અકાલી દળમાં મોટો ફેરફાર, હવે એક પરિવાર મળશે એક ટીકીટ
નેતૃત્વ પરિવર્તનની જોરદાર માંગનો સામનો કરી રહેલા શિરોમણી અકાલી દળ (SAD)ના પ્રમુખ સુખબીર બાદલે શુક્રવારે પાર્ટીમાં અનેક મૂળભૂત ફેરફારોની જાહેરાત કરી હતી. પાર્ટીમાં ‘એક પરિવાર એક ટિકિટ’ના સિદ્ધાંતને લાગુ કરવાની સાથે તેમણે પાર્ટીના પ્રમુખ માટે 5 વર્ષની બે ટર્મ આપવાની જાહેરાત કરી હતી.
ત્રીજી વખત પદ સંભાળવા માટે પાર્ટી અધ્યક્ષે આગામી પાંચ વર્ષ માટે રજા લેવી પડશે. આ નવા ફેરફાર સાથે બાદલ પરિવારમાંથી માત્ર એક જ સભ્ય ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે બાદલ પરિવારમાંથી પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, હરસિમરત કૌર બાદલ અને બિક્રમ સિંહ મજીઠિયા ચૂંટણી લડતા આવ્યા છે. જો ‘એક પરિવાર એક ટિકિટ’ના સિદ્ધાંતનો અમલ થશે તો ઉપરોક્ત ત્રણેય અગ્રણી નેતાઓ SADની ટિકિટ પર ચૂંટણી લડવા માટે લાયક નહીં રહે. જયારે અધ્યક્ષ પદને લઈને લેવામાં આવેલા નિર્ણય અનુસાર, સુખબીર બાદલ આગામી દસ વર્ષ સુધી પાર્ટી અધ્યક્ષ બની શકે છે. સુખબીરે પાર્ટીનું નવું સંગઠનાત્મક માળખું બનાવવાની પણ જાહેરાત કરી છે.
શુક્રવારે પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં, અકાલી દળના પ્રમુખે જાહેરાત કરી હતી કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં 50 વર્ષથી ઓછી વયના પાર્ટી કાર્યકર્તાઓ માટે 50 ટકા બેઠકો અનામત કરીને આગામી પેઢીના નેતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.