Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મસાલાની સીઝન શરૂ થાય ત્યારે ગોંડલનાં મરચાં વિશેની આ હકીકત તમે જાણો છો?

મસાલાની સીઝન શરૂ થાય ત્યારે માર્કેટમાં ‘મરચું તો ગોંડલનું..’ આ વાક્ય ખૂબ સાંભળવા મળે છે. રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ (Gondal) પંથકના રેશમપટ્ટો તથા ઘોલર મરચાંનો દબદબો મસાલા માર્કેટમાં છેલ્લા 30 વર્ષથી સતત છવાયેલો છે. જો કે રેશમપટ્ટા અને ઘોલરને હવે લાલ મરચાંની (Chilli) અન્ય સંશોધિત જાત ‘સાનિયા’ ઓવરટેક કરી રહી છે. રંગ અને તીખાશ બંનેનું ઊંચું મૂલ્ય ધરાવતા લાલ સૂકાં મરચાંની માગ બજારમાં વધી રહી છે.
મસાલાની સીઝન શરૂ થાય ત્યારે ગોંડલનાં મરચાં વિશેની આ હકીકત તમે જાણો છો
મસાલાની સીઝન શરૂ થાય ત્યારે માર્કેટમાં ‘મરચું તો ગોંડલનું..’ આ વાક્ય ખૂબ સાંભળવા મળે છે. રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ (Gondal) પંથકના રેશમપટ્ટો તથા ઘોલર મરચાંનો દબદબો મસાલા માર્કેટમાં છેલ્લા 30 વર્ષથી સતત છવાયેલો છે. જો કે રેશમપટ્ટા અને ઘોલરને હવે લાલ મરચાંની (Chilli) અન્ય સંશોધિત જાત ‘સાનિયા’ ઓવરટેક કરી રહી છે. રંગ અને તીખાશ બંનેનું ઊંચું મૂલ્ય ધરાવતા લાલ સૂકાં મરચાંની માગ બજારમાં વધી રહી છે. જેના પગલે આ બંનેનો સુમેળ ધરાવતી સાનિયા ઉપરાંત ઓજસ, રેવા, 702 વગેરે પ્રકારના મરચાંનું વાવેતર, ઉત્પાદન અને વેચાણ વધી રહ્યું છે.
રાજકોટમાં મરચાંનું વાવેતર
રાજકોટ જિલ્લામાં લાલ મરચાંનો વાવેતર વિસ્તાર આશરે ચાર હજાર હેક્ટર જેટલો છે. ગુજરાત સરકાર દ્વારા નર્મદાનાં મીઠાં જળ ઉપલબ્ધ થતાં, તેમજ વધુ ઉત્પાદન અને સારા ભાવ મળતાં હોવાથી હાઇબ્રિડ સૂકાં મરચાંનું વાવેતર વધી રહ્યું છે. રાજકોટ જિલ્લા સાથે જામનગર, મોરબી, અમરેલી જિલ્લાના વિસ્તારોમાં પણ લાલ મરચાંનું ઉત્પાદન થવા લાગ્યું છે.
 
ખેડુતો મરચાની ખેતી તરફ વળ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાં વેચવા આવેલા ખેડૂત વિઠ્ઠલભાઈ શંભુભાઈ રાદડિયા કહે છે કે, તેઓએ આ વર્ષે પહેલી વાર હાઇબ્રિડ સાનિયા મરચાનું વાવેતર કર્યું હતું, જેનો તેમને સારું એવું ઉત્પાદન મળ્યું છે. મરચાંની ખેતીમાં ઉત્પાદન અને વળતર સારું મળતું હોવાથી તેઓ આ ખેતી તરફ વળ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
  • એક તરફ ગૃહિણીઓમાં તૈયાર મસાલા લેવાનું ચલણ વધી રહ્યું છે, બીજી તરફ નમકીન, ફ્રાઈમ્સ સહિતના પેકેટ-ફૂડ્સ તથા ફાસ્ટ ફૂડ ઇન્ડસ્ટ્રી વિકસી રહી છે. જેના કારણે લાલ મરચાના પાવડરની માગ વધી રહી છે.
તીખાશ અને રંગના માપદંડ પર મરચાની માંગ
ગોંડલ માર્કેટિંગ યાર્ડની લેબોરેટરીના એગ્રોનોમિસ્ટ શ્રી પ્રદીપ કાલરિયાના જણાવ્યા પ્રમાણે, ફૂડ, મસાલા ઈન્ડસ્ટ્રીને રંગ અને તીખાશ બંને વધુ હોય તેવા લાલ સૂકાં મરચાં જોઈતા હોય છે. તેનું કારણ એ છે કે, મરચાં પાવડર પડતર રહે તેમ તેનો રંગ અને તીખાશ ઘટતા જાય છે. આથી ઊંચી તીખાશ અને રંગ ધરાવતાં મરચાંની માગ વધુ રહે છે. આથી સાનિયા, ઓજસ, રેવા, 702 જેવા હાઇબ્રિડ મરચાંની જાતોનું વાવેતર વધી રહ્યું છે.  તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વીઘા દીઠ મરચાંના ઉત્પાદનમાં ગોંડલ પંથકના ખેડૂતો સૌથી આગળ છે. સામાન્ય રીતે એક વીઘે આશરે ૩૦ મણ મરચાં ઉત્પાદન થતું હોય છે. પરંતુ ગોંડલ પંથકમાં આશરે 40-50 મણ મરચાંનું ઉત્પાદન થાય છે. 
આપણે ત્યાંના મરચાંની ઝાઝી નિકાસ થતી નથી. તેનું કારણ એ છે કે, દેશ અને વિદેશની માર્કેટમાં તીખા મરચાં – હોટ પાઈપરની માગ વધુ છે. મરચાંની તીખાશ એસ.એચ.યુ. (સ્કોવિલે હિટ યુનિટસ્)માં મપાય છે. વિદેશમાં નિકાસ માટે 90 એસ.એચ.યુ. વાળા મરચાંની માગ હોય છે. જ્યારે ગોંડલ પંથકના મરચાંની એસ.એચ.યુ. 30થી 50 આસપાસ હોય છે. દિવસે-દિવસે મસાલા ઉદ્યોગ વિકસી રહ્યો છે, ફૂડ ઈન્ડસ્ટ્રી વિકસી રહી છે, ત્યારે મરચાંની ખેતીનું ભવિષ્ય ઉજ્જવળ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
દક્ષિણના રાજ્યોમાં ભારે ડિમાન્ડ
હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડના 100 કિલો મરચાંના આશરે 4 હજાર રૂપિયાથી લઈ અને 25 હજાર રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર જિલ્લાના ખેડૂતો પણ મરચાં વેચવા આવે છે. ગોંડલનાં મરચાંની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ આંધ્રપ્રદેશ, તેલંગણા સહિતના દક્ષિણના કેટલાક રાજ્યોમાં પણ છે. જેથી બહારના વેપારીઓ ખરીદી માટે અહીં આવતા હોય છે.
ગોંડલ યાર્ડમાંથી 10 માસમાં 120 કરોડનાં સૂકા મરચાં વેચાયાં
ગોંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરીશ્રી તરૂણ પાંચાણી જણાવે છે કે, હાલ સાનિયા મરચાં વેચાણ માટે વધુ આવી રહ્યા છે. વર્ષ 2022ના એપ્રિલથી લઈને જાન્યુઆરીના અંત સુધીમાં ગોંડલ યાર્ડમાંથી 120 કરોડ રૂપિયાથી વધુનાં સૂકાં મરચાનું વેચાણ થયું છે. જેમાં સૂકો પટ્ટો મરચાંનું વેચાણ રૂપિયા ૧૧૭ કરોડથી વધુનું છે. જ્યારે દેશી મરચાંનું વેચાણ રૂપિયા 3 કરોડ જેટલું જ છે. ચાલુ સીઝનમાં ગોંડલ યાર્ડમાં 60 હજાર ક્વિન્ટલ જેટલાં હાઇબ્રિડ સૂકા પટ્ટા મરચાં (સાનિયા, ઓજસ, રેવા, 702, રેશમપટ્ટો સહિતની જાતો)ની આવક થઈ છે. 
બિયારણ, પ્લાસ્ટિક મલ્ચિંગ માટે ગુજરાત સરકારની સહાય-સબસિડી
ગુજરાત સરકાર દ્વારા હાઇબ્રિડ બિયારણ માટે ખેડૂતોને રૂપિયા ૨૦ હજાર પ્રતિ હેક્ટર દીઠ સબસિડી આપવામાં આવે છે. જ્યારે પ્લાસ્ટિક મલ્ચિંગ માટે પ્રતિ હેક્ટર રૂપિયા 20,800ની સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવે છે. રાજકોટ જિલ્લા નાયબ બાગાયત નિયામક આર.કે. બોઘરાના નેતૃત્વમાં ચાલુ વર્ષ 2022-23માં રાજકોટ જિલ્લામાં આશરે 1700 જેટલા ખેડૂતોને હાઇબ્રિડ બિયારણમાં સહાય અપાઈ છે. જ્યારે પ્લાસ્ટિક મલ્ચિંગ માટે આશરે 500 જેટલા ખેડૂતોને સહાય આપવામાં આવી છે. ખેડૂતો ઘરઆંગણે નાનું પ્રોસેસિંગ યુનિટ નાખવા ઈચ્છતા હોય તો, રૂપિયા એક લાખ સુધીની સહાય અપાય છે. જ્યારે મોટી મશીનરી માટે પી.એમ. ફ્રૂટ મેંગો એનર્જી યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની સહાય અપાય છે, તેમ સહાયક બાગાયત નિયામક હિરેન ભીમાણીએ જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.