સુપ્રીમે મંત્રીપુત્ર આશિષ મિશ્રાના જામીન રદ્દ કર્યા, એક સપ્તાહની અંદર સરેન્ડર કરવા આદેશ
સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન રદ્દ કરી છે. આ સાથે જ કોર્ટે આશિષ મિશ્રાને એક સપ્તાહની અંદર સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે, જેના પર લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરે વિરોધ કરી રહેલા ખેડૂતોને કાર વડે કચડી નાખવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે 10 ફેબ્રુઆરીએ આશિ
Advertisement
સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન રદ્દ કરી છે. આ સાથે જ કોર્ટે આશિષ મિશ્રાને એક સપ્તાહની અંદર સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે, જેના પર લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરે વિરોધ કરી રહેલા ખેડૂતોને કાર વડે કચડી નાખવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે 10 ફેબ્રુઆરીએ આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા. ત્યારે કોર્ટના આ નિર્ણય સામે સવાલ પણ ઉઠ્યા હતા.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
આ કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આશિષ મિશ્રાને જામીન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે પીડિત પક્ષનું ધ્યાન નથી રાખ્યું અને પોતાના અધિકારક્ષેત્રનું અતિક્રમણ કરીને આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને જામીન આપવા માટે હાઇકોર્ટે જે FIR તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટની અપ્રસ્તુત વિગતો પર આધાર રાખ્યો તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.
અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ દલીલ કરી હતી કે હાઇકોર્ટે SITના રિપોર્ટ તેમજ ચાર્જશીટની અવગણના કરી હતી. આરોપો ગંભીર છે અને સાક્ષીઓના જીવને ખતરો છે તેમ કહીને તેણે જામીન રદ્દ કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 3 ઓક્ટોબરે યૂપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની લખીમપુર ખેરી મુલાકાત સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન એસયુવી દ્વારા કચડાઈ જતાં ચાર ખેડૂતોના મોત થયા હતા. આ કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાનું નામ સામે આવ્યું હતું. આ પછી પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો.
10 ફેબ્રુઆરીએ જામીન મળ્યા હતા
ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે 4 એપ્રિલે આશિષ મિશ્રાની જામીન રદ્દ કરવાની અરજી પર સુનાવણી કરી હતી. તે સમયે તેમણે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તે પહેલા 10 ફેબ્રુઆરીએ અલ્હાબાદ હાઈકોર્ટે આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા. આ નિર્ણયને પડકારતાં લખીમપુર ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મુદ્દે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે.
કેસને ફરી હાઇકોર્ટમાં મોકલાયો
આ સાથે સુપ્રીમ કોર્ટે ફરી વખત આ કેસને હાઈકોર્ટ સમક્ષ મોકલી દીધો છે. કોર્ટે કહ્યું કે જો આ કેસમાં કોઈ નવો મુદ્દો ઉભો થાય તો અલ્હાબાદ હાઈકોર્ટમાં જ અપીલ દાખલ કરવી જોઈએ. નોંધનીય છે કે લખીમપુર ખેરી હિંસા કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ જ SITની રચના કરવામાં આવી હતી. પોતાની તપાસમાં SITએ લખીમપુર ઘટનાના મુખ્ય આરોપી અને કાવતરાખોર તરીકે આશિષ મિશ્રાનું નામ આપ્યું હતું.