Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતનો વેગવંતો વિકાસ, ૧૯૬૦-૨૦૨૨

આજે ગરવી ગુજરાતનો સ્થાપના દિવસ છે. ૧ મે, ૧૯૬૦ના રોજ બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આપણું ગુજરાત આગવું ગુજરાત બની રહ્યું છે. આપણું ગુજરાત એક અનોખું અને અદ્વિતીય અને બેજોડ રાજ્ય બન્યું છે. આપણું ગુજરાત સતત વિકસતું રહ્યું છે અને રહેશે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ આફતને અવસરમાં બદ
06:38 AM May 01, 2022 IST | Vipul Pandya
આજે ગરવી ગુજરાતનો સ્થાપના દિવસ છે. ૧ મે, ૧૯૬૦ના રોજ બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આપણું ગુજરાત આગવું ગુજરાત બની રહ્યું છે. આપણું ગુજરાત એક અનોખું અને અદ્વિતીય અને બેજોડ રાજ્ય બન્યું છે. આપણું ગુજરાત સતત વિકસતું રહ્યું છે અને રહેશે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ આફતને અવસરમાં બદલી નાંખે એ જ આપણું ગુજરાત. આફત એ ગુજરાતીઓ માટે બહુ મોટી વાત ક્યારેય રહી નથી. ગુજરાતીઓ સતત આફતોની વચ્ચે જ વિકસી રહ્યા છે. આપણે પ્રત્યેક આફતમાંથી વધારે પ્રગતિ તરફ ડગ માંડ્યા છે. આફતને તો આપણે “ ઘોરી ઘોરીને પી જઈએ છીએ” અને એટલે જ આપણે દરેક આફતમાં અવસર જોયો છે. આપણે આપણી સંસ્કૃતિ અનુસાર પ્રત્યેક આફતને ઉત્સવ બનાવીને ઉજવ્યો છે. 
આ ભગવાન કૃષ્ણનું ગુજરાત છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. આ હેમચંદ્ર - મેઘાણી અને મુન્શીનું ગુજરાત છે. આ વિક્રમ - વેંકી અને કસ્તુરીનું ગુજરાત છે. આ સયાજી - કૃષ્ણસિંહ અને ભગવતનું ગુજરાત છે. આ ભૂમિમાં વલ્લભાચાર્યજીએ ભક્તિને પ્રસારિત કરી છે. આ એ જ ભૂમિ છે જેને નરસિંહ - મીરાં અને ગોપાલે ભક્તિપદોથી સિંચિત કરી છે. આ જ ભૂમિમાં પ્રમુખસ્વામી અને પાંડુરંગે ઐક્ય સાધ્યું છે. આ એ જ ભૂમિ છે જ્યાં બ્રહ્માકુમારી - રવિશંકર અને રામદેવે માનસિક શાંતિ પ્રદાન કરી છે. આ રણછોડ- અંબાણી - અદાણીનું ગુજરાત છે. આ એ જ ગુજરાત છે જેને Philanthropic Capitalism એટલે કે મહાજન પરંપરાની ભેટ સમગ્ર વિશ્વને આપી છે. ગુજરાત જ અબજોપતિ ઉદ્યોગપતિને અને કરોડપતિ વેપારીને " મહાજન " બનાવી શકે. આફત આવે એટલે કુબેરના ભંડારો સામાન્ય લોકો માટે ખૂલી જાય એ મહાન પરંપરા ગુજરાતે આજ સુધી જાળવી છે.
 આધુનિક પેઢીના યુવા ગુજરાતીઓને પ્રશ્ન થશે કે ગુજરાત કોની કોની હતી ? તો આવો એનો જવાબ પ્રશ્ન સ્વરૂપે જ આપીએ.
 કૃષ્ણની કે સાત્યકીની ? રાજચંદ્રની કે હેમચંદ્રની ? 
ભગવતસિંહની કે સયાજીરાવની ? ગાંધીની કે ઝીણાની ? 
સરદારની કે મોરારજીની ? મુન્શીની કે મેઘાણીની ?
 દાદાભાઈની કે જમશેદજીની ? ભાભાની કે વિક્રમની ?
 રવિશંકરની કે યાજ્ઞિકની ? મણીબેનની કે ઇલાબેનની ? 
નર્મદની કે દલપતરામની ? અખાની કે પ્રેમાનંદની ? 
તારકની કે જ્યોતીન્દ્રની ? ચંદ્રકાન્તની કે ગુણવંતની ? 
અદાણીની કે અંબાણીની ? આઇજીની કે ઊર્જિતની ? 
મેઘનાદની કે ભીખુ પારેખની ? મોરારીબાપુની કે પ્રમુખસ્વામીની ?
 ચીમનભાઈની કે માધવસિંહની ? નરેન્દ્રની કે અમિતની ? 
ઉમાકાન્તની કે શંકરની ? અલ્પેશની કે હાર્દિકની ?
ગુજરાત કોની હતી પછી હવે ગુજરાતી કોણ એ ઓળખ પણ રસપ્રદ શબ્દોમાં જોઈએ. સવારના ૦૭ વાગ્યા હોય કે રાતના ૦૨ – સમયની પરવા કર્યા વગર ગાંઠીયા, ફાફડા અને દાળવડા ખાવા તૈયાર હોય એ ગુજરાતી જ હોય. બપોર પછી જાગવા માટે એલાર્મ મૂકે એ ગુજરાતી જ હોય. ગુજરાતીને ગરબા વગર કોઈપણ ઉજવણી અધૂરી જ લાગે. ભાવ - તાલ કરવામાં તો ગુજરાતીએ જન્મથી જ પીએચડી હાંસલ કરી છે. ગુજરાતીની બધા પ્રકારની વાતચીત “ કેમ છો ? મજામાં ને? ” થી શરૂ થાય અને " બોસ કોઈ સારું ઈન્વેસ્ટમેન્ટ બતાવો ” થી પૂરી થાય. ગમે તેટલી પગારની આવક હોય તો પણ તક મળે તો "સાઈડમાં" પોતાનો આગવો ધંધો કરવાનું ચુકે નહીં તે ગુજરાતી જ હોય. ગુજરાતીઓ માટે ઈલેક્ટ્રિસિટી ક્યારેય જતી નથી. માત્ર લાઈટ જ જાય છે. છાસ એ ગુજરાતી બીયર છે. ગુજરાતીની ફોન બુકમાં મોટાભાગના નામની પાછળ ભાઈ કે બેન શબ્દ લગાડેલો હોય, બિઝનેસ ક્લાસ ફ્લાઈટમાં પણ ઘરના બનાવેલા થેપલા , છુંદો અને અથાણું ખાવાનું પસંદ કરે એ ગુજરાતી જ હોય. ગુજરાતી દુનિયાના કોઈ પણ ગીત ઉપર ગરબો ગાઈ શકે. ભેલપુરી, પાણીપુરી કે સેવપુરી ખાધા પછી એક એક્સ્ટ્રા પુરી માગવાનું ક્યારેય ન ભૂલે એ ગુજરાતી જ હોય. વન બાય ટુ સૂપનો ઓર્ડર આપીને પોતાના ભાગમાં વધારે આવે એનું ધ્યાન રાખે એ જ સવાયો ગુજરાતી. ગુજરાતીને “ હિન્દી જરા ભી ફાવતા નહીં હૈ ". ૧૫ વર્ષના હો કે ૫૦ વર્ષના, ગુજરાતી માતા - પિતા તો કાયમ બેબી કે બાબો કહીને જ બોલાવે. પ્રત્યેક ગુજરાતીએ દેશના બંધારણને બહુ ગંભીરતાથી લીધું છે કારણ કે દરેકને ભાઈ અને બેન કહીને જ વાત શરુ કરે. 
મારે આધુનિક યુવા પેઢીને કહેવું છે કે આવા નોખા - અનોખા ગુજરાતે હંમેશા ભારત દેશને દિશા બતાવી છે. ગુજરાતની તાસીર અલગ છે, ગુજરાતના રીત - રીવાજો, સાહિત્ય, લોકગીતો, બાળગીતો, લગ્નગીતો, કવિતાઓ, ગઝલો, હઝલો, નઝમો, આધ્યાત્મિક સ્થાનો, પ્રાકૃતિક સ્થળો, ઐતિહાસિક સ્થળો સહિત તમામ વસ્તુ ગુજરાત પાસે અદભૂત છે.
આવા ગુજરાતની વિકાસગાથા બહુ જ અદ્વિતીય છે. હવે એ ગાથા પર નજર કરીએ. ભારતના માત્ર ૦૬ % જમીન અને તેની વસ્તીના માંડ ૦૫ % સાથે ગુજરાત દેશના જીડીપીના ૦૮ % અને તેની નિકાસમાં સરેરાશ લગભગ ૨૫ % હિસ્સો મેળવવામાં સફળ થયું છે. ૨૦૦૧થી ( અમુક અસાધારણ વર્ષોને બાદ કરતાં ) તેની વાર્ષિક ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ( GSDP ) વૃદ્ધિ સરેરાશ લગભગ ૧૦ % છે જે ભારત કરતાં વધુ ઝડપી છે. જો ગુજરાત દસ મિલિયનથી વધુ વસ્તી ધરાવતો દેશ હોય તો તે ચીન અને દક્ષિણ કોરિયા પછી વિશ્વનો ત્રીજો સૌથી ઝડપી વિકાસ દર ધરાવતો દેશ હોત. આ એક અસાધારણ સિદ્ધિ છે. 
ગુજરાતને આ અસાધારણ વિકાસ સાધવામાં મદદ કરનાર કયા પરિબળો હતા? શું તે ભૌગોલિક પરિસ્થિતિ, ગુજરાતીઓની મૂળ ઉદ્યોગસાહસિકતા, વાણિજ્ય અને વેપારમાં ઐતિહાસિક ધાર હતી કે માત્ર સુશાસન? ગુજરાતના વિકાસના કારણોની ખુબ જ વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. શું સત્ય હકીકત એ છે કે ગુજરાત પાસે સૌથી લાંબો દરિયાકિનારો છે ( ૧૬૦૦ કિમી ) તેને ઝડપી વિકાસમાં ફાળો આપ્યો? અરબી સમુદ્રમાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવતું ગુજરાત સદીઓથી એક અવિભાજ્ય સ્થાનિક વેપાર કેન્દ્ર તરીકે સેવા આપે છે એ હકીકતથી કોઈ આંખ આડા કાન કરી શકશે નહીં. ભારતમાં મોટાભાગના દરિયાકાંઠાના રાજ્યોએ ઊંચી વૃદ્ધિ દર્શાવી છે એ પણ એક વાસ્તવિકતા છે. દરિયાકાંઠાના રાજ્યમાં વધુ વૈશ્વિક પહોંચ તેમજ ઓછા પરિવહન ખર્ચ - આ બે ફાયદા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળ જેવા અન્ય દરિયાકાંઠાના રાજ્યોએ પણ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ ગુજરાતની જેમ ઝડપી વિકાસ ટકાવી રાખવો તે સરળ નથી. ભારતના દરિયાઈ કાર્ગોમાંથી લગભગ ૨૫ % ગુજરાતના બંદરો પરથી પસાર થાય છે.
 ગુજરાત વિશ્વમાં પ્રોસેસ્ડ હીરાનું સૌથી મોટું ઉત્પાદક છે જે વિશ્વના પ્રોસેસ્ડ હીરાના ૭૨ % હિસ્સો અને ભારતની હીરાની નિકાસમાં ૮૦ % હિસ્સો ધરાવે છે. ભારતના ડેનિમ ઉત્પાદનમાં ૭૦ % ના યોગદાન સાથે ગુજરાત દેશમાં ડેનિમનું સૌથી મોટું ઉત્પાદક અને વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક છે. ગુજરાતમાં ૩,૩૦૦ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન એકમો છે જે ભારતના ફાર્મા સેક્ટરના ટર્નઓવરમાં સરેરાશ ૩૫ % અને ભારતની ફાર્મા નિકાસમાં લગભગ સરેરાશ ૩૦ % યોગદાન આપે છે. 
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ ( DPIIT ) અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં સૌથી વધુ એફડીઆઈ ( ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ) યુએસ $ ૨૧.૮૯ બિલિયન મળ્યું હતું અને તે તમામ રાજ્યોમાં ૩૦ % ના ઇક્વિટી પ્રવાહ સાથે ટોચ પર હતું. ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા સ્થાપિત મોટી રિફાઇનિંગ ક્ષમતાની હાજરીને કારણે ગુજરાતને ભારતની પેટ્રોલિયમ રાજધાની ગણવામાં આવે છે. અંકલેશ્વર, મહેસાણા, તાપ્તી હાઈ, હજીરા, ભરૂચ, ગાંધાર, દહેજ, જંબુસર, પાલેજ અને કલોલ ખાતે તેલ અને ગેસના ભંડાર આવેલા છે. અમદાવાદની આસપાસ અલગ ગેસ ફિલ્ડ આવેલા છે. ૧૯૬૦માં ૩૫૦ મેગાવોટથી વધીને હાલમાં ગુજરાતમાં કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા ૩૮,૨૫૫ મેગાવોટ છે. 
અહીં ૪૨ બંદરો, ૧૮ સ્થાનિક એરપોર્ટ અને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. ૧૦૬ પ્રોડક્ટ ક્લસ્ટર અને ૬૦ નોટિફાઇડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ( SEZ ) છે. યુએસ $ ૯૦ બિલિયનના દિલ્હી - મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ( DMIC ) ના ભાગરૂપે ગુજરાતમાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે. ગુજરાતી ઉદ્યોગસાહસિક ભાવનાના કારણે ગુજરાતને ૧૯૮૦-૮૧માં માત્ર સાતમા સૌથી ધનાઢ્ય રાજ્યમાંથી હાલમાં ત્રીજા સૌથી ધનાઢ્ય રાજ્યમાં ( માથાદીઠ જીએસડીપીની દ્રષ્ટિએ ) લાવવામાં મદદ કરી. ગુજરાતીઓ સદીઓથી સમગ્ર ભારતમાં વ્યવસાયોમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ડાયસ્પોરામાં ગુજરાતી ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ છે.
ગુજરાત ભૂતકાળમાં પણ સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાં સ્થાન ધરાવતું આવ્યું છે. ઓછો વરસાદ હોવા છતાં તેણે ખેતીમાં પ્રગતિ કરી છે. પંજાબ અને હરિયાણાથી વિપરીત, જે રાજ્યોએ સરકારી સમર્થન સાથે પ્રથમ હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી હતી, ગુજરાતનું કૃષિ પરિવર્તન બજારના માર્ગે થયું હતું. કપાસ, તેલીબિયાં અને તમાકુ જેવા રોકડિયા પાકોએ ખેતીની વૃદ્ધિ પર પ્રભુત્વ જમાવ્યું. દૂધની ક્રાંતિ અને માછલીની મોટા પાયે નિકાસ, બાગાયતમાં વૃદ્ધિના કારણે કૃષિ ઉત્પાદકતામાં તીવ્ર વધારો થયો. ૧૦ % કરતાં વધારે ઊંચો વિકાસ દર પાણીની અછત હોવા છતાં હાંસલ કરીને કૃષિ ગુજરાત માટે ટર્નઅરાઉન્ડ સિદ્ધ થયું.
 જીએસડીપીની વૃદ્ધિ, શિક્ષણ, આરોગ્ય અને અન્ય મુખ્ય શ્રેણીઓમાં ગુજરાતે કેટલું સારું પ્રદર્શન કર્યું છે તે અન્ય રાજ્યો સાથે તેની કામગીરીની તુલના કરીને શ્રેષ્ઠ મૂલ્યાંકન કરી શકાય છે. ખાસ કરીને, સામાજિક - આર્થિક વિકાસની દ્રષ્ટિએ તેની સૌથી નજીકના રાજ્યો કયા છે તે જોવું અનિવાર્ય છે. જો વર્ષ ૨૦૦૦ને ' બેઝ ' વર્ષ તરીકે લેવામાં આવે તો સૂચકાંકોની વિશાળ શ્રેણીમાં ગુજરાત આ છ રાજ્યો - હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ અને તમિલનાડુની સૌથી નજીક છે. તેમાંથી ત્રણ ગુજરાત જેવા દરિયાકાંઠાના રાજ્યો છે.
સમગ્ર રાજ્યને ત્રણ પ્રદેશોમાં વિભાજિત કરીને વિશ્લેષણ કરીએ. આ ત્રણ પ્રદેશો છે : પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વીય કોરિડોર. વિકાસના સ્તરે મધ્ય ગુજરાત શ્રેષ્ઠ છે. તે ત્રણ પ્રદેશોમાં સૌથી વધુ સુધારો પણ દર્શાવે છે. આ તારણ આવક, આરોગ્ય અને શિક્ષણમાં ઉપલબ્ધિઓ પર આધારિત છે. પશ્ચિમ ગુજરાત અને પૂર્વીય કોરિડોર અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
જ્યારે સર્વસમાવેશી વિકાસ અને સર્વગ્રાહી વિકાસની વાત હોય કે સામાજિક ક્ષેત્રના વિકાસની વાત હોય ત્યારે ગુજરાત થોડું પાછળ પડતું લાગે છે. ગુજરાત આર્થિક વિકાસમાં ' મોડલ રાજ્ય ' છે પરંતુ સામાજિક ક્ષેત્રના વિકાસમાં ' મધ્યમ રાજ્ય ' છે. કૃષિ અને મેન્યુફેક્ચરિંગ બંને ક્ષેત્રે વૃદ્ધિ બે આંકડામાં છે, પરંતુ ભારતના ૨૦ મોટા રાજ્યોમાં તમામ મુખ્ય સામાજિક ક્ષેત્રના રેન્કિંગમાં ગુજરાતનું રેન્કિંગ હંમેશા ૦૯ અને ૧૨ ની વચ્ચે છે. શિક્ષણ, આરોગ્ય અને અન્ય સામાજિક ક્ષેત્રોના વિકાસમાં થોડી અડચણો હોવાના કારણે આ ક્ષેત્રોમાં ગુજરાતે હવે આવનારા વર્ષોમાં ઘણું કાર્ય કરવાનું થશે. ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રના નેતૃત્વ માટે નોંધપાત્ર વૃદ્ધિ દરની સાથે સર્વસમાવેશી વૃદ્ધિ લાવવાના માર્ગો શોધવાનો એક પડકાર ઊભો છે.
ગુજરાતે સમગ્ર દેશમાં આગવું સ્થાન બનાવવું હશે તો આવનારા વર્ષોમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વ્યાપક સુધારાઓ કરીને વ્યાપક રોકાણ કરવું પડશે. રાજ્ય એકલું આ ભગીરથ કાર્ય કરી શકશે નહીં. ગુજરાતે તેની મહાજન પરંપરાને ઉજાગર કરીને ઉદ્યોગોનો સહયોગ લઈને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રને બહુ જ મજબૂત બનાવવું પડશે. અન્ય સામાજિક ક્ષેત્રોના વિકાસમાં એનજીઓનો સહયોગ લઈને ક્રાંતિકારી સુધારાઓ લાવવા પડશે. 
ગુજરાતે દર્શાવ્યું છે કે તે લાંબા સમય સુધી સતત ઝડપી વૃદ્ધિ હાંસલ કરી શકે છે. ગુજરાત માટે હવે પછીની વ્યૂહરચના તેની શિક્ષણ પ્રણાલી, આરોગ્યસંભાળ અને અન્ય સામાજિક ક્ષેત્રોને યુદ્ધના ધોરણે સુધારવાની હોવી જોઈએ કારણ કે આ તેના વિકાસમાં અવરોધો બની શકે છે. સરકારે પૂર્વીય કોરિડોર અને પશ્ચિમ ગુજરાતના આર્થિક - સામાજિક પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગુજરાતે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા આદિવાસી, દલિત અને અલ્પસંખ્યક સમુદાયો - કે જેઓ વિકાસના ફળથી વંચિત રહ્યા છે - તેઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા પડશે. આનાથી સર્વસમાવેશક વિકાસ થશે અને અસમાનતા ઘટશે. 
Tags :
adaniambaniAMITSHAHDMICDPIITGandhijiGujaratGujaratFirstNarendraModiSardarPatelSEZzaverchandmeghani
Next Article