સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી, ફેક્ટરી માલિક પાસેથી રૂ.10 લાખ પડાવ્યા
વસ્ત્રાલમાં રહેતા અને બાપુનગરમાં ફેક્ટરી ધરાવતા સુરેશભાઈ પટેલ પોતાના દીકરા મિલનને એન્જીનિયરિંગના વધુ અભ્યાસ માટે કેનેડા મોકલવા ઈચ્છતા હતા જે દરમિયાન 2017માં આશ્રમ રોડ પર આવેલી ઓમ એજ્યુકેશન સંસ્થાના માલિક દિપક રૂપાણી સાથે તેમનો સંપર્ક થયો હતો અને દીપક રૂપાણીએ કેનેડાના વિઝા માટે અંદાજે ૧૮ લાખનો ખર્ચ થશે તેવી વાત કરી ત્યારબાદ સુરેશભાઈએ તેમના દીકરાને કેનેડા મોકલવા ટુકડે ટુકડે કરીને રૂ. 17.32 લાખ રૂપિયા દીપકભાને આપ્યા હતા. જો કે, મિલનને કેનેડાના વિઝા ન મળતા સુરેશભાઈએ પોતાના પૈસા પરત માગ્યા. જેથી દીપકભાઈએ તેમને ફરી અમેરિકાના વિઝા આપવાની લાલચ આપી. પરંતુ અમેરિકાના વિઝા પણ ન મળતા સુરેશભાઈએ તેમના પૈસા પરત માગ્યા હતા. ત્યારે દીપકભાઈ રૂ.17.32 લાખમાંથી 6.82 લાખ રૂપિયા પરત કર્યા હતા. જોકે બાકીના 10.70 લાખ રૂપિયા વારંવાર રજૂઆત કરવા છતા પરત ન કરતા સુરેશભાઈએ દિપક રૂપાણી વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.