, જેમ સમુદ્રની ગહેરાઇનો કોઇ અંત નથી, અતરિક્ષની ઉંચાઇનો કોઇ અંત નથી તેમ વીર અને તારાની વાતોનો પણ કોઇ અંત ન હતો, રાતે 9 વાગે શરૂ થયેલી વાતચીત ક્યારે સવારના 5 વાગી જાય ખબર ન પડે. એક દિવસ એવો ન જાય જ્યારે વીર અને તારા વચ્ચે વાત ન થાય. લગ્ન પછી શું કરીશું. ક્યાં રહીશું, અને છોકરાઓ સુધી પણ નક્કી કરી દીધું હતું.
વીર અને તારા એકમેકમાં એટલા ખોવાઇ જતા કે કેટલો સમય થયો તેની જાણ જ ન થતી. વીર તારાનો એક ક્ષણ માટે પણ સાથ છોડવા ન હતો માગતો. તારા દુઃખી થતી તો વીર તેને હસાવતો, તારા રૂઠી જતી તો વીર તેને મનાવતો. તારાનો ક્યૂટ ચહેરો જ્યારે રૂઠી જતી તો ફૂગ્ગાની જેમ ફુલી જતો તો સામે વીર તેના માટે ગીત ગાતો. તારા રૂઠી જતી તો વીર ચિંતામાં આવી જતો વીર વિચારતો કે તારા માટે શું કરું કે, તે ખુશ થાય. અને પછી તેની સાથે મીઠી મીઠી વાતો કરી તેને ગમે તે કરી વીર મનાવી લેતો. અને તારા પણ વીરથી બહું રિસાતી નહી અને હસી દેતી…
વીર તારા માટે એક ગીત હંમેશા ગાતો જેને સાંભળી તારા પણ ખુશ થઇ જતી…એ ગીત છે…
”તુમ હૌ સાથ પાસ મેરે, સાથ મેરે હો તુમ યૂં
જીતના મહેસૂસ કરું તુમકો ઉતના હી પા ભી લૂં.”
વીરનો તારા પ્રત્યે પ્રેમ, લાગણી અને સારસંભાળ જોઇ તારાના મનમાં પણ વીર પ્રત્યે પ્રેમની લાગણી વધવા લાગી અને એક સમય એવો આવ્યો કે તારાનો પ્રેમ વીરના પ્રેમ કરતા પણ વધી ગયો. વીર અને તારા વાત કરતા તો તારા ચાલું વાતોમાં વીરને કહેતી,…I LOVE YOU અને વીર ચોંકી જતો. કે આ શું એકદમથી. તો તારા કહેતી કે મને જ્યારે લાગશે ત્યારે કહીંશ તમારે કંઇ…તમારે સામે કહેવું હોય તો કહેવાનું નહીં તો કંઇ વાંધો નહીં…અને વીર તારાની આ ક્યૂટ વાતો પર હસી દેતો…તારાનો ક્યૂટ અવાજ, બોલવાની રીત અને માસૂમ હસી પર વીરનો પ્રેમ હ્રદયમાં વેરાઇ જતો…
તારા વીરને કહેતી.
"વીર તમે મને ક્યારેય છોડીને નહીં જાઓને પ્રોમિશ કરો.."
વીર તારાને કહેતો-
"પાગલ, હું તને ક્યારેય છોડીને નહીં જાઉ, તું મને છોડીને જઇ પરંતું હું તને ક્યારેય છોડીને નહીં જાઉં"
એક દિવસ જ્યારે વીર અને તારા વચ્ચે એક યુવતીને લઇ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ. તે રાતે તારા ખુબ રડી. અને વીરને પણ રાતે ઉંઘ ન આવે અને વીરના મનમાં તે યુવતી માટે કંઇ ન હતું. ન કોઇ તેના સાથે સંબંધ હતો. તે યુવતીએ વીરને સામેથી પ્રપોઝ કર્યો હતો. પણ વીર આ વાતને યોગ્ય રીતે ન કહી શક્યો. અને તારાને લાગ્યું કે વીર તેને ખોટું બોલી રહ્યો છે. પણ વીરે તારાને ક્યારેય ખોટું ન હતું બોલ્યું. પણ તારાને એવું લાગ્યું કે વીર ખોટું બોલી રહ્યો છે. અને તારાને બધું સહન થાય પણ ખોટું ક્યારેય સહન ન હતું થતું. એ રાતે તારા રડી વીરે તેને મનાવાની કોશિશ કરી પરંતુ તારા શાંત ન થઇ.
બીજો દિવસ થયો સવારે વીરે તારાને ડરતા ડરતા ફોન કર્યો…!
(વીર તારાને ખુબ પ્રેમ કરતો હતો સામે તેનાથી ખુબ ડરતો પણ હતો, તારા કહે કે, આમ નહીં કરવાનું એટલે વીર તે વસ્તું ના જ કરે. અને જો ભૂલથી થઇ ગઇ તો વીરને તારાના ગુસ્સાથી કોઇ બચાવી ન શકે)
વીરે કહ્યું,- "હેલ્લો, શું કરે છે?, સોરી તને રડાવી મારા મનમાં કંઇ ન હતું…" બસ વીર તેની વાતની સ્પષ્ટતા કરતો ગયો…
તારાએ કહ્યું-"સારું કંઇ વાંધો નહીં હવે આ વાત નહીં કાઢીએ", તારાની આવા સમજદારી જોઇ વીર વિચારમાં પડી જતો કે, આટલી સમજદારી આવે છે ક્યાંથી આનામાં…
ઘણીવાર વીરની કેટલીક નાની નાની વાતોને લઇ તારા રડતી અને રૂઠી જતી પણ વીર તારાને ગમે તે કરી મનાવી લેતો. વીર તારાને મનાવે નહીં ત્યાં સુધી વીરના મુખમાંથી અન્નનો એક કોડિયો પણ ન જતો. બંનેનો પ્રેમ સતત વધતો ગયો. લગ્ન પછી ક્યાં રહીશું, શું કરીશુ, અને બાળકોના નામ શું હશે ત્યાં સુધીની પણ વાતો કરી લીધી. વીર અને તારા વચ્ચે બધુ જ બરાબર ચાલતું હતું, એમ કહીએ કે બરાબર નહીં પરંતુ એ સમય તેમના માટે સોનેરી સમય હતો. આમને આમ વીર અને તારાના પ્રેમ સંબંધને વર્ષઓ વીતતા ગયા. વીરની ઉંમર લગ્નની થઇ રહી હતી. સામે તારા પણ વીરથી 2 વર્ષ જ નાની હતી.
એક દિવસ વીરે તારાને ઘૂંટણીએ પડી એકદમ ફિલ્મી સ્ટાઇલમાં કહ્યું,-
"વીલ યૂ મેરી મી” તું મારી સાથે તારી અમૂલ્ય જિંદગી વિતાવીશ?"
વીરે તારાને પ્રોમિસ કર્યું કે, "હું તારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવા દઉં. તને ક્યારે રડવા નહીં દઉં. તને ક્યારે હર્ટ નહીં કરું, તને ક્યારે દુઃખી નહીં થવા દઉં. ઘરનું કામ હું કરીશ. ચા હું બનાવીશ, નોકરી હું જઇશ, રસોઇ પણ હું જ કરીશ, તારે બસ મારા હાથથી જમવું પડશે. તારે સવારે વહેલા પણ નહીં ઉઠવાનું, આરામ કરવાનો. અને ખાલી બસ મસ્ત ડ્રેસ પહેરી અને મને ગમે છે તેવી હેરસ્ટાઇલ કરવાની…વીરની આ વાત સાંભળી તારા હસી પડી…વીર આગળ બોલતો રહ્યો…
અને તારાએ વીરને કહ્યું-”બસ…હવે…બસ…"
તારાએ વીરને મજાકમાં કહી દીધું-"ના, હો…મારે હેરાન નથી થવું તારી સાથે લગ્ન કરીને, તું તો મને સખણી રહેવા જ ના દે. આખો દિવસ મારી સામે ને સામે જોઇ રહે, અને કંઇ કામ જ ન કરવા દે…”
તારાની આ વાત સાંભળી વીર હસી પડે છે, અને થોડી જ વારમાં બંને એકબીજાની સામે જોઇ અને ભેટીને પ્રેમથી એકબીજામાં પરોવાઇ જાય છે, ત્યારે વીર તારાને કહે છે કે, ”તું બસ આખી જિંદગી આ રીતે જ મારી જોડે રહેજે, ક્યાંય જતી નહીં"
તારા પણ વીરની પ્રેમભરી આલીંગનમાં પરોવાઇ જઇ અને કહે છે,-” મારે હવે ક્યાંય નથી જવું, મારા જેવી ચુડેલને (વીર તારાને મજાકમાં ક્યુટ ચુડેલ કહેતો) તમારા સીવાય કોઇ સહન ના કરી શકે”
વીર અને તારાના લગ્નમાં કોઇ અડચણ આવે તેવું ન હતું, સમાજ એક હતો, કાસ્ટ એક હતી. બસ પરિવારને મનાવાનું પ્લાનિંગ હવે બંને કરી રહ્યા હતા. ત્યારે બંનેએ એક દિવસ નક્કી કર્યું કે,
"હવે આજે ઘરમાં વાત કરી દઇએ…"
વીર તેની તરફથી નિશ્ચિત હતો કે, તેના ઘરેથી કોઇ મુશ્કેલી આવે તેવું નથી. કારણ કે, તારા જેવી પરી જેવી વહું ઘરમાં આવે તો કોણ વિરોધ કરે. પરંતુ ચિંતા તારાના ઘરની હતી. તારા વીર કરતા વધુ સુંદર, વધુ ભણેલી, વધુ હોશિયાર હતી. સામે વીરની એજ્યુકેશન તારાની સામે ક્યાંય ન હતું. આ વાતને લઇ વીર અને તારા ચિંતામાં હતા. પછી બંનેએ એક પ્લાન બનાવ્યો…
એક દિવસની વાત છે, વીરે ઘરમાં વાત કરી…
વીરે કહ્યું,-"મમ્મી, મેં તને ખબર છે પેલા દિવસે કીધું હતું કે, પરી લઇને આવું છું. તો લઇને આવી ગયો.
વીરની મમ્મીએ કહ્યું,-"સાચું કહે છે કે મજાક કરે છે?, તારા જોડે વડી કઇ પરી લગન કરે?"
વીરે કહ્યું,-"મમ્મી, તું યાર મારી ઇજ્જત જ નથી રાખતી."
પછી વીરે તેની મમ્મીને તારાનો ફોટો બતાવ્યો, તારાનો ફોટો જઇ વીરની મમ્મી તારાને ઓળખી ગઇ અને કહ્યું, "અલ્યા આ તો પેલા…"
વીરે કહ્યું,-"હા…એ જ એમની જ છોકરી છે"
વીરની મમ્મીએ કહ્યું,-"આ તો પહેલાથી જ મારા નજરમાં હતી, ખરેખર મસ્ત પરી જેવી જ લાગે છે."
વીરે કહ્યું,-"મમ્મી, તું વાત લઇને જાને એટલે એમને એવું કંઇ લાગે નહીં, તારાને મેં એમ કહ્યું છે કે, મારી મમ્મી તારા ઘરે વાત લઇને આવશે. એટલે તું માસીની સાથે જા અને વાત કર."
વીરની વાત સાંભળી એની મમ્મી પણ તૈયાર થઇ ગયા. સામે તારાએ ઘરે કંઇ વાત ના કરી. બંનેએ નક્કી કર્યું હતું કે, આપણે કોઇને જાણ ન થાય તે રીતે વાત કરીશું. તારાએ વીરને કહ્યું હતું કે, "તમે તમારા મમ્મીને મારા ઘરે મોકલજો વાત લઇને અને તેમને કહેજો કે, એ રીતે જ વાત કરી કે આપણા વચ્ચે કંઇ છે જ નહીં…"
પછી તો શું. વીરની મમ્મી અને માસી તારાના ઘરે પહોંચી અને તારાના મમ્મીને મળ્યા. અને તારાનો હાથ વીર માટે માગ્યો. તારાના મમ્મી થોડા વિચારમાં પડ્યા અને કહ્યું કે, એકદમથી તમને કંઇ કહીએ નહીં. તારાને પૂછવું પડે. તમારા છોકરાને તો જોયો છે પણ તેને એકવાર મળીશું. અને તારાને પૂછીને તમને આગળ વાત કરીએ. આટલી વાત કરી વીરના મમ્મી અને માસી તારાને ઘરેથી છૂટા પડ્યા…
થોડી વારમાં જ ત્યાં તારા આવી સામેથી તારાને આવતી જોઇ વીરના મમ્મીએ તારાને માથા પર હાથ મૂકીને કહ્યું, વીર સાચું કહેતો હતો પરી જેવી જ લાગે છે. અમારા ઘરે તારા શુકનિયાળ પગલા જલદી પાડ હવે. અને આટલું કહી તારા અને વીરના મમ્મી એકબીજાની સામે પ્રેમભર્યું સ્મિત કરી લે છે. અને પછી ત્યાંથી ચાલ્યા જાય છે…
ત્યાં વીર ઉતાવળ્યો થાય છે, મમ્મી ઘરે આવ્યા અને તરત વીરે પૂછ્યું…
”મમ્મી તે ત્યાં શું કર્યુ?. કંઇ ઉંધુ તો નથી માર્યું ને. કંઇ લોચો તો નથી માર્યોને?. શું કહ્યું એની મમ્મીએ?, હા પાડીને?, તે તારાને જોઇ કે નહીં?. વીરનો તારા પ્રત્યેનો પ્રેમ અને અધેરાઇ જોઇ તેની મમ્મી પણ કહીં ઉઠી ”હા હવે એક મિનિટ શાંતિ તો રાખ બહું ઉતાવળ કરે છે…”
પછી આટલું કહી અને વીરની મમ્મીએ જે હતું તે બધુ કહી દીધું. અને છેલ્લે એક વાત કહીં…
”એક વાત તો સાચી કીધી હો કે તારા પરી જેવી જ લાગે છે, એ તો કે તારા જેવા નાલાયકને કેવી રીતે પ્રેમ કરવા લાગી, છોકરી તો એકદમ સીધી લાગે છે તે કેમની એને રાજી કરી…?”
વીરે કહ્યું,-”મમ્મી, બહું મહેનત કરી છે એની પાછળ, એનો ગુસ્સો, એના ક્યુટ નકરા બધુ પ્રેમથી સહન કરીને અહિંયા પહોંચ્યો છું. (વીર હસતા હસતા કહે છે) આટલી મહેનત તો મેં ભણવામાં કરી હોત તો વૈજ્ઞાનિક બની ગયો હોત. વધુ પછી તને કહીંશ પણ તું ગમે તે કરીને તારાના મમ્મીને મનાવી લેજે પ્લીઝ…પ્લીઝ…પ્લીઝ…”
વીરની મમ્મીએ કહ્યું,” હા, હવે એ તો માની જશે. બહું ટેન્શન ના લે…”
આ બાજુ વીર તેની મમ્મી સાથે વાત કરતો હતો સામે તારાને તેની મમ્મીએ બેસાડી અને કહ્યું,-
”તારા માટે એક વાત આવી છે, જોવી છે?”
(તારાએ ખાલી કહી દીધું)
”શું વાત મારે કંઇ નથી જોવું”
તારાના મમ્મીએ કહ્યું,-”એકવાર જો તો ખરી કેવું છે, પછી ના પાડી દે જે એટલે સામે ખરાબ ના લાગે”
(મમ્મીની આટલી વાત સાંભળી તારા મનોમન મલકાતી રહી અને તેની ખુશીનો પણ પાર ન રહ્યો)
તારાએ કહ્યું-”હા, ખાલી જોઇ લઇશ પછી ના પાડી દઇશ”
પછી તારા અને વીરના ઘરેથી રવિવારના દિવસે જોવાનું નક્કી થયું. અને વીર તારાનો મનપસંદ બ્લેક કલરનો શર્ટ પહેરીને ત્યાં પહોંચ્યો. સામે તારાએ પણ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. અને વીરને પસંદ છે તેવી હેરસ્ટાઇલ રાખી તૈયાર થઇ હતી. વીર તારાના ઘરમાં બેસે છે. ત્યાં તારા ટ્રેમાં ચા લઇને આવે છે. અને વીર તારાને જાણે પહેલી વખત જોતો હોય તે રીતે તેની સામે જ જોઇ રહે છે.
સફેદ ડ્રેસમાં તારાની ખુબસુરતીનો પાર ન હતો. સ્વર્ગમાંથી જાણે અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય તેવી તારા લાગતી હતી. એક બાજુ વીર તારાને જોઇ રહ્યો હતો. સામે તારાની નજર શરમથી નીચે ઝૂકેલી હતી. તારા સામે બેસી અને પછી બંનેને વાત કરવા અલગ રૂમમાં મોકલ્યા. ત્યારે બંનેએ એકબીજાની સામે જોયું અને આંખમાંથી પ્રેમભર્યા આંસુ સરી પડ્યા.
વીરે તારાને કહ્યું,-”આટલી મસ્ત ના લાગીશ, નહીં તો અહિંયાથી જ ઉઠાવી જઇશ”
વીરની આ વાત સાંભળી તારા હસી પડે છે…અને કહે છે,” શું કીધું. હવે તો હું ના જ પાડી દઇશ કે, મારે આમને સાથે લગ્ન નથી જ કરવા, છોકરો મને ગમ્યો જ નહીં”
સામે વીર કહે છે,”અરે મજાક કરું છું, નહીં ઉઠાવી જઉ બસ હવે હસતો મસ્ત…” બસ આ રીતે બંને એ અડધો કલાક સુધી વાત કરી અને પછી બહાર આવ્યા. તારાના મુખ પર મીઠુ હાસ્ય હતું. તે જોઇ તારાના મમ્મીને પણ ખબર પડી ગઇ કે, તારાની હા છે. સામે વીરને તો કોઇ પૂછે જ નહીં. કેમ કે, તેને તો હા જ પાડવાની હતી. વીર જે રીતે તારાને જોઇ રહ્યો હતો તે જોઇ રૂમમાં બેસેલા બધાને ખબર પડી ગઇ હતી કે, આની તો હા જ છે…
બસ પછી બંનેના ઘરમાં વાત થઇ અને સગાઇ અને પછી કોઇ પણ અડચણ વિના બંનેના લગ્ન નક્કી થાય છે. ત્યારે સગાઇ બાદ લગ્ન સુધીનો જે સમય હતો તે સમય વીર અને તારા માટે યાદગાર હતો. છૂપાઇ છૂપાઇને મળતા વીર અને તારા હવે ખુલીને મળતા હતા. વીર તેના ઘરે ઓછું તારાના ઘરે વધારે રહેતો. આખો દિવસ તારા તારા કરતા વીરને જોઇ તારાના મમ્મી પણ કહેતા કે, તમે તો ગાંડા થઇ ગયા લાગો છો એની પાછળ. તારા ઘરનું કામ કરતી તો વીર સાથે જઇ મદદ કરતો. અહિંયા વીરનો હેતુ તારાની મદદ કરવાનો નહીં પણ તારા સાથે સમય પસાર કરવાનો હતો. વીર હંમેશા એ જ ક્ષણની રાહ જો તો કે ક્યારે તે તારાની પાસે જાય અને  નજીકથી તેની આંખો નીહાળે. વીર અને તારાના પ્રેમને જોઇ બંને ઘરમાં લગ્ન કરાવાનું નક્કી કરી દેવાયું. અને તારીખ પણ નક્કી કરી દેવાઇ.
વીર અને તારાના લગ્નની તારીખ નક્કી થતા જ તારા અને વીર એ જે સપના જોયા હતા તે ધીરે ધીરે પુરા થઇ રહ્યા હતા, કારણ કે, બધાના નસીબમાં સપના જોયા બાદ સાચા થાય તેવું નથી હોતું. લગ્નના સપના તો ઘણા લોકો જોતા હોય છે. પણ તે નસીબ હોય તેના જ સાચા પડે. પરંતુ અહિંયા વીર અને તારાનો પવિત્ર પ્રેમ હતો, એટલે સપના તા સાચા થવાના જ હતા.
જોત જોતામાં લગ્નનો દિવસ આવી ગયો. વીર તારાના ઘરે જાન લઇને પહોંચે છે. અને લગ્નનાં મંડપમાં જ્યારે વીર બેસેલો હોય છે. ત્યારે સામેથી તારા લગ્નના જોડામાં ચાલતી ચાલતી આવે છે. લગ્નના જોડામાં તારા એટલી સુંદર લાગી રહી હતી. તે જાણે ભગવાને તારાને બનાવ્યા બાદ એ ઢાંચો જ તોડી દીધો હશે. તારાની સુંદરતા સામે તમામ વસ્તુઓ ફિકી લાગતી હતી, સામાન્ય દિવસોમાં જ પરી જેવી લાગતી તારા વિચારો લગ્ના જોડામાં કેટલી સુંદર લાગતી હશે…
તારાને જોઇ વીરે પંડિતને કહ્યું,”ભાઇ પંડિત, ફટાફટ કરજે હો, અને તારા આવી વીરની બાજુમાં બેસી જાય છે. વીર તારાની સામે એક નજરે જોઇ રહે છે અને કહે છે, ”I LOVE YOU…”
તારાએ કહ્યું,-”પાગલ, અત્યાર શું છે, બધા છે અહિંયા”
વીરે કહ્યું,-”તને શું મને લાગશે ત્યારે કહીશ બધાની સામે કહીશ તને લાગે તો સામે કહેવાનું બરાબર…”
વીરની આ વાત સાંભળી તારા કહે છે,-”પાગલ જ છો, હવે જલ્દી વિધિ પૂરી કરો નહીં તો હું ઉભી થઇ જઇશે”
તારાની વાત સાંભળી વીર પંડિતને કહે છે-”એ ભાઇ તમે જલ્દી મંત્રો બોલ આનું કંઇ નક્કી નહીં, મન બદલાય તે પહેલા ફટાફટ વિધિ પતાવી દો…”
આટલું કહીં બંને હસી પડે છે…
બસ પછી સાત ફેરા અને સાત જન્મો સાથે રહેવાની કસમ ખાઇ વીર અને તારાના લગ્ન થઇ જાય છે. તારા હંમેશા માટે અને આગલા સાત જન્મો માટે વીરની થઇ જાય છે. વીરના ઘરમાં તારાના પવિત્ર અને પુણ્યશાળી પગલા પડે છે. લગ્ન બાદની તમામ રીતિ રિવાજ પૂર્ણ થાય છે. ઘઉંમાંથી રૂપિયાનો સિક્કો શોધવામાં પણ વીર તારા સામે હારી જાય છે.
(તારા ખુશ થાય એટલે વીર જાતે જ હારી જાય છે)
પછી તારા અને વીરના એ મિલનની રાત આવે છે જેની તેઓ વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા, તારા નવવધુના જોડામાં અપ્સરા લાગી રહી હતી, તારાના અંગોમાંથી સુંદરતાનો રસ વહી રહ્યો હતો, તારાની આંખો સૂર્યની રોશનીની જેમ ચમકી રહી હતી, તારાના હોઠમાંથી મધૂર રસ ટપકી રહ્યો હતો. અને તારા પાસેથી અદભૂત સૌંદર્યની મહેક આવી રહી હતી.
ત્યારે વીર તેની પાસે બેસી અને તેનું ઘુંઘટ ઉઠાવે છે. અને તારાને કહે છે કે,
”હું તને ક્યારેય નહીં છોડું, ક્યારેય તને રોવડાવીશ નહીં, ક્યારેય તને ખોટું લાગે તેવું નહીં કરું, તને જે ગમે એ કરજે, તારે જે લેવું હોય, તને જેમ ફાવે તેમ રહેજે”
વીરની આટલી વાત સાંભળી તારાની આંખમાં આંસુ આવી જાય છે, અને વીરને પ્રેમભર્યું આલીંગન કરી લે છે. પછી વીર તારાના કપાળ પર પ્રેમભર્યું ચુંબન કરી અને તેને પોતાની બાહોમાં પરોવી લે છે. અને વીર અને તારા એકબીજાના પ્રેમરસમાં ડૂબી જાય છે. વીર તારાના મધરુ હોઠ, તેના ઘાટીલા અંગ અને તેની સુંદરતાના દરિયામાં ડૂબી જાય છે. સામે તારા પણ વીરના પ્રેમભર્યા સાગરમાં સમાઇ જાય છે. બંને એકબીજામાં એટલા પરોવાઇ જાય છે કે ક્યારે સવાર થાય છે તેમને ખબર જ નથી પડતી…
વીર અને તારાના મિલનની એ રાત અને આજનો દિવસ. આજે પણ વીર સવારે ઉઠી તો પહેલા તારાનો ચહેરો જોઇને જ ઉઠે છે. વીરે કહ્યું હતું કે, હું વહેલા ઉઠીશ, રસોઇ બનાવીશ, ચા બનાવીશ, જો કે વીર આમાંથી કંઇ નથી કરતો અને તારા વીર ઉઠે તે પહેલા જ બધું કામ કરી અને વીરને ઉઠાડાવા જાય છે. વીર તારાનો ચહેરો જોઇ રોજ ભગવાનનો આભાર માને છે કે, ”આવી સુંદર પરી મારા જીવનમાં મોકલવા બદલ થેન્ક્યુ,”…
અને વીરની આ વાત સાંભળી તારા કહે છે.-”કોઇ સુંદર નથી હવે, તમને મોતીયો આવ્યો છે ચેક કરાવી લેજો, ઉભા થાવ અને નોકરી જાવ મારે બહું કામ છે બીજા…”
બસ આમ જ વીર અને તારાનું પ્રેમભર્યું જીવન આગળ ચાલતું રહે છે. એવું નથી કે, બંને વચ્ચે ક્યારેય ઝઘડો નથી થયો. જ્યાં પ્રેમ હોય ત્યાં નાની મોટી મીઠી બબાલ તો થતી રહે, અને આવો નાનમોટો ઝઘડો થાય તો જ પ્રેમ વધે ને..જો કે બબાલમાં તારાની ભૂલ હોય કે ના હોય,સોરી તો છેલ્લા વીર જ બોલે. અને વીર ક્યારે તારા પર ગુસ્સો ના કરે…
વીર સોરી કહે ત્યારે તારા કહે,- ”જોયું હું સાચી છું ને…”
તારાની આ વાત સાંભળી વીર કહે,-”મારા માટે તો તું હંમેશા સાચી જ છે, તારી ભૂલ હોય કે ના હોય, મારો સાથ તો તને હંમેશા રહેશે જ”
ત્યારે ક્યૂટ ઢિંગલી જેવી તારા હજુ પણ વીર પર ગુસ્સો કરે, બોલે, રૂઠી જાય, અને વીર તેને મનાવાનો પ્રયાસ કરે છે. અને થોડીવારમાં જ તારાનો ગુસ્સો તેની ક્યૂટ સ્માઇલમાં ફેરવાઇ જાય છે. અને તારાના આ ક્યૂટનેસ પર વીરને આજે પણ એટલો જ પ્રેમ આવે છે જેટલો પહેલા આવતો. વીર આજે પણ તારાનો ક્યૂટ અવાજ સાંભળી ખુશ થઇ જાય છે. વીર આજે પણ તારાની સુંદર આંખો જોઇ પ્રેમ કરવા લાગે છે. વીર સુંદર, માસુમ અને પવિત્ર તારાને પહેલા પ્રેમ કરતો હતો તેનાથી પણ વધારે આજે તેને પ્રેમ કરે છે.  

વીર તારાને એક વાત હંમેશા કહેતો…
"તારા…એક વાત યાદ રાખજે આજથી વર્ષો બાદ પણ જગના કોઇ ખુણામાં એક વ્યક્તિ છે જે તને હંમેશા અખૂટ પ્રેમ કરતો રહેશે…"
Tags :
GujaratFirstvalentinedayveertara
Next Article