Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બીજા દિવસથી માસ્તરે અબ્દુલને તો અનિલ કહીને જ બોલાવવાનું ચાલુ કરી દીધું હતું

જીવનમાં પહેલી વાર મરિયમ કોઈ પાસે આટલી ઠલવાઈ હતી. હૈયું ખોલીને વાત કરી શકાય એવા માણસો, સ્વજનો કે મિત્રો આજ સુધી કદાચ એને મળ્યા જ નહોતા. એની જિંદગીમાં અબ્બુ સિવાય બીજું ખાસ સ્વજન કહી શકાય એવી અંગત વ્યક્તિઓ એની પાસે નહોતી.  પાંચ વરસથી તો અબ્બુ સાથે વાત સુધ્ધા પણ  કયાં થવા પામી હતી ? આ સાવ અજાણ્યા ઘરમાં, સાવ અજાણી વ્યક્તિએ તેને નર્યો સ્નેહ આપ્યો હતો. કોઈ સ્વાર્થ, કોઈ સંબંધ  વિનાનો  પણ સાચા
બીજા દિવસથી માસ્તરે અબ્દુલને તો અનિલ કહીને જ બોલાવવાનું ચાલુ કરી દીધું હતું
જીવનમાં પહેલી વાર મરિયમ કોઈ પાસે આટલી ઠલવાઈ હતી. હૈયું ખોલીને વાત કરી શકાય એવા માણસો, સ્વજનો કે મિત્રો આજ સુધી કદાચ એને મળ્યા જ નહોતા. એની જિંદગીમાં અબ્બુ સિવાય બીજું ખાસ સ્વજન કહી શકાય એવી અંગત વ્યક્તિઓ એની પાસે નહોતી.  પાંચ વરસથી તો અબ્બુ સાથે વાત સુધ્ધા પણ  કયાં થવા પામી હતી ? આ સાવ અજાણ્યા ઘરમાં, સાવ અજાણી વ્યક્તિએ તેને નર્યો સ્નેહ આપ્યો હતો. કોઈ સ્વાર્થ, કોઈ સંબંધ  વિનાનો  પણ સાચા દિલનો સ્નેહ. એથી જ અંતરના આગળીયા  અહી  અનાયાસે ઉઘડી ગયા હતા.  વાત કહી દીધા પછી થોડી પળો તે મૌન થઇ ગઈ હતી. 
માસ્તરે એને એ તંદ્રા જેવી અવસ્થામાંથી બહાર કાઢવા ફરી પૂછયું. 
તું કંઈક ખાનગી વાત કહેવાની હતી ને ? એ વળી શું ? અમને તારી એ ખાનગી વાત તો કહે.
કહેતા માસ્તર હસી રહ્યા. 
ભાઈ,  આમ તો ખાસ એવી કોઈ મોટી વાત  નથી. પણ મારા માટે એ  બહુ મોટી વાત છે. એનું એક મહત્વ છે મારે માટે. ‘ભાઈ, સાસરિયાએ ભલે મારા દીકરાનું નામ અબ્દુલ  રાખ્યું પણ મેં તો એનું નામ અનિલ  જ રાખ્યું છે. જનક   અંકલના દીકરાનું એ  નામ હતું. મારો નાનકડો દોસ્તાર. હું તો અબ્દુલને  ખાનગીમાં અનિલ જ કહું છું.’
બોલતા બોલતા મરિયમના ચહેરા પર ચંદ્રની ચાંદનીનો ઉજાસ રેલાયો. માસ્તરના ચહેરા પર પ્રસન્નતાની લહેરખી ફરી વળી.. અરે વાહ..તો તો હવેથી અમે પણ અબ્દુલ નહિ, એને અનિલ જ કહીશું. તારે ઘેર ત્યાં ભલે બધા અબ્દુલ કહે. અમારે માટે તો એ હવે અનિલ જ.હો.
મરિયમે હસીને હકારમાં ડોકું હલાવ્યું. અને તું મારી મીરા. હંસાની પહેલા અમારી એક દીકરી હતી એનું નામ અમે મીરા પાડયું હતું. પણ.. માસ્તરે હવે ભાવથી મરિયમને માથે હાથ મૂક્યો. શબ્દ વિના પણ આશીર્વાદ અપાયા. લીમડાની ડાળીઓએ ઝૂકી ઝૂકીને આ બાપ દીકરી ઉપર  વહાલપરૂપે પોતાના  બે પાંચ પર્ણ ખેરવ્યા. મરિયમ એક પરમ શાંતિનો અનુભવ કરી રહી.  થોડીવારે બંને સૂવા ગયા.  ત્યારે બંનેના અંતરમાં એક સંતોષ અને શાંતિ છવાયા હતા. 
બીજા દિવસથી માસ્તરે અબ્દુલને તો અનિલ કહીને જ બોલાવવાનું ચાલુ કરી દીધું  હતું. જમના તો એ સાંભળીને હરખાઇ ઉઠી હતી. અનિલ..મારો અનિલ કહેતી એ તો અનિલને તેડીને કેટલી ફુદરડી ફરી હતી. મરિયમને પણ એ ગમ્યું. અહી છે એટલા દિવસ તો એ ખુલ્લે આમ અબ્દુલને અનિલ કહીને બોલાવી શકશે. અબ્બુ હોત તો કેવા હરખાત.
એ  બપોરે માસ્તર જમવા આવ્યા ત્યારે એનો મલકાતો ચહેરો જોઇને મરિયમ પૂછયા સિવાય ન રહી શકી.
ભાઈ, આજે બહુ ખુશ દેખાવ છો ? 
બસ તું પૂછે એની જ રાહ જોતો હતો.માસ્તરના અવાજમાં હરખ છલકાતો હતો.
કાલે આપણી હંસા અને હંસાની બા આવે છે. નાનકી ભાણીને લઈને. 
અરે વાહ..ભાઈ, આજે તો કાલની  રાહ જોવામાં નીંદર પણ નહિ આવે તમને. 
ભાઈ, હંસાને શું ભાવે છે, શું ગમે છે એ  બધી વાતો તમારી પાસેથી એટલી બધી વાર ઘણી  સાંભળી  છે કે  મને હંસા  જરાયે અજાણી નથી લાગતી. 
ભાઈ, કાલે જમવામાં શું બનાવીશું ?
હમણાં તો તેં કહ્યું કે હંસાની બધી વાતની તને ખબર છે.તો હવે તને જે ઠીક લાગે એ કરજે.
જમતા જમતા પણ હંસાની વાતો જ ચાલી રહી. જમના અને રામજી પણ ખુશ થયા.આ ઘર કાલથી કેવું યે હર્યું ભર્યું  બની જવાનું. 
એ આખો દિવસ મરિયમ હંસાને ભાવતી વસ્તુઓ બનાવવામાં વ્યસ્ત રહી. સૂંઠ નાખીને સરસ મજાની સુખડી બનાવવાનું પણ ન ભૂલી.  ઘોડિયું તો માસ્તરે કયારનું યે  મેડેથી ઉતારી રાખ્યું હતું. મરિયમે પોતે એ ઓરડો બરાબર સાફ  કરીને  એમાં અબ્દુલના થોડાં રમકડાં પણ ગોઠવી દીધા. 
પોતે આવી હતી ત્યારે માસ્તરે શું કર્યું હતું એ  તેને બરાબર યાદ હતું. આજે હંસાની આરતી પોતે ઉતારશે. આખો દિવસ ઘરમાં ધમાલ ચાલતી રહી. એનો ઉત્સાહ જોઇને માસ્તર ખુશ થતા હતા. 
આખરે  જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી પણ આવી પહોંચી. 
માસ્તર સમય કરતા ઘણાં વહેલા સ્ટેશને પહોંચી ગયા હતા. નવજાત દીકરીને હાથમાં લઈને હંસા ઉતરી ત્યારે માસ્તર દીકરીના આ  માતૃસ્વરૂપને  બે ઘડી જોઈ જ રહ્યા. આંખો હરખાઇ રહી.  શું બોલવું તે એ થોડીવાર તો સૂઝયું નહોતું. પત્નીએ  એ અંગે મીઠી ટકોર પણ કરી  લીધી. 
ઘેર પહોંચ્યા ત્યારે મરિયમ આરતીની થાળી સાથે  તૈયાર જ હતી. મરિયમે હંસાની અને તેની દીકરીની આરતી ઉતારી, ફૂલથી વધાવ્યા અને કંકુ ચોખાથી ચાંદલા કરી દુખણા પણ લીધા. પછી જમના સામે જોઈ લીધું કે બધું બરાબર કર્યું છે ને. જમનાએ હસીને હકારમાં ડોકી ધૂણાવી. 
 હંસા તો  આ અજાણી વ્યક્તિને જોતા નવાઈ પામી ગઈ. તેને તો આવી કોઈ વાતની જાણ જ નહોતી. તેના ઘરમાં આ વળી કોણ છે ? માસ્તરે ફોનમાં  પત્નીને અછડતી વાત કરેલી. પણ હજુ સુધી એ છોકરી પોતાને ઘેર છે એનો ખ્યાલ  એમને  પણ નહોતો. મરિયમને જોઈ તેમને પણ નવાઈ તો લાગી. 
સરળ સ્વભાવના મીનાબેનને પતિની કોઈ પણ વાત સ્વીકારતા કયારેય વાર ન લાગતી. આમ પણ અત્યારે તેમનું ધ્યાન હંસા અને પૌત્રીમાં જ વધારે હતું. દીકરી મોતના મોઢામાંથી પાછી ફરી હતી. એથી હંસા સિવાય એને બીજું કંઇ સૂઝે એમ પણ નહોતું. 
હંસાના મનમાં અનેક સવાલો જાગ્યા. કોણ છે આ યુવતી ?પોતાના ઘરમાં કેમ છે ? કયાંથી આવી છે ? પોતાના કોઈ સગામાંથી હોય તો પોતે ઓળખતી જ હોય ને ? તો આ છે કોણ ? તે ધ્યાનપૂર્વક મરિયમને નીરખી  રહી. તેણે પિતા સામે જોઇને  પૂછયું,
‘ ભાઈ,આ કોણ છે ? ‘  
“ બેટા, એ બધી વાતો નિરાંતે થયા કરશે.  અત્યારે  તો તારી ને આ નાનકીની તબિયત સૌથી વધારે અગત્યની છે. તારે એનું જ ધ્યાન રાખવાનું.”
મરિયમ તો વહાલથી હંસાને ભેટી પડી. ન જાણે કેમ પણ હંસાને જરા અણગમો થઈ આવ્યો. આ વળી કોણ ? મરિયમનો આવો  ઉમળકો તેને સમજાયો નહીં.
મરિયમે હસીને કહ્યું,
‘તમે મને નથી ઓળખતા. હું મરિયમ, તારી મોટી બહેન..’
મરિયમ ? હંસા ચોંકી ઊઠી.  મરિયમ?  અર્થાત આ છોકરી મુસ્લીમ છે ? મુસ્લીમ છોકરી પોતાના ઘરમાં ? એક સનાતની હિન્દુના ઘરમાં મુસલમાન છોકરી ? આ શકય જ કેમ બને ? પિતાને એ કોમ માટે કેવો અણગમો હતો તેનાથી પોતે કયાં અજાણ હતી ?  આ છોકરી પોતાના ઘરમાં કેમ ? કેવી રીતે ? હંસાને એવો ખ્યાલ તો સપનામાં પણ કયાંથી આવે કે છેલ્લા થોડા સમયમાં તેના પિતા  આખ્ખેઆખ્ખા..ધરમૂળથી બદલાયા હતા. તેમની નજરમાં હવે નાતજાતના બધા ભેદભાવ ઓગળી ચૂકયા હતા. હવે ત્યાં હતો માત્ર અને માત્ર સ્નેહભાવ. 
કુદરતે માણસમાત્રમાં સ્થાયી ભાવ તો એક જ મૂકયો છે સ્નેહભાવ. પણ  એ ભાવ અનેક આવરણો નીચે દબાઈ જતો હોય છે. જેનો એને પોતાને  ખ્યાલ પણ નથી આવતો. સબ સે ઉંચી પ્રેમ સગાઈ  એવું સૂરદાસે અમસ્તું થોડું જ કહ્યું હશે  ?
હંસાને  પિતાના આવા માનસિક બદલાવનો  કોઈ ખ્યાલ ન હોય તે સહજ હતું.
જાણે પોતે મરિયમના સ્પર્શથી અભડાઈ ગઈ હોય એમ તે ખસીને મરિયમથી થોડે દૂર ઊભી. મરિયમ તો  જાણે સાચે સાચ પોતાની  નાની બેનને મળી રહી હોય એમ હરખાઇ રહી હતી.   
 તેણે  હંસાની દીકરીને વહાલથી ઊંચકી લીધી.  અલ્લાહની કેવી મહેરબાની છે. આવું મજાનું ભર્યું પૂર્યું કુટુંબ તેને મળ્યું. જે તેને અબ્બુની ખોટ સુધ્ધાં નથી સાલવા દેતું. આજ સુધીની પોતાની જિંદગીમાં  આવા કોઈ સંબંધોનો લ્હાવો કે પરિચય પણ એ  કયાં પામી હતી ? 
મરિયમ દીકરીને તેડીને અબ્દુલને  બતાવી રહી.
‘ તારી બેન, તારી દીદી..’હંસાને એ ન ગમ્યું. એણે દીકરીને તેની પાસેથી  આંચકી લીધી 
મરિયમ જરાક ડઘાઈ ગઈ. માસ્તર એ સમજી ગયા. તેમણે વાત બદલાવી. 
મરિયમ બેટા, આજે  તેં મારી વહાલી દીકરી  હંસાના આગમનની ખુશાલીમાં શું રાંધ્યું છે એ તો કહે. હંસા, તને ખબર છે ? તું આવવાની હતી એટલે તારી આ બહેન રસોડામાંથી બહાર જ નથી નીકળી. તને શું ભાવે છે, શું નથી ભાવતું, શું ગમે છે કે નથી ગમતું એ  બધું મને પૂછી પૂછીને જરા યે થાકયા વિના   તૈયારી કરતી રહી હતી.  તું જો તો ખરી એણે તારા માટે  શું શું બનાવ્યું છે.
હંસાનું મોઢું તુચ્છકારમાં જરીક મરડાયું. એ કંઈક બોલવા જતી હતી ત્યાં એની દીકરી રડી એટલે એનું ધ્યાન એમાં પરોવાયું. 
થોડીવાર પૂરતી બીજી બધી વાતો ભૂલાઈ ગઈ. ઘરમાં ખુશીનો સાગર છલકી રહ્યો.
એ રાત્રે પત્નીને મરિયમ વિશેના બધા સવાલોના જવાબ આપતા  માસ્તરે પત્નીને સમજાવી હતી..
‘ મીના, કોણ હિંદુ ને કોણ મુસ્લીમ ? તું જ કહે છે ને કે આખી દુનિયા સર્જનહારે બનાવી છે. દરેકને બે હાથ, બે પગ, એક સરખું લોહી, એક સરખી લાગણી આપી છે. આપણે અત્યાર સુધી જે માનતા હતા તે ખોટું હતું. ભગવાન કોઈ બાળક પર છાપ મારીને મોકલે છે કે આ હિંદુ છે કે આ મુસલમાન? ‘
વગેરે વગેરે અનેક રીતે માસ્તરે પત્નીને સમજાવીને તેના મનનું સમાધાન કર્યું હતું.
સરળ સ્વભાવની પત્નીને પતિની  આ બધી વાતમાં ખાસ સમજ તો નહોતી પડી.  પણ પતિની કોઈ વાતનો વિરોધ તેના સ્વભાવમાં નહોતો.
 બીજે દિવસે મરિયમે માસ્તરને કહ્યું,
‘ભાઈ, હવે મને જવાની રજા આપો. હંસા અને તેની દીકરીને મળી લીધું. હવે મારે જવું જોઈએ.’
‘ બેટા, તારી જવાની ટિકિટને હવે તો ફક્ત બાર  દિવસની વાર છે. અને થોડાં દિવસ તું અહી હોઈશ તો  હંસાની બાને થોડી મદદ મળશે. એને સારું લાગશે. બાર દિવસ પછી હું થોડો જ તને રોકવાનો છું ?   આમ પણ  પંજાબ મેલ અઠવાડિયે એક જ વાર  જાય છે. આવતા સોમવાર સિવાય તો આમ પણ  ગાડી  મળવાની નહિ. એટલે ટિકિટ બદલાવવાનો હવે કોઈ અર્થ જ નથી ને  ? 
પોતે શું કહે  એ મરિયમને સમજાયું નહિ.
મરિયમ થોડી અવઢવમાં હતી. હવે તેને  ઘર પણ યાદ આવ્યું હતું.  મન ઉતાવળું થયું હતું.  પણ માસ્તરની વાત પણ ખોટી નહોતી જ. 
બહેન, પાછા તો આપણે કયારે મળીશું..મળીશું કે નહિ એ પણ કોને ખબર છે ?
એ વાત મરિયમને ખબર હતી જ કે હવે તે કયારેય આ તરફ આવી નહિ શકે કે માસ્તરને પોતાને ઘેર બોલાવી શકે એવું પણ શકય નહોતું. પોતાના અબ્બુને જ નહોતી બોલાવી શકી તો માસ્તરને બોલાવવાનો તો સવાલ જ નહોતો.
બીજા દિવસથી હંસાની દેખરેખ અને તેની નાનકડી દીકરીનો ચાર્જ મરિયમે લઈ લીધો. હંસા અને તેની દીકરીને માલિસ કરવું, દીકરીને નવડાવવી. હંસા માટે અલગથી રસોઈ બનાવવી વગેરે બધા કામ તેણે હોંશે હોંશે ઊપાડી લીધા હતા. તેનો દીકરો અબ્દુલ  તો રામજી અને જમનાનો  હેવાયો બની ગયો હતો. એથી તેને અબ્દુલની કોઈ ચિંતા નહોતી રહી. હંસાને આ બહુ ગમ્યું તો નહીં. પણ તેની તબિયત  હજુ બહું  સારી નહોતી એટલે તેને રાહત ચોક્કસ  મળી. મીનાબહેન તો મરિયમની સ્ફૂર્તિ અને હૈયા ઉકલત જોઈ ખુશ થયા. હંસા અને તેની દીકરીની મરિયમ જે સ્નેહથી કાળજી લેતી હતી તેથી હંસાને સારું પણ લાગતું.  છતાં ન જાણે કેમ મરિયમ પત્યેનો તેનો અણગમો દૂર નહોતો થતો.
જોકે  શરૂઆતમાં એકાદ દિવસ તો   માસ્તરના પત્નીને પણ  મરિયમ તેના રસોડામાં આવે તે બહું ગમતું નહીં. પણ તે મદદ માટે રામજીની વહુ જમનાને બોલાવે તે પહેલા મરિયમ પહોંચીને બધું સંભાળી લેતી. આમ પણ અબ્દુલ  જમનાને  છોડતો નહીં. તેથી તેનો મોટા ભાગનો સમય એની પાછળ જતો. જમના અને રામજીના હૈયાનો બધો સ્નેહ આ બાળક પર ઢોળાતો હતો. કાશ ! આ છોકરો કાયમ અહીં જ રહી જાય તો ? એવો બાલિશ વિચાર કદીક નછોરવી જમનાના  હૈયામાં જાગી જતો. પછી  હકીકતનું ભાન આવતા  તેનાથી એક  નિસાસો નખાઈ જતો. મરિયમમાં કામનો ભારે સૂઝકો હતો. તે ઝડપથી બધા કામ નિપટાવી શકતી. માસ્તરની પત્નીને મરિયમને લીધે ઘણી રાહત મળતી. પગના દુખાવાને લીધે તેમનાથી બહું દોડાદોડી થતી નહીં. તે સરળ સ્ત્રીને મરિયમની લાગણીથી જિતાઈ જતા ખાસ વાર ન લાગી.
એ દિવસે મરિયમે હંસાની બેબીને માલિશ કરી, નવડાવીને તૈયાર કરી દીધી. એટલે હંસા બેબીને લઈને પિતા પાસે પહોંચી.અને પિતાના ખોળામાં મૂકી. માસ્તર હંસાની દીકરીને પ્રેમથી રમાડવા લાગ્યા. ઈશ્વરે  જાણે તેમના  પર અપાર મહેર કરી હતી. એક દીકરી અને એક દીકરો બે મીઠડાં ભૂલકાઓના તે નાના બની ચૂકયા હતા. કુદરતે પોતાને કેટલું આપ્યું હતું. પોતે કરેલી અનેક ભૂલોની દયાળુ ઈશ્વરે તેને માફી બક્ષી હતી કે શું ? હવે જીવનમાં જાણે કોઈ અભાવ નહોતો રહ્યો. દ્રષ્ટિ બદલાઈ જતા દરેક વાતના સંદર્ભો આપોઆપ બદલાઈ જતા  હશે. 
દ્રષ્ટિ જયારે હકારાત્મક બંને ત્યારે બધું આપોઆપ સુંદર બની રહે છે.અને એ જ દ્રષ્ટિ જયારે નેગેટીવ જોતી થઇ જાય ત્યારે દરેક સંદર્ભો બદલાઈ જાય છે અને એક કુરૂપતા દેખા દેતી હોય છે.
હંસાની દ્રષ્ટિ બદલાશે તો નહિ ને ? 
જવાબ સમયદેવતાની બંધ મુઠ્ઠીમાં..
ક્રમશ : 
 
 
Advertisement
Tags :
Advertisement

.