ચીનમાં ફરી આવ્યો 'કોરોના', 'Lockdown' ની જાહેરાત
વિશ્વ માટે આજે ફરી ચિંતાના સમાચાર સામે
આવ્યા છે. ચીનમાં ફરી કોરોના પરત ફર્યો છે. કોરોના પગલે ચીનના એક શહેરમાં
લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. એકબાજુ આ યુદ્ધના લીધે વિશ્વભરમાં તણાવનો
માહોલ છે. તો બીજી તરફ આ કોરોનાના કેસોમાં ફરી વધારો થતા દુનિયાભરમાં લોકોની ચિંતામાં
વધારો કર્યો છે.
ચીનમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક આપી છે. કોવિડના કેસોમાં અચાનક આવેલા
ઉછાળાને જોતા ચીને શુક્રવારે ઉત્તરપૂર્વીય શહેર ચાંગચુનમાં લોકડાઉન લાગુ કરવાનો
આદેશ આપ્યો છે. આ શહેરની વસ્તી લગભગ 90 લાખ છે. લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં
આવ્યું છે. તેમજ કોરોના ટેસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. બિન-આવશ્યક વ્યવસાય બંધ
કરી દેવામાં આવ્યો છે અને તમામ પરિવહન સુવિધાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. અહીં
લાદવામાં આવેલા પ્રતિબંધથી લગભગ 90 લાખ લોકોને અસર થશે.
શુક્રવારે ચીનમાં 397 કેસ નોંધાયા હતા જે સ્થાનિક ફેલાવાને
કારણે હતા. તેમાંથી 98 કેસ જિલિન પ્રાંતના છે. જે ચાંગચુનની
આસપાસ છે. શહેરમાં કોરોનાના માત્ર બે કેસ નોંધાયા છે. જો કે, વહીવટીતંત્રે દરેક જગ્યાએ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે જ્યાં એક
અથવા વધુ કેસ નોંધાયા છે.
જિલિન નજીકના અન્ય શહેરમાં 93 કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા શહેરમાં આંશિક લોકડાઉનનો
આદેશ આપ્યો છે અને અન્ય શહેરોને જોડતી તમામ પરિવહન સુવિધાઓને રોકી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીના અંત સુધીમાં ચીનની 1.4 અબજ વસ્તીમાંથી 87% લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી.
ઉપરાંત લગભગ 40% વસ્તીએ બૂસ્ટર શોટ મેળવ્યો હતો. છેલ્લા એક વર્ષથી ચીનમાં કોવિડ-19થી સંક્રમિત કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.