અવાજ
સ્મશાન વત શાંતિને ભંગ કરતો છરી કાંટાનો લયબદ્ધ અવાજ મોટા બધા ડ્રોઈંગ રૂમમાં પડઘાઈ રહ્યો. જ્યુસના ગ્લાસ ઊંચકાયા ને અવાજ ન થાય એમ નીચે ય મૂકાયા. સી યા, ટેઈક કેર, લવ યુ ની યંત્રવત આપલે થઈ ને ચાર મોટા ને બે નાના પગ પોતપોતાના ગંતવ્ય સ્થાને રવાના થયા. વયોવૃદ્ધ કાન ફરી એક વાર ઘરના ખાલીપામાં અવાજો શોધી રહ્યા.સાંજ ઉતરી આવી ને પેલા કાન ફરી સાબદા થયા. વ્હીલચેરને બે હાથોએ માસ્ટર બેડરૂમની બાજુમાં
સ્મશાન વત શાંતિને ભંગ કરતો છરી કાંટાનો લયબદ્ધ અવાજ મોટા બધા ડ્રોઈંગ રૂમમાં પડઘાઈ રહ્યો. જ્યુસના ગ્લાસ ઊંચકાયા ને અવાજ ન થાય એમ નીચે ય મૂકાયા.
સી યા, ટેઈક કેર, લવ યુ ની યંત્રવત આપલે થઈ ને ચાર મોટા ને બે નાના પગ પોતપોતાના ગંતવ્ય સ્થાને રવાના થયા. વયોવૃદ્ધ કાન ફરી એક વાર ઘરના ખાલીપામાં અવાજો શોધી રહ્યા.
સાંજ ઉતરી આવી ને પેલા કાન ફરી સાબદા થયા. વ્હીલચેરને બે હાથોએ માસ્ટર બેડરૂમની બાજુમાં રહેલા કિડ્સ રૂમ તરફ વાળી. રૂમની લાઇટ્સ ઓફફ થતાં જ વ્હીલચેર આશાથી ઝળકી ઊઠી.
'એલેકસા, રીડ મી અ સ્ટોરી.' અંદરથી ભાવહીન અવાજ સંભળાયો.
'દાદુ, વારતા કહો ને.. ' વર્ષોથી આ વાક્ય સાંભળવાનું સપનું સેવતા બે કાન ફરી એક વાર નિરાશ થયા.
-શ્રદ્ધા ભટ્ટ
Advertisement