'મુગલે- આઝમ' અનેક અર્થમાં હિન્દી ફિલ્મ ઈતિહાસમાં ઐતિહાસિક
60ના દશકમાં આવેલી ફિલ્મ “મુગલેઆઝમ” અનેક અર્થમાં હિન્દી ફિલ્મ ઈતિહાસમાં ઐતિહાસિક બની રહી છે. "જબ પ્યાર કિયા તો ડરના ક્યા” આ ગીતની રચના પાછળનો એક નાનકડો ઈતિહાસ વાગોળીએ.
ફિલ્મ નિર્માતા કે.આસિફ, સંગીતકાર નૌશાદ અને ગીતકાર શકીલ બદાયુની એક રાત્રે સાથે બેસીને આ શ્રેષ્ઠ ગીતની રચનાની બાકી રહી ગયેલી અંતિમ લાઈન પૂરી કરવા માટે વિચાર કરવા બેઠા હતા. શહેનશાહ અકબરની સામે એક તવાયફ બળવો પોકારે છે અને સત્તા સામે પ્રેમના આધિપત્યના મહત્વનું મહિમા ગાન કરે છે તે આ ગીત ફિલ્માવવાનું હતું. ગીત “જબ પ્યાર કિયા તો ડરના ક્યા” લગભગ પૂરું લખાઈ ગયું હતું બસ એક ચોટદાર છેલ્લી લીટીની ખોટ વર્તાતી હતી.
ગીતકાર સહીત સંગીતકાર નૌશાદ અને નિર્માતા કે.આસિફ સાથે મળીને એ ગીતની છેલ્લી પંક્તિ માટે વિચાર વિમશ કરતા રહ્યા. આજ મુદ્દા ઉપરની ચર્ચામાં અનેક વૈકલ્પિક પંક્તિઓ આવી પણ ત્રણેય મહાનુભાવોને સંતોષ થતો નહોતો, એમ કરતા કરતા રાત વીતી ગઈ અને પરોઢનો સમય આવી પહોંચ્યો.
એ વખતે દૂરની એક મસ્જીદમાંથી સવારની નમાજ માટેની “અજાન”નો સ્વર સંભળાયો. ખબર નહિ કેમ એ અજાનના સ્વરે ગીતકાર શકીલને જાણે કે કોઈ પ્રેરણા મળી હોય તેમ તેમના મનમાં એક પંક્તિ જન્મી “પરદા નહિ જબ કોઈ ખુદાસે, બંદો સે પરદા કરના કયા?” શકીલ સાહેબે પંક્તિ બંને મિત્રોને સંભળાવી અને ત્રણેય મિત્રો અત્યંત ભાવુક થઇને લગભગ નાચી ઉઠ્યા.
એક ગીતની એક પંક્તિ માટેની આવી સાધના, શિસ્ત, સંયમ, ધીરજ અને પરિશ્રમને કારણે એ ગીત અને એ પંક્તિ ફિલ્મ મુગલે આઝમની સફળતામાં કારણ બની. આજે પણ એ ગીત અને એ પંક્તિ કોઈપણ વ્યક્તિને ઝકૃત કર્યા વિના રહેતી નથી.