બિહાર CM નીતિશ કુમારના ખાસ RCP સિંહે JDU છોડ્યું, જાણો કેમ આપ્યું રાજીનામું
એક સમયે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના જમણા હાથ ગણાતા જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરપીસી સિંહે નાલંદાના પોતાના ગામ મુસ્તફાપુરમાં રાજીનામાની જાહેરાત કરી હતી. હાલમાં જ જેડીયુએ તેમને ત્રીજી વખત રાજ્યસભામાં મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે તેમને મોદી સરકારમાં મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
રાજીનામાની જાહેરાત સાથે RCP સિંહ કહ્યું કે આ પાર્ટીમાં કંઇ બચ્યું નથી. તે (જેડીયુ) ડૂબતું વહાણ છે. જો મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મારી સાથે સીધી વાત કરો. હું ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર છું. મારા પર બિનહિસાબી સંપત્તિ એકઠી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આને કારણે મારી છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
કોણ છે RCP સિંહ
2016માં જેડીયૂ દ્વારા આરસીપી સિંહને ફરીથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા અને શરદ યાદવની જગ્યાએ રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ નીતિશ કુમારે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ છોડી દીધું હતું, ત્યારબાદ આરસીપી સિંહને પાર્ટીની કમાન સોંપવામાં આવી હતી. આ રીતે નીતિશ બાદ તેઓ જેડીયૂમાં બીજા નંબરના નેતા બની ગયા. પરંતુ મોદી કેબિનેટનો ભાગ બન્યા બાદ તેમના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી. આરસીપીને ત્રીજી વખત જેડીયુ તરફથી રાજ્યસભામાં પહોંચવાની તક મળી ન હતી, જેના કારણે તેમને મોદી કેબિનેટ છોડવી પડી હતી. મોદી સરકારના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યારે આરસીપી સિંહ પટના પહોંચ્યા ત્યારે તેમણે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેણે કહ્યું કે તે ચૂપચાપ બેસશે નહીં. "હું આ દેશનો માણસ છું, સંગઠનનો માણસ છું અને સંગઠનમાં કામ કરીશ.
નવી પાર્ટી બનાવશે
જેડીયુ છોડવાની જાહેરાત કર્યા બાદ આરસીપી સિંહે એવું જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં નવી પાર્ટીની રચના કરશે.