Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંજારમાં એક તરફી પાગલ પ્રેમીએ યુવતીનું જીવવું કર્યું હરામ, 14 વખત ફરિયાદ છતાં કોઈ કડક કાર્યવાહી નહી

અંજારમાં (Anjar) એક કિસ્સો હચમચાવી દે તેવો છે પાગલ પ્રેમીએ  યુવતીને હેરાન કરી તેનું જીવવાનું હરામ કરી દીધું છે છતાં તેની સામે કોઈ જ પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ કરાયો છે. માત્ર એટલું જ નહીં આ યુવતીએ યુવકના ત્રાસના કારણે ભણતર પણ અધૂરું છોડ્યું અને લગ્ન કરી લીધા જો કે આ લગ્ન પણ પાંચ વર્ષમાં તૂટી ગયા 14, 14 વખત પોલીસ (Police) ફરિયાદ કરી પણ આ પ્રેમીએ તેનો પીછો ના છોડ્યો અને જામીન પર જેલ બહાર આવી સતત àª
અંજારમાં એક તરફી પાગલ પ્રેમીએ યુવતીનું જીવવું કર્યું હરામ  14 વખત ફરિયાદ છતાં કોઈ કડક કાર્યવાહી નહી
અંજારમાં (Anjar) એક કિસ્સો હચમચાવી દે તેવો છે પાગલ પ્રેમીએ  યુવતીને હેરાન કરી તેનું જીવવાનું હરામ કરી દીધું છે છતાં તેની સામે કોઈ જ પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ કરાયો છે. માત્ર એટલું જ નહીં આ યુવતીએ યુવકના ત્રાસના કારણે ભણતર પણ અધૂરું છોડ્યું અને લગ્ન કરી લીધા જો કે આ લગ્ન પણ પાંચ વર્ષમાં તૂટી ગયા 14, 14 વખત પોલીસ (Police) ફરિયાદ કરી પણ આ પ્રેમીએ તેનો પીછો ના છોડ્યો અને જામીન પર જેલ બહાર આવી સતત છેડતી કરતો રહ્યો આજે એક દાયકા કરતાં વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળે છે
પોલીસ કેસ પાછા ખેંચવાની ધમકી આપી
વર્ષ 2013થી એકતરફી પ્રેમમાં પાગલ બની અંજારની યુવતીને પરેશાન કરવાની શરૂઆત કર્યા બાદ અત્યાર સુધીમાં દારૂ, ચોરી અને છેડતી સહિત રાજ્યમાં ધમા સામે કુલ 25 જેટલા કેસ થયેલા છે,  14 કેસ તો યુવતીએ જ નોંધાવ્યા છે. ધમો વર્ષ 2014માં યુવતી પર એસિડ-એટેક કરવા ઘરમાં ઘૂસી ગયો હતો. વર્ષ 2022ની 6 ફેબ્રુઆરીએ યુવતીએ ફરી તેની વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 3 સપ્ટેમ્બરે આરોપીએ બપોરે 3.30 કલાકે યુવતી બંસી વિલામાંથી કામ કરીને ઘરે જતી હતી ત્યારે મેલડી માના મંદિર પાસે ધર્મેશ ટૂ-વ્હીલર લઈને આવ્યો હતો અને અગાઉ કરેલા કેસ પાછા ખેંચી લેવાની ધમકી આપીને છરી વડે તૂટી પડ્યો હતો. એમાં યુવતીના જમણા હાથની કોણી, કાંડા પાસે, જમણી આંખ અને માથામાં ઈજાઓ પહોંચી હતી. યુવતીને બળજબરીપૂર્વક પોતાની સાથે બેસાડીને મારે તારી સાથે જ લગ્ન કરવા છે, તું મારી સાથે ચાલ, એમ કહીને અપહરણ કરીને લઈ જતો હતો. થોડે આગળ યુવતીની બહેન મળી જતાં ધમાએ ગાડી ઊભી રાખીને કેસ કરાવવાવાળી તું જ છો, કહી બંને બહેનોને ફરી માર માર્યો હતો. ત્યાર બાદ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી જેલ હવાલે કર્યો હતો.
14 ફરિયાદ નોંધાઈ
આ વાત છે અંજારની, જ્યાં પ્રાથમિક સ્કૂલમાં વર્ષ 2013માં ધોરણ 7માં અભ્યાસ કરતી યુવતી આગળ વધુ અભ્યાસ સાથે ઊજળા ભાવિનાં સપનાં જોઈ રહી હતી, પરંતુ એક દિવસ સ્કૂલ નજીક ટ્યૂશન માટે જતી યુવતીને પ્લમ્બરનું કામ કરતા શખસે રસ્તા વચ્ચે અટકાવીને મિત્રતા કેળવવાનું કહ્યું, પરંતુ આ યુવતીએ ઇનકાર કરતાં આરોપીએ ધાકધમકી આપી. બસ, એ દિવસથી શરૂ થયેલો અત્યાચાર આજ સુધી યથાવત્ છે. છેલ્લાં 10 વર્ષમાં યુવતી અંજારના નાગલપરના આરોપી ધર્મેશ રામજી ટાંક ઉર્ફે ધમા વિરુદ્ધ પોક્સો, મારામારી, હત્યાની કોશિશ, છેડતી અને માનસિક ત્રાસ સહિતની વિવિધ કલમો તળે કુલ 14 પોલીસ ફરિયાદ નોંધાવી ચૂકી છે.
છેલ્લી ફરિયાદ 12 ફેબ્રુઆરીએ નોંધાઈ
જોકે આમ છતાં આરોપી જામીન પર છૂટતો રહ્યો છે. છેલ્લે 12 ફેબ્રુઆરી, 2023ના રોજ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી કે બપોરના સાડાત્રણથી ચાર વાગ્યાના અરસામાં ધર્મેશ રામજી ટાંક આવ્યો હતો અને તેના હાથમાં છરી હતી તથા તે કહેતો હતો કે તે મારા વિરુદ્ધમાં જે કેસો કર્યા છે એ પાછા ખેંચી લે, નહીં તો હું તને તથા તારી બેનને જાનથી મારી નાખીશ. કેસો પાછા નહીં ખેંચે તો હજુ દુશ્મની વધશે એમ કહેતો અને મને મા-બેન સામી ભૂંડી ગાળો આપતો હતો. જેથી મેં તેને ગાળો ના આપવા જણાવતાં તે મારી સાથે ઉગ્ર અવાજમાં બોલવા લાગ્યો અને કહેતો હતો કે તમે બહુ બોલો નહીં, મારી પાસે ઘણા રૂપિયા છે, જે કેસમાં જ વાપરવા માટે રાખ્યા છે, મારું કંઈ થશે નહીં અને હું છૂટી જઈશ, એમ કહી મારા ઘરેથી મને તથા મારા ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ચાલ્યો ગયો હતો.
અનેક વખત હેરાન કરી
પાગલ પ્રેમીના ત્રાસની ક્યારથી શરૂઆત થઈ અને પછી શું શું કર્યું એ અંગે પીડિતાએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સગીર વયમાં અભ્યાસ બાદ ટ્યૂશનમાંથી ઘરે આવતી એ દિવસોથી મારો પીછો કર્યા બાદ એક વખત રસ્તા વચ્ચે રોકી મોબાઈલ ફોન સામે ધરીને મારી સાથે વાત કરજે, એમ કહ્યું, પણ હું ફોન ફેંકી ઘરે ભાગી ગઈ હતી. તેમ છતાં તે પીછો કરતો અને મોબાઈલ ફોન દેવા માટે જબરદસ્તી કરવા લાગ્યો હતો, પરંતુ મેં ફોન લેવાની ના કહી તો ઘરે પાસે પહોંચી જતો હતો, પરંતુ આસપાસના લોકોને જોઈ ઘર અંદર આવતો નહીં, જોકે ધીરે ધીરે તેની હિંમત વધી ગઈ એટલે ઘરે મમ્મીને વાત કરી. તેમ છતાં એ વખતની પતરાની ઓરડીમાં આવી ધાકધમકી અને છેડતી કરવા લાગ્યો. આમને આમ સંબંધ બાંધવાની ના કહેતાં તે ઉશ્કેરાઈને એસિડની બોટલ સાથે આવી ચડ્યો અને મારા પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ખુરસી પર એસિડ પડતાં એમાં થર જામી ગયા હતા.
પીડિતાની વ્યથા
પીડિતાએ કહ્યું, આમને આમ એક વખત તેણે મને છરી બતાવી મારી નાખવાની ધમકી આપીને જબરદસ્તી મને કિસ કરવા લાગ્યો,  જેનો પ્રતિકાર કરતાં તેણે મને ખૂબ માર માર્યો. આ અંગે ઘરે વાત કરી, ત્યારે મમ્મીએ એ વખતે(2017) આરોપી સામે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. રસ્તા વચ્ચે મળીને કેવી કેવી બીભત્સ માગ કરતો એ અંગે આપીવીતી વર્ણવતાં પીડિતાએ કહ્યું હતું કે ત્યાર બાદ શરૂ થયેલો આ અત્યાચાર ચાલતો જ રહ્યો છે, જ્યારે તેને મન થાય ત્યારે ઘર પાસે, રસ્તા વચ્ચે આવી છેડતી કરતો હતો, તું મારી સાથે લગ્ન કરી લે. ના કહેતાં તે ખૂબ માર મારતો હતો. હું તેને રડતાં રડતાં હાથ જોડી, મને છોડી દે, જવા દેની વિનંતિ કરતી રહેતી અને એ માર મારતો રહેતો. મારાં કપડાં ખેંચી ફાડવાનો પ્રયાસ કર્યો હતો.
‘મારે તને ઘરમાં બેસાડવી છે,  પીડિતાએ પોતાની વ્યથા વર્ણવતાં આગળ કહ્યું હતું કે ધર્મેશ દારૂનું વેચાણ અને ચોરી કરવાની ટેવ ધરાવે છે. વર્ષો પહેલાં તેના જ સમાજની વાડીમાંથી વાસણોની ચોરી કરી હોવાની ફરિયાદ પણ દાખલ થઈ હતી, મને આવીને કહેતો કે ‘મારે તને ઘરમાં બેસાડવી છે. . ચાલ... મારી સાથે. મેં મારા ઘરે પણ વાત કરી દીધી છે. મારા મા પણ કહે છે, તું તારે લઈ આવે.’ આમને આમ વર્ષોથી માનસિક ત્રાસ આપતો રહે છે. યુવતીની માતાએ  વાતચીતમાં જણાવ્યું હતું કે મારી દીકરી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. સમાધાનના પ્રયાસો કર્યા, પણ કંઈ ના થયું. સમાજના લોકોને વાત કરી, પણ સમાધાન માટે કહેવાયું એટલે માંડી વાળ્યું.
જામીન પર છુટ્યા બાદ ધમકી આપી
છેલ્લે, 2021ની આખરમાં છુટકારો મેળવવા વકીલની સલાહ પર કોર્ટમાં સમાધાન કર્યું. ત્યાર બાદ 14 જાન્યુઆરી 2022થી ફરી ડખો કરવા આવ્યો, ફરિયાદ કરવા પણ ગયા હતા, પરંતુ ફરિયાદ લેવાઈ ના હતી. 14 ફેબ્રુઆરીના ફરી રસ્તા વચ્ચે રોકી દીકરીને માર મારી નાસી ગયો હતો. છેલ્લે પાંચ માસ પૂર્વે છરી વડે હુમલો કરતાં માંડ માંડ ફરિયાદ નોંધાઈ અને જેલમાં હતો, પરંતુ એમાં જામીન મળ્યા એટલે ફરી ઘરે આવી મોટી દીકરીને કહેજો, જુબાની આપવા ના જાય, નહીંતર તેને અને તેના પતિના પગ ભાંગી નાખીશ, મારી પાસે 4 લાખ રૂપિયા પડ્યા છે. રૂ. 2 લાખ હજુ આવશે. તમારા પાછળ મારા ખૂબ રૂપિયા ખવડાવવામાં ખર્ચ થઈ ગયા છે. સમાધાન કરી નાખજો, નહીંતર મજા નહીં આવે.
આ કેસમાં આરોપી ધમાની જામીન અરજીની સુનાવણી દરમિયાન જામીન અરજી રદ કરવા માટે યુવતી અને વકીલે તેના ગુનાહિત ઇતિહાસ તથા પીડિતા પર થયેલા સતત અત્યાચારના આધારે અંજાર કોર્ટમાં અરજી કરી હતી કે જો તે જામીન પર છૂટશે તો ફરી હુમલો કરશે, પરંતુ અંજાર કોર્ટે તેમની વાંધા અરજી ફગાવી આરોપી ધમાને તા. 1 ફેબ્રુઆરીએ ફરી જામીન પર છોડી દીધો હતો. યુવતીએ  કોર્ટ સમક્ષ દર્શાવેલી દહેશત સાચી પડી અને આરોપી ફરી એક વખત ગત તા.12 ફેબ્રુઆરીએ યુવતીના ઘરે ધસી ગયો હતો. છરી બતાવી યુવતી અને તેની બહેનને જાનથી મારી નાખવાની ધમકી તેમજ ગાળો આપી ફરાર થઇ ગયો હતો. આમ, યુવતીને એક દાયકા કરતાં વધુ સમયથી ટોર્ચર કરવા છતાં સમાજ, સરકાર અને પોલીસ તંત્ર રક્ષણ આપવામાં કે ગુનેગારને નાથવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યાં હોય એવું લાગી રહ્યું છે
કાર્યવાહી માટેની પ્રક્રિયા શરૂ
આ બાબતે  અંજારના DySP મુકેશ ચૌધરીએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ  સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ કેસના આરોપી વિરુદ્ધ પોલીસ-તપાસ અને ફરિયાદીના નિવેદનના આધારે સખત કાર્યવાહી માટેની પ્રક્રિયા ચાલુ છે, જેના આધારે કોર્ટમાં પણ આરોપીને જામીન ના મળે એવી દરખાસ્ત મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગુજરાતના ગૃહ વિભાગના ઈ-ગુજકોપ મુજબ, ધમા વિરુદ્ધ 2014થી આજદિન સુધીમાં બળાત્કાર, હત્યાના પ્રયાસ, છેડતી, અપહરણ, મારામારી, ધાક-ધમકી આપવી, ઘરફોડ ચોરી, દારૂબંધી સહિતના 25 જેટલા જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી સામે અંજાર સિવાય રાજકોટ ડીસીબી પોલીસ મથક, આજી પોલીસ મથક, ભુજ બી ડિવિઝન, પધ્ધર, માંડવી અને માનકૂવા પોલીસ મથકમાં દારૂ, ચોરી, છેડતી, અપહરણ, પોક્સો, હત્યાની કોશિશ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી ધર્મેશના પરિવારની વાત કરીએ તો તેના પિતા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી છે અને તેઓ અંજારના નાગલપરમાં રહે છે, જ્યારે માતા ગૃહિણી છે, જ્યારે નાનો ભાઈ મનોદિવ્યાંગ છે અને એક અપરિણીત બહેન હોવાનું જાણવા મળે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.