2024ની ચૂંટણી PM મોદીની આગેવાનીમાં લડાશે, ફરી બનશે PM
2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી તૈયારી આરંભી દીધી છે. રવિવારે પટનામાં ભાજપના સાત મોરચાની સંયુક્ત રાષ્ટ્રીય કાર્યકારિણીની સમાપન બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. અમિત શાહે પણ સભાને સંબોધી હતી.
2024ની ચૂંટણી પીએમ મોદીના નેતૃત્વમાં લડવામાં આવશે- અરુણ કુમાર
બિહારમાં ભાજપ-જેડી યુ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે પટનામાં કહ્યું કે 2024ની ચૂંટણી પીએમ મોદીના નેતૃત્વમાં લડવામાં આવશે. તેમણે કહ્યું કે મોદી ફરી વાર દેશના વડાપ્રધાન બનશે.
બિહારમાં ભાજપ અને જેડીયુએ સાથે મળીને ચૂંટણી લડશે
અરુણ કુમારે એવું પણ કહ્યું કે બિહારમાં ભાજપ અને જેડીયુ 2024 તેમજ 2025 ચૂંટણી સાથે લડવાનું નક્કી કર્યું છે. ભાજપ ગત લોકસભા ચૂંટણી કરતા 2024ની લોકસભામાં વધુ સીટો જીતશે. નીતિશ કુમાર 2025 સુધી બિહારના મુખ્યમંત્રી રહેશે. ભાજપ બિહાર વિધાનસભાની ચૂંટણી પણ જેડીયુની સાથે જ લડશે.
એનડીએમાં કોઈ મતભેદ નથી
અમિત શાહને ટાંકીને બ્રીફિંગ કરતા અરુણ કુમારે એવું જણાવ્યું કે બિહાર એનડીએમાં કોઈ મતભેદ નથી. ભાજપ ગઠબંધન ધર્મનું પાલન કરવાનું જાણે છે અને પોતાના સાથીઓને હંમેશા સન્માન આપે છે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું.
મોદી સરકારમાં ગરીબ, પછાત અને વંચિતોને તક મળી
અમિત શાહે કહ્યું કે, દેશના ઇતિહાસમાં પહેલીવાર મોદી સરકારમાં ગરીબ, પછાત અને વંચિતોને આગળ વધવાની તક આપવામાં આવી રહી છે. અમારી સરકારમાં દરેક સમુદાયના મંત્રીઓ છે. તેમાં પછાત, અતિ પછાત, આદિવાસી અને દલિત સમુદાયના મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.