Panchmahal માં નલ સે જલ યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચાર, ક્યારે મળશે પાણી ઉઠ્યો સવાલ
શહેરાના ધારાસભ્ય જેઠાભાઇની નલ સે જલ યોજના ની કામગીરી અંગે સરકારમાં કરાયેલી રજુઆત અંગેનો ચિતાર મેળવવા ગુજરાત ફર્સ્ટ ની ટીમે ઉમરપુર અને હોસેલાવ ગામની મુલાકાત લઈ સ્થિતિ નિહાળતાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા કામો યોગ્ય રીતે નહિં થયા...
શહેરાના ધારાસભ્ય જેઠાભાઇની નલ સે જલ યોજના ની કામગીરી અંગે સરકારમાં કરાયેલી રજુઆત અંગેનો ચિતાર મેળવવા ગુજરાત ફર્સ્ટ ની ટીમે ઉમરપુર અને હોસેલાવ ગામની મુલાકાત લઈ સ્થિતિ નિહાળતાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા કામો યોગ્ય રીતે નહિં થયા હોવા ઉપરાંત કેટલાક સ્થળે પાઇપો ખુલ્લી હાલતમાં જોવા મળી હતી, બીજી તરફ વિસ્તારમાં અગ્રણીઓ પણ નલ સે જલ યોજનાની કામગીરી માં થયેલી ગેરરીતિ ની તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગણી કરતાં જોવા મળી રહ્યા છે.
નલ સે જલ યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચાર
નલ સે જલ યોજનાની કામગીરી સામે જનતા સાથે ગુજરાત ફર્સ્ટ ની ટીમે ગ્રાઉન્ડ લેવલ જઈને અલગ અલગ તાલુકામાં થયેલ વાસમોના કામો અંગે અહેવાલ અને યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર અંગે અનેક સવાલ ઉઠાવ્યા હતા, ગુજરાત ફર્સ્ટ ના સમગ્ર અહેવાલ બાદ હવે પંચમહાલ જિલ્લામાં ધારાસભ્ય પણ વાસ્મો સામે અનેક સવાલ કરી રહ્યા છે, હવે તો ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા સરકાર ના ડ્રિમ પ્રોજેકટ સમી નલ સે જલ યોજના માં પોતાના મત વિસ્તારમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તા ના કામો થયા હોવાના મુદ્દો પુરાવા સહિત ઉજાગર કરતાં ખળભળાટ મચી ગયો છે, ઉલ્લેખનીય છેકે અગાઉ મોરવા હડફના ધારાસભ્ય નિમિષા બેન સુથારે સરકારની રાત્રિ સભા કાર્યક્રમ દરમિયાન એજન્સીઓ ને યોગ્ય કામગીરીમાં નહીં માત્ર નાણાંમાં જ રસ હોવાથી સરપંચ સહિતને પરામર્શ માં રહી યોગ્ય કામગીરી કરાવવાનું જાહેર મંચ ઉપર થી નિવેદન કર્યું હતું , જેનાબાદ પંચમહાલ જિલ્લા પંચાયતના દંડક અરવિંદ સિંહ પરમારે પણ થોડા દિવસ અગાઉ નલ સે જલ યોજનાની કામગીરી સામે સવાલો ઉઠાવી પાણી પુરવઠા મંત્રીને રજુઆત કરી હતી, આમ સરકારના સાશક પક્ષ દ્વારા જયારે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં કેવા પ્રકારની તપાસ કરી જવાબદારો સામે કેવા પગલાં ભરવામાં આવશે અને જનતાને આ યોજના હેઠળ પાણી કયારે મળશે એ જોવું રહ્યું !!
53 ગામો માં ટેસ્ટિંગ નું કામ ચાલુ છે
સરકારના ચોપડે નોંધાયેલી કામગીરી ઉપર નજર કરીએ તો હાલ શહેરા વિધાનસભા મત વિસ્તાર માં આવતા શહેરા તાલુકા ના કૂલ 92 ગામ માં આ નલ સે જલ યોજના મંજુર કરવા માં આવી જે પૈકી 22 ગામો માં કામ પૂર્ણ થયા છે 71 ગામો માં કામ હાલ કાર્યરત છે જ્યારે 53 ગામો માં ટેસ્ટિંગ નું કામ ચાલુ છે .જ્યારે ગોધરા તાલુકા માં કુલ 24 ગામ માં નલ સે જલ યોજના ની મંજૂરી આપી હતી જે પૈકી 9 ગામ માં કામ પૂર્ણ થયા છે અને 15 ગામ માં કામ પ્રગતિ હેઠળ છે.જ્યારે 12 ગામમાં માં ટેસ્ટિંગ ની કામગીરી હાલ કાર્યરત છે .જોકે વાસ્તવિક પરિસ્થિતિ કઈક અલગ જ ચિતાર આપતી જોવા મળી રહી છે.
નલ સે જલ યોજના અંતર્ગત જે પાઇપ લાઈન કરવા માં આવી છે
ઉમરપુર અને હાંસેલાવ ગામ ની મુલાકાત લેતાં જે દ્રશ્યો સામે આવ્યા છે ધારાસભ્ય જેઠાભાઇ ની રજૂઆતો ને સમર્થન આપતા અને ચોંકાવનારા જોવા મળી રહ્યા છે.નલ સે જલ યોજના અંતર્ગત જે પાઇપ લાઈન કરવા માં આવી છે, નળ મુકવા માં આવ્યા છે જે તમામ માત્ર શોભા ના ગાંઠિયા સમાન જ જોવા મળી રહ્યા છે.આ ગામ માં નલ સે જલ યોજના ના કામો માત્ર એજન્સીઓ ને જ ફાયદાકારક નીવડ્યા છે કારણ કે ગ્રામજનો ને તો અત્યાર સુધી એક ટીપું પાણી આ યોજના અંતર્ગત મળી શક્યું નથી.નલ સે જલ યોજના પાછળ શહેરા સહિત સમગ્ર જિલ્લા માં કરોડો ના ખર્ચ કરવા માં આવ્યા છે.પરંતુ યોજના માત્ર કાગળ પર જ કાર્યરત હોય તેમ ગ્રાઉન્ડ પર તો ફારસરૂપ જ જોવા મળી હતી.
ઉમરપુર અને હોસેલાવ ગ્રામજનો ના આક્ષેપ છે કે વર્ષ પહેલાં કરવા માં આવેલી નલ સે જલ યોજનાની કામગીરી ખૂબ જ હલકી ગુણવત્તાની અને તકલાદી હતી. અધિકારીઓ ફોટા પડાવી ને જતા રહ્યા પરંતુ ત્યારબાદ ન તો અધિકારી ઓ આવ્યા છે કે ન આવ્યું પાણી.હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે નલ સે જલ યોજના ના અધિકારીઓ અને એજન્સીઓના ભ્રષ્ટાચાર ને કારણે પાણી વિના વલખા મારવા પડી રહ્યા છે.જેથી વહેલી તકે આ યોજનાની યોગ્ય કામગીરી કરી પાણી પુરૂ પાડવામાં આવે.
Advertisement