અક્ષર પટેલની તોફાની ઈનિંગ રમત એળે ગઈ, શ્રીલંકા સામે ભારતનો 16 રને પરાજય
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 ટી20 મેચોની સિરીઝની બીજી મેચ પુણેમાં રમાઈ રહી છે. બીજી ટી20 મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ શ્રીલંકાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુક્સાન પર 206 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ભારતીય ટીમે લક્ષ્યનો પિછો કરતા ખરાબ શરુઆત કરી હતી. બંને ઓપનરો ઈશાન કિશન અને શુભમન ગિલ ઈનીંગની પ્રથમ 2 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગયા હતા. જે સમયે ભારતનો સ્કોર માત્ર 21 રન હતો.
ખરાબ શરુઆત બાદ સૂર્યાકુમાર યાદવ અને અક્ષર પટેલે ભારતીય ઈનીંગને સંભાળી હતી. બંનેએ સાથે મળી જવાબદારી સંભાળી એ પહેલા ભારતે 5 વિકેટો માત્ર 57 રનમાં જ ગુમાવી દીધી હતી. સૂર્યા અને અક્ષર પટેલે 91 રનની ભાગીદારી રમત નોંધાવી હતી.
ટોપ ઓર્ડર ફરીવાર ફ્લોપ
એકની એક જ સમસ્યા ફરીએકવાર જોવા મળી હતી. ટોપ ઓર્ડર ફરી વાર નિષ્ફળ રહ્યો હતો. ભારતે પ્રથમ વિકેટ ઓપનર ઈશાન કિશનની વિકેટ ગુમાવી હતી. બેટિંગ ઈનીંગના બીજી ઓવરના પ્રથમ બોલ પર 12 રનના સ્કોર પર ભારતે ઈશાનની વિકેટ ગુમાવી હતી. તે રંજીથાના બોલ પર 2 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ થયો હતો. શુભમન ગિલ પણ આજ ઓવરના અંતિમ બોલ પર રંજીથાનો શિકાર થઈ પરત ફર્યો હતો. તેણે 3 બોલનો સામનો કરીને માત્ર 5 રન નોંધાવ્યા હતા. ડેબ્યૂ કરનાર ખેલાડી રાહુલ ત્રિપાઠી માત્ર 5 જ રન નોંધાવવામાં સફળ રહ્યો હતો.સુકાની હાર્દિક પંડ્યા 12 બોલનો સામનો કરીને 12 રન નોંઘાવી શક્યો હતો. મુંબઈની મેચનો હિરો દીપક હુડ્ડા 9 રન નોંધાવી શક્યો હતો. આ માટે તેણે 12 બોલનો સામનો કર્યો હતો.
અક્ષર પટેલ અને સૂર્યાએ રંગ જમાવ્યો
પુણે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ભલે ફ્લોપ રહ્યો હોય પરંતુ ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવે તોફાની રમત રમીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. બંનેએ તોફાની અડધી સદી નોંધાવી હતી. અક્ષર પટેલે સાતમા ક્રમે આવીને ભારતીય ટીમ તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર પોતાના બેટથી નિકાળ્યો હતો. આ પહેલા રવિન્દ્ર જાડેજાના નામે આ સિદ્ધી હતી, તેણે અણનમ 44 રન 23 બોલમાં નોંધાવ્યા હતા.
પટેલે ઈનીંગમાં 6 છગ્ગા જમાવ્યા હતા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 31 બોલનો સામનો કરીને 65 રન નોંધાવ્યા હતા. સૂર્યાકુમારે 51 રન નોંધાવ્યા હતા. તેણે 36 બોલનો સામનો કરી 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારીને આ રન નોંધાવ્યા હતા. પટેલ અને યાદવ વચ્ચે 91 રનની પાર્ટનરશિપ 40 બોલનો સામનો કરીને નોંધાઈ હતી.
આપણ વાંચો- ચાલુ વર્ષે એકવાર ફરી ભારત-પાકિસ્તાનની ટીમ જોવા મળશે આમને-સામને, જાણો કોણે કર્યું એલાન