પ્રેમની અભિવ્યક્તિ કેટલી જરૂરી ?
14 ફેબ્રુઆરીનો દિવસ આખરે પસાર થઇ જ ગયો, કેટલાય લોકો એવા હશે જેમણે આ દિવસની આખે આખુ વર્ષ રાહ જોઇ હશે અને તેને કેવી રીતે પસાર કરશે તેને લઇને અનેક સપના પણ જોયા હશે. કેટલાય લોકો એવા હશે જેમના માટે આજનો દિવસ યાદગાર રહ્યો હશે અને કેટલાય લોકો એવા પણ હશે જેમના સપના માત્ર સપના જ બની રહ્યા હશે. વેલેન્ટાઇન્સ ડે માત્ર પ્રેમની અભિવ્યક્તિ માટેનો દિવસ તો ખેર હોતો નથી પણ હા, છતા એ દિવસ એવો તો બીલકુલ હો
08:49 AM Feb 15, 2022 IST
|
Vipul Pandya
14 ફેબ્રુઆરીનો દિવસ આખરે પસાર થઇ જ ગયો, કેટલાય લોકો એવા હશે જેમણે આ દિવસની આખે આખુ વર્ષ રાહ જોઇ હશે અને તેને કેવી રીતે પસાર કરશે તેને લઇને અનેક સપના પણ જોયા હશે. કેટલાય લોકો એવા હશે જેમના માટે આજનો દિવસ યાદગાર રહ્યો હશે અને કેટલાય લોકો એવા પણ હશે જેમના સપના માત્ર સપના જ બની રહ્યા હશે.
વેલેન્ટાઇન્સ ડે માત્ર પ્રેમની અભિવ્યક્તિ માટેનો દિવસ તો ખેર હોતો નથી પણ હા, છતા એ દિવસ એવો તો બીલકુલ હોય છે કે, તે દિવસે વાતાવરણમાં પ્રેમ અનુભવાય છે. પ્રેમમાં ગળાડૂબ લોકો વધુ પ્રેમ ઇચ્છે છે - તો જે લોકો પ્રેમની પ્રતિક્ષામાં હોય છે તેમના માટે આ દિવસ ખુબ લાંબો જાણે કે પુરવાર થાય છે.
તેમાં પણ સોશીયલ મીડિયાનો વ્યાપ વધ્યા બાદ તો પ્રેમની અભિવ્યક્તિના માધ્યમો પણ સરળ બન્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર 14 ફેબ્રુઆરીએ પ્રેમની જ અભિવ્યક્તિ જ તો દેખાય છે, પડઘાય છે, વંચાય છે અને અનુભવાય છે.
પ્રેમની અભિવ્યક્તિ કેટલી અનિવાર્ય ?
પ્રેમની અભિવ્યક્તિને લઇને લોકોમાં સામાન્ય રીતે બે મત જોવા મળે છે. એક મત એવો હોય છે કે પ્રેમ એ અનુભવવાની લાગણી છે એને અભિવ્યક્ત કરવાની શી જરૂર? કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પ્રેમની અભિવ્યક્તિને દેખાડો માનતા હોય છે.
બીજો વર્ગ અને બીજો મત એવો છે કે, જેઓ પ્રેમને અભિવ્યક્ત કરવાની એકેય તક જતી કરવા માંગતા નથી.તેઓ માને છે કે, પ્રેમની અભિવ્યક્તિથી સંબંધ વધુ ગાઢ બને છે.દુનિયા શું કહેશે તેની પરવાહ આ પ્રકારના લોકો કરતા નથી. પોતાના પ્રેમને નાનામાં નાની ખુશી આપવી એ તેમના માટે વધુ મહત્વની અને અગત્યની હોય છે.
અચ્છા એક વર્ગ એવો છે જે એમ માને છે કે, એક ઉંમરના પડાવ પર પહોંચી ગયા બાદ પ્રેમની અભિવ્યક્તિ એ મજાકનું કારણ બને છે તો કેટલાક એવા પણ હોય છે જેમના માટે પ્રેમને ઉંમર સાથે, તેની અભિવ્યક્તિને ઉંમર સાથે કદી જોડતા નથી.
પ્રેમનો એક દિવસ !
પ્રેમનો માત્ર એક દિવસ ન હોય એ જેટલુ સાચુ છે એટલુ જ સાચુ એ પણ છે કે ને પ્રેમ, તેની અભિવ્યક્તિ, તેની અનુભૂતિ માટે એક એક ક્ષણ જરૂરી અને અનિવાર્ય પણ હોય જ છે ને ! તમે તમારા પ્રીતીપાત્રને કેટલો પ્રેમ કરો છો તે જ તો હંમેશા પૂરતું હોતુ નથી, તમે તેને તમારો પ્રેમ કેટલો વ્યક્ત કરો છો તે પણ જરૂરી બાબત છે. તેની હાજરી તમારા જીવનમાં કેટલી મહત્વની છે તે તેને ફીલ કરાવવું પણ જરૂરી છે. પ્રેમનો એક દિવસ માત્ર નથી પણ પ્રેમની દરેક ક્ષણ તો છે જ એટલા માટે પ્રેમ વ્યક્ત ક્ષણે-ક્ષણે કરવો જરૂરી છે. પ્રેમ કરવા માટે કે તેને વ્યક્ત કરવા માટે કોઇ દિવસ કે કોઇ સમયની શા માટે રાહ જોવી ?
પ્રેમ માટે તરસતા લોકોને પુછો પ્રેમ શું છે ?
જેને પ્રેમ કરનાર કે, પ્રેમ વ્યક્ત કરનાર પાત્ર છે તેને મન પ્રેમની જે વ્યાખ્યા હશે તેનાથી જુદી પ્રેમ માટે ઝંખતા વ્યક્તિની વ્યાખ્યા હશે. કેટલાક એવા પણ બદનસીબ હશે જે આખુ જીવન કોઇ પ્રીતીપાત્રની કામના કરતુ રહે અને તેને કદાચ કોઇ પ્રેમ કરનાર ના મળ્યું હોય.પ્રેમની અપેક્ષા અને પ્રેમ કરનાર પાત્રની કામનામાં કેટલાય લોકોને આખી આખી જીંદગી તરસતા જોયા છે. આવા લોકો જીવનમાં અન્યોના પ્રેમને જોઇને કે,કલ્પનાની દુનિયામાં જ રાજી રહેતા હોય છે.
કેટલાય લોકો પોતાના વેલેન્ટાઇનની પ્રતિક્ષામાં આખી જીંદગી ખર્ચી નાખે છે પણ તેમની પ્રતિક્ષા પૂર્ણ થતી નથી. એટલે જ જો તમારી પાસે કોઇ છે જે તમને પ્રેમ કરે છે તો તેમને તમારા પ્રેમની અનુભૂતિ કરાવો, વ્યક્ત થાવ તેની સામે, કહો તેને કે તમે કેટલો પ્રેમ કરો છો, કહો એને કે તેની હાજરી કેટલી અનિવાર્ય છે જીવનમાં. ભલે વેલેન્ટાઇન ડે વીતી ગયો પણ પ્રેમને ન વીતી જવા દેશો... તેને અંકુરિત થવા દો અને અંકુરિત થયેલા પ્રેમને અભિવ્યક્તિથી સીંચતા રહો...
Next Article