કેપ્ટન અમરિંદરસિંહ અમિત શાહને મળ્યા, પંજાબના રાજકારણ પર થઇ આ ચર્ચા
પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહની પંજાબ લોક કૉંગ્રેસ પાર્ટીનો ભાજપમાં વિલય થવાનો છે? દિલ્હીના નોર્થ બ્લોકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કેપ્ટન અમરિન્દરસિંહે મુલાકાત કરી છે. કેપ્ટન અમરિન્દરસિંહે આના પહેલા 30 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિન્દરસિંહે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ ટ્વિટ કર્યું હતું કે પંજાબ સાથે સંકળાયેલા વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી અને રાજ્ય તથા દેશની સુરક્ષા માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લીધો, જે અમારા બંને માટે હંમેશા સર્વોપરી રહ્યો છે અને રહેશે.
દિલ્હીમાં અમિત શાહ સાથેની મુલાકાત બાદ કેપ્ટન અમરિન્દરસિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે તે ગૃહ મંત્રી સાથે મુલાકાત કરવા માટે આવ્યા હતા. જ્યારે સવાલ પુછવામાં આવ્યો કે શું ભાજપ સાથે તેમની પાર્ટીનો વિલય થઈ શકે છે. તો તેમણે કહ્યુ કે આ બધી કોરી કલ્પના છે. આમ કંઈ થઈ રહ્યું નથી.
પંજાબમાં ચૂંટણી પહેલા કેપ્ટન અમરિન્દરસિંહે નવજોતસિંહ સિદ્ધૂ સાથેના ખટરાગને કારણે પાર્ટી છોડીને પંજાબ લોક કૉંગ્રેસની રચના કરી હતી. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પંજાબ લોક કૉંગ્રેસ અને ભાજપે ગઠબંધન કર્યુ હતું. જો કે આમા કેપ્ટન અમરિન્દરસિંહ અને ભાજપના ચૂંટણી જોડાણને કોઈ ખાસ સફળતા મળી ન હતી. પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની હતી.
પંજાબની ચૂંટણી બાદ કેપ્ટનની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસના ભાજપમાં વિલયની ચર્ચાઓ થવા લાગી હતી. જો કે જમ્મુ-કાશ્મીરમાં કેપ્ટન અમરિન્દરસિંહના જૂના સાથી ગુલામ નબી આઝાદ નવી પાર્ટી બનાવવાના છે, ત્યારે પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહને પણ પંજાબમાં ભાજપથી અલગ અસ્તિત્વ રાખીને પોતાની રાજનીતિને જીવંત રાખવાની એક તક દેખાતી હશે.