ગુજરાતી ભાષામાં પદ્મભૂષણ ધીરુભાઇ ઠાકરનું પ્રદાન
આપણે ત્યાં નોકરી કરતા વર્ગ માટે નિવૃત્તિ એક અર્થમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓનું પૂર્ણ વિરામ બની જતી હોય છે. નોકરીમાંથી 58 કે 60 વર્ષે નિવૃત્તિ ફરજિયાત રીતે લેવાની થાય ત્યારે ઘણા લોકો તો નિવૃત્તિના વર્ષના એક વર્ષ પહેલાથી જ માનસિક નિવૃતિ લઈને હવે બધું પૂરું થયું એમ માનીને પોતાના કામ તરફ પોતાની ફરજ તરફ જાણે-અજાણે થોડાક ધીમા પડી જતા હોય છે. બીજો એક એવો પણ વર્ગ છે કે જે નિવૃત્તિની તારીàª
આપણે ત્યાં નોકરી કરતા વર્ગ માટે નિવૃત્તિ એક અર્થમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓનું પૂર્ણ વિરામ બની જતી હોય છે. નોકરીમાંથી 58 કે 60 વર્ષે નિવૃત્તિ ફરજિયાત રીતે લેવાની થાય ત્યારે ઘણા લોકો તો નિવૃત્તિના વર્ષના એક વર્ષ પહેલાથી જ માનસિક નિવૃતિ લઈને હવે બધું પૂરું થયું એમ માનીને પોતાના કામ તરફ પોતાની ફરજ તરફ જાણે-અજાણે થોડાક ધીમા પડી જતા હોય છે.
બીજો એક એવો પણ વર્ગ છે કે જે નિવૃત્તિની તારીખના છેલ્લા દિવસની સાંજ સુધી પૂરી નિષ્ઠાથી પોતાની જવાબદારી બરોબર નિભાવીને પછી નિવૃત્તિ લે છે. નિવૃત્તિ લીધા પછી સામાન્ય રીતે જે સૌથી વધુ વપરાતો શબ્દ ચલણમાં છે તે છે "હાશ, હવે છૂટ્યા......"
પણ આજે ઉપર જણાવ્યા તે બે વર્ગો કરતાં પણ નોખા પડી જાય એવા એક ત્રીજા વર્ગના ખૂબ જ પ્રભાવી વ્યક્તિત્વની આછી-પાતળી વાત કરવી છે, અને એ રીતે એમણે કરેલો નિવૃત્તિનો મહિમા આપણને સૌને કેવી સરસ પ્રેરણા આપી જાય છે તેની ટૂંકમાં થોડીક વાત કરવી છે.
વાત છે સ્વર્ગસ્થ પદ્મભૂષણ ધીરુભાઇ ઠાકરની.
ધીરુભાઈ ઠાકર સાબરકાંઠા જિલ્લાના મોડાસા કોલેજમાં આચાર્ય તરીકે કામગીરી કરીને 65 વર્ષે નિવૃત્ત થયા. તેમના કાર્યકાળ દરમિયાન મોડાસા કોલેજ કેમ્પસમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ, અનુસ્નાતક કોલેજ, બી.એડ કોલેજ તથા બીજા નાના-મોટા અનેક અભ્યાસક્રમોની જોગવાઈ એક જ પરિસરમાં મળી રહે તે માટે સ્વર્ગસ્થ ધીરુભાઈએ અસાધારણ પુરુષાર્થ કરેલો. તેમના પુરુષાર્થને કારણે સાબરકાંઠામાં મોડાસા કોલેજનું નામ સમગ્ર સાબરકાંઠામાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં જાણીતું થયું હતું. એ જમાનામાં એવું પણ કહેવાતું હતું કે મોડાસા કોલેજ એટલે ગુજરાતની ઓક્સફર્ડ યુનિવર્સિટી.
ખૂબ સફળ રીતે પોતાની કારકિર્દી પૂરી કરીને 65 વર્ષે મોડાસામાંથી નિવૃત્તિ લઈને ધીરુભાઈ ઠાકર અમદાવાદ આવ્યા. સામાન્ય રીતે ઉપર જણાવ્યા તે બે વર્ગોમાં જો ધીરુભાઈ હોત તો 65 વર્ષ સુધી અસાધારણ મહેનત, અસાધારણ પ્રદાન અને પ્રવૃત્તિ કર્યા પછી ચીલાચાલુ નિવૃત્તિનો આનંદ લેવામાં પોતાનું શેષ જીવન સંતોષથી પસાર કરી શક્યા હોત.
પણ તેમ ન કરવાને બદલે ગુજરાતી ભાષાના આ વિદ્વાન સર્જક નિવૃત પ્રિન્સિપાલે વિચારેલું હતું કે આપણી ભાષામાં એટલે કે ગુજરાતી માતૃભાષામાં એક શબ્દકોશ હોવો ઘટે. શબ્દકોશ આગળ જતા વિશ્વકોશ બની શકે અને એ રીતે જેને આપણે અંગ્રેજીમાં એન્સાઇક્લોપીડિયા કહીએ છીએ તે આપણી ભાષામાં કેમ ન હોય?
ધીરુભાઈએ 65 વર્ષ પછી ગુજરાતી માતૃભાષાના વિશ્વકોષની રચના કરવા માટેના પ્રચંડ પુરુષાર્થની શરૂઆત કરી ત્યારે તો સ્વપ્ને કોઈને ખ્યાલ નહીં હોય કે ધીરુભાઈ આ કાર્ય પૂરું કરી શકશે. સદનસીબે તેમને પદ્મશ્રી ડો કુમારપાળ દેસાઇ સહિત ગુજરાતના અનેક નામાંકિત વિદ્વાનો, સર્જકો અને શ્રેષ્ઠીઓનો સાથ અને સહયોગ મળતા રહ્યા. દર વર્ષે વિશ્વકોષનું એક દળદાર વૉલ્યૂમ બહાર પાડવું- એવા સંકલ્પ સાથે શરૂ કરેલી આ યાત્રા બરોબર 25 વર્ષ ચાલી અને 25 વર્ષમાં 25 વિશ્વકોશના ગ્રંથો બહાર પડ્યા. 25મો ગ્રંથ બહાર પડ્યો ત્યારે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્ર ભાઈ, સંત મોરારીબાપુ તથા જાણીતા સર્જક અને વિચારક ગુણવંતભાઈ શાહ સહિત ગુજરાતના બધા જ વિદ્વાનો અને સારસ્વતોએ આશ્ચર્યથી ધીરુભાઈની સામે જોયું કારણકે 25મો ગ્રંથ પણ ધીરુભાઈની હયાતીમાં જ પ્રસિદ્ધ થઈ શક્યો. એટલું જ નહીં ધીરુભાઈએ શરૂઆતમાં તો ગુજરાત યુનિવર્સિટીએ કરી આપેલી સગવડ મુજબ કોમર્સ કોલેજના છાત્રાલયના ખાલી પડેલા એક રસોડામાં આ પ્રવૃત્તિ શરૂ કરેલી પણ એ પછી આગળ જતાં આ પ્રવૃત્તિ ફુલીફાલી અને સરકારના અનુગ્રહથી ઉસ્માનપુરામાં જમીન મળતાં ત્યાં એક અદ્યતન"ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ભવન"નું નિર્માણ કરવામાં આવ્યું.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એ પછી તો અનેક સાંસ્કૃતિક અને કલા વિષયક પ્રવૃત્તિઓ સાથે ખૂબ ઉપયોગી પ્રકાશનો કરતી સંસ્થા પણ બની એટલું જ નહીં પ્રતિ માસ જુદા જુદા વિષયો ઉપરની ખુબજ ઉપયોગી લોકપ્રિય વ્યાખ્યા શ્રેણીઓ ના માધ્યમથી લોકોને વૈશ્વિક જ્ઞાન સાથે જોડતી સંસ્થા બની.
આજે તો ધીરુભાઈ સદેહે આપણી વચ્ચે નથી પણ 65 વર્ષ પછી વિચારેલું અને સિદ્ધ કરેલું તેમનું સ્વપ્ન વિશ્વકોશ ભવન ટ્રસ્ટ ગુજરાતી માતૃભાષાના જતન સંવર્ધન સાથે વૈશ્વિક જ્ઞાનનો ફેલાવો પ્રસાદ અને પ્રચાર કરનારી ગુજરાતની એક અગ્રીમ સંસ્થા બની છે.
ધીરુભાઈની શારીરિક ગેરહાજરીમાં આગામી ૨૭ જૂનને સોમવારની સાંજે 5:30 વાગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતમાં કલાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકર સવ્યસૈચી સારસ્વત એવોર્ડ આપવાનો ઉપક્રમ રચાયો છે અને આ વખતે આ એવોર્ડ કથક નૃત્યના વિખ્યાત કલાકાર શ્રી કુમુદિની લાખિયાને એનાયત કરવામાં આવશે.
પણ આ બધી વિગતોની પાછળ આપણે સહુએ જે પ્રેરણા લઇ શકીએ તેવી કોઈ બાબત હોય તો તે એ છે કે જીવનમાં નિવૃત્તિ ક્યારેય હોતી નથી. સરકારી નોકરી હોય તો નિવૃત્તિ પછી નવી પ્રવૃત્તિ હાથ ઉપર લઈ શકાય છે અને એને પોતાની હયાતીમાં જ પોતાના અનુભવનો લાભ આપીને સફળ રીતે આગળ વધારી પણ શકાય છે. આનું એક જવલંત ઉદાહરણ એટલે આપણી વચ્ચે અત્યારે હયાત નથી છતાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ના માધ્યમથી જેવો એનો આત્મા સતત આપણને માર્ગદર્શન આપી રહ્યો છે તેવા પદ્મભૂષણ સ્વર્ગસ્થ ધીરુભાઇ ઠાકરની સ્મૃતિને આજે તો વંદન કરીએ.
Advertisement