નરેન્દ્ર મોદી અને જો બાઇડેન વચ્ચે વર્ચ્યુઅલ મુલાકાત, યુક્રેન સંકટ પર થઇ વાત, જાણો બીજી શું ચર્ચા થઇ?
વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે વર્ચ્યુઅલ મુલાકાત થઈ હતી. આ બેઠકમાં વૈશ્વિક સંકટ, કોરોના મહામારી અને જળવાયુ સંકટ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરીને બુચા હત્યાકાંડની નિંદા પણ કરી છે. યુક્રેન સંકટ ઉપરાંત દક્ષિણ એશિયાનો વિકાસ, ઈન્ડો-પેસિફિકની સ્થિતિ અને દ્વિપક્ષીય સહયોગ આ ચર્ચાના મહત્વના મુદ્દા
વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે વર્ચ્યુઅલ મુલાકાત થઈ હતી. આ બેઠકમાં વૈશ્વિક સંકટ, કોરોના મહામારી અને જળવાયુ સંકટ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરીને બુચા હત્યાકાંડની નિંદા પણ કરી છે. યુક્રેન સંકટ ઉપરાંત દક્ષિણ એશિયાનો વિકાસ, ઈન્ડો-પેસિફિકની સ્થિતિ અને દ્વિપક્ષીય સહયોગ આ ચર્ચાના મહત્વના મુદ્દા રહ્યા છે.
યુક્રેનની સ્થિતિ ચિંતાજનક
રાષ્ટ્રપતિ બિડેન સાથે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘આજની આપણી વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેનની સ્થિતિ ઘણી ચિંતાજનક છે. થોડા અઠવાડિયા પહેલા સુધી 20,000થી વધુ ભારતીયો યુક્રેનમાં ફસાયેલા હતા. ઘણી મહેનત બાદ અમે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ થયા છીએ. જો કે અમારા એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે.’
બુચા શહેરમાં હત્યાના બનાવો ચિંતાજનક છે
નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું ‘મેં યુક્રેન અને રશિયા બંનેના રાષ્ટ્રપતિઓ સાથે ઘણી વખત ફોન પર વાત કરી છે. મેં તેમને માત્ર શાંતિ માટે અપીલ નથી કરી, પરંતુ મેં રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીત કરવાનું પણ સૂચન કર્યું હતું. અમારી સંસદમાં પણ યુક્રેનના વિષય પર ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.’ યુક્રેનના બુચા શહેરમાં થયેલા નરસંહારનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘તાજેતરમાં બુચા શહેરમાં નિર્દોષ નાગરિકોની હત્યાના સમાચાર ખૂબ જ ચિંતાજનક હતા. અમે તેની તાત્કાલિક નિંદા કરી છે અને નિષ્પક્ષ તપાસની માંગણી પણ કરી છે. અમને આશા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીત શાંતિ તરફ દોરી જશે.’
ભારત અને અમેરિકા કુદરતી ભાગીદાર
નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘જ્યારે હું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકા આવ્યો હતો, ત્યારે તમે કહ્યું હતું કે ભારત-અમેરિકાની ભાગીદારી ઘણી વૈશ્વિક સમસ્યાઓના ઉકેલમાં યોગદાન આપી શકે છે. હું તમારી વાત સાથે સંપૂર્ણપણે સંમત છું. વિશ્વની બે સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી તરીકે આપણે કુદરતી ભાગીદાર છીએ અને વર્ષોથી આપણા સંબંધોમાં થયેલી પ્રગતિ એક નવી ગતિ બની છે. આજથી એક દાયકા પહેલા આવી કલ્પના કરવી મુશ્કેલ હતી. તમે તમારા કાર્યકાળની શરૂઆતમાં ખૂબ જ મહત્વપૂર્ણ સૂત્ર આપ્યું હતું - ડેમોક્રેસીસ કેન ડિલિવર. ભારત-યુએસ ભાગીદારીની સફળતા એ આ સૂત્રને અર્થપૂર્ણ બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ વર્ષે ભારત તેની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે અને અમે અમારા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની પણ ઉજવણી કરી રહ્યા છીએ. મને ખાતરી છે કે અમેરિકા સાથેની અમારી મિત્રતા આગામી 25 વર્ષ સુધી ભારતની વિકાસ યાત્રાનો અભિન્ન હિસ્સો બની રહેશે.’
જો બાઇડેને શું કહ્યું?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે સંરક્ષણના ક્ષેત્રમાં આપણા બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારી છે. વધુમાં તેમણે કહ્યું કે તેઓ યુક્રેનના લોકો પ્રત્યે ભારતના માનવતાવાદી સમર્થનને આવકારે છે. આપણે આગળ પણ ચર્ચા કરવાનું ચાલુ રાખીશું. આ આપણા સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવશે. 24 મેની આસપાસ જાપાનમાં ક્વોડ સમિટ છે. હું આશા રાખું છું કે 24મી મેના રોજ જાપાનમાં તમારી સાથે મુલાકાત થશે.
Advertisement