પેંગોંગમાં ચીન બીજો પુલ બની રહ્યું હોવાના અહેવાલ વચ્ચે ભારતે આપ્યો જવાબ, કહ્યું - કબજો કરી લીધો..
ચીન ભલે ગમે તેટલી શાંતિની વાતો કરે પરંતુ પેંગોંગમાં વધુ એક ચીનની
ચાલ સામે આવી છે. એવા સમાચાર હતા કે ચીને પેંગોંગ તળાવ પર બીજા પુલનું નિર્માણ શરૂ
કરી દીધું છે. ચીને તે જ વિસ્તારમાં પુલ બનાવ્યો હતો જેનો ભારત દાવો કરે છે. એવું
કહેવામાં આવી રહ્યું છે કે બીજો બ્રિજ ભારે બખ્તરબંધ વાહનોની અવરજવર માટે સક્ષમ
હશે. આ દરમિયાન હવે આ મામલે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી પણ નિવેદન આવ્યું છે. ચીન દ્વારા પેંગોંગ તળાવ પર બીજા
પુલનું નિર્માણ શરૂ કરવાના અહેવાલો વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે જે વિસ્તારનો
ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. અમે માનીએ છીએ કે તે કબજા હેઠળનો વિસ્તાર છે. અમે સ્થિતિ પર નજર રાખી
રહ્યા છીએ અને ચીન પક્ષ સાથે વાતચીત ચાલી રહી છે. અમે આવી ઘટનાઓ પર નજર રાખી રહ્યા
છીએ. અમે આ અંગે રાજદ્વારી અને સૈન્ય સ્તરે ચીનની સાથે વાતચીત કરી રહ્યા છીએ.
અગાઉની સેટેલાઇટ ઇમેજમાં એ પણ દર્શાવવામાં આવ્યું હતું કે ચીન
પેંગોંગ લેકની આસપાસના કબજા હેઠળના વિસ્તારમાં બીજો પુલ બનાવી રહ્યું છે અને આ
ચીની સેનાને તેના સૈનિકોને ઝડપથી આ વિસ્તારમાં ખસેડવામાં મદદરૂપ થઈ શકે છે. બે
વર્ષથી વધુ સમયથી પૂર્વી લદ્દાખમાં કેટલાક તણાવના સ્થળો પર ભારતીય અને ચીનની સેનાઓ
વચ્ચે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે આ પુલ બનાવવામાં આવી રહ્યો છે. એપ્રિલમાં પૂર્ણ
થયેલા પહેલા પુલની બરાબરી પર બીજો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. સેટેલાઇટ ઇમેજનું
મૂલ્યાંકન કરનારા નિષ્ણાતો કહે છે કે પ્રથમ પુલનો ઉપયોગ ક્રેન્સ જેવા સાધનોની
અવરજવર માટે કરવામાં આવ્યો હતો. જે બીજા પુલને તૈયાર કરવા માટે જરૂરી છે. જાન્યુઆરીમાં જ્યારે પેંગોંગ સરોવરના ઉત્તર અને
દક્ષિણ કાંઠાને જોડતા પુલના નિર્માણની વાત બહાર આવી ત્યારે વિદેશ મંત્રાલયે તેની
પ્રતિક્રિયા આપી હતી. તે સમયે સરકારે કહ્યું હતું કે જે જગ્યા પર સ્ટ્રક્ચર છે તે 60
વર્ષથી વધુ સમયથી ચીનના ગેરકાયદે કબજા હેઠળ છે.