ગૌ આધારિત કૃષિ-ગ્રામ અર્થવ્યવસ્થાનું જીવંત ઉદાહરણ એટલે વોરાકોટડાનું ‘ગીર ગૌ કૃષિ જતન સંસ્થાન’
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ગુજરાતમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી સાથે ગાય આધારિત કૃષિ-ગ્રામ અર્થવ્યવસ્થાની પ્રવૃત્તિઓને વેગ આપી રહી છે. સરકારના આ યજ્ઞમાં સ્વયંસેવી સંગઠનો, ગૌ શાળાઓ તેમજ નાગરિકો પણ જોડાઈ રહ્યા છે. ગોંડલ નજીક વોરાકોટડામાં આવેલું ‘ગીર ગૌ કૃષિ જતન સંસ્થાન’ (ગૌશાળા) આ દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. અહીં ગૌ આધારિત કૃષિ તેમજ વિવિધ ઉત્પાદનોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં ૧૨૫ જેટલા લોકોને રોજગારી પણ મળી રહી છે. આ સંસ્થાનના સંચાલક રમેશભાઈ રૂપારેલિયા પોતાના અનુભવોના આધારે સ્પષ્ટ રીતે જણાવે છે કે, “ગૌ આધારિત કૃષિ-ગ્રામ અર્થવ્યવસ્થા શક્ય છે અને તેનાથી ગ્રામીણ વિસ્તારોનું ભવિષ્ય ખૂબ ઊજ્જ્વળ છે.”
કેવી રીતે તેઓ ગૌ કૃષિ તરફ વળ્યા? એ અંગે રમેશભાઈ કહે છે કે, તેઓના બાપ-દાદા સાંઢવાયા ગામે ગોપાલન સાથે ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. જો કે એ વિસ્તારમાં વરસાદ નહિવત હોવાના કારણે ખેતી નિષ્ફળ જતી અને ખૂબ જ દેવું થઈ જતાં, જમીન-ઘરેણા બધું વેચીને તેઓ વર્ષ ૨૦૦૬ના અરસામાં ગોંડલના વોરાકોટડા ખાતે સ્થળાંતરિત થયા. એ સમયે તેઓ પાસે બળદની એક જોડી, ગાય અને વાછરડું જ હતા. તેમણે ૨૫ વીઘા જમીન ભાડાપટ્ટે વાવવા માટે રાખી તેમાં ખેતી કરતા હતા. એ સમયે ઘણા ખેડૂતો ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા. પરંતુ આર્થિક ખેંચ હોવાથી રમેશભાઈનો પરિવાર ગૌમૂત્ર, ગોબરનું ખાતર બનાવીને તેનાથી જ ખેતી કરતા હતા.
છતાં અન્ય ખેડૂતોની તુલનામાં તેમની ખેતીનું ઉત્પાદન પણ લગભગ સમાન જ રહેતું. ઉપરાંત ગૌ-કૃષિથી જમીનની ફળદ્રુપતા વધી, સાથે ઉત્પાદનોની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની જોવા મળતી હતી. આથી તેઓએ ગૌમૂત્ર-ગોબરનો જ ખેતીમાં ઉપયોગ ચાલુ રાખ્યો હતો. વર્ષ ૨૦૧૦માં ભાડાપટ્ટાની જમીનમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું અને આશરે ૩૫ લાખ રૂપિયા જેવી આવક થઈ હતી. આથી તેમનું આર્થિક સંકટ હળવું બન્યું હતું. આ સાથે રમેશભાઈએ એવો નિર્ધાર કર્યો કે, હવેથી તેઓ ગૌ આધારિત ખેતી જ કરશે અને ગૌ અર્થવ્યવસ્થાને જ પ્રાધાન્ય આપશે. ડુંગળીના મબલખ ઉત્પાદન સાથે રમેશભાઈનો પરિવાર અને તેમની ખેતી પદ્ધતિ સૌના ધ્યાને આવી અને અનેક લોકો તેમની પાસે ગૌ આધારિત ખેતીનું માર્ગદર્શન લેવા પ્રેરાવા લાગ્યા. ખેડૂતો રમેશભાઈને ગામડે-ગામડે માર્ગદર્શન માટે બોલાવવા લાગ્યા.
સમયની સાથે રમેશભાઈએ વોરાકોટડા નજીક ૧૦ વીઘા જમીન ખરીદી તેના પર ગીર ગાયોની ગૌશાળા ઊભી કરી. કૃષિ સાથે ગૌ આધારિત ઉત્પાદનોની સાથોસાથ તેઓ ગાયોની સંખ્યા પણ વધારવા લાગ્યા. આજે તેમની પાસે ૧૮૦ જેટલી ગીર ગાયો-ગૌ વંશ છે. જેમાં બીમાર અને દુબળી ગાયોની સેવા કરીને તેમને તંદુરસ્ત બનાવાઈ છે.રમેશભાઈ કહે છે કે,ગાયનું દૂધ ઉત્તમ અને ગુણકારી તો હોય છે પરંતુ થોડું પાતળું હોવાથી કેટલાક લોકોને ફાવતું નહોતું. આથી ગાયનું ઘી બનાવવાનું શરૂ કર્યું અને તેમાં ઔષધિઓનું મિશ્રણ કરીને ઘીને વધુ મૂલ્યવર્ધિત બનાવ્યું. આજે રમેશભાઈના સંસ્થાનમાં ૧૨૫ જેટલા લોકો કામ કરી રહ્યા છે અને ગૌ આધારિત ૨૨૫ જેટલા વિવિધ પ્રકારનાં પંચગવ્ય ઉત્પાદનો થાય છે.
ગૌ કૃષિનું ઉદાહરણ આપતાં રમેશભાઈ કહે છે કે, અમે ૧૯ વર્ષથી ગૌ આધારિત ખેતી જ કરીએ છીએ અને અમારા ખેતરના પાકોમાં કોઈ રોગ આવ્યો નથી. આશરે પાંચેક વર્ષ અગાઉ મગફળીમાં સુકારાનો રોગ આવ્યો ત્યારે આસપાસના ખેતરોમાં મગફળીના છોડ સુકાઈ ગયા હતા. પરંતુ અમારા ખેતરમાં એક છોડને પણ સુકારાની અસર નહોતી થઈ.
રમેશભાઈ કહે છે કે, તેમની પાસે અનેક લોકો માર્ગદર્શન લેવા આવે છે. અત્યાર સુધીમાં ૨૫થી વધુ દેશના ખેડૂતો-પશુપાલકો-અધિકારીઓ-પ્રતિનિધિઓ પણ તેમની પાસેથી ગૌ ઉછેર, ગૌકૃષિ અને ગૌ-અર્થવ્યવસ્થાની તાલીમ લઈ ગયા છે.
અનુભવના આધારે તેઓ કહે છે કે, ગૌ-માતાની સેવા અને આશીર્વાદથી જ અમે આગળ આવ્યા છીએ. ગાયમાં દેવત્વ છે. પ્રાચીન સમયમાં ગાય એ ગ્રામીણ વિસ્તારોમાં અર્થવ્યવસ્થાના કેન્દ્રમાં હતી. આજે પણ ગૌ આધારિત કૃષિ અને ગ્રામ-અર્થવ્યવસ્થાનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. તેઓ આસપાસના ગામોના યુવાનો-પશુપાલકોને પણ ગૌ-કૃષિ અને ગૌ-અર્થવ્યવસ્થા માટે પ્રેરિત કરે છે. તેઓ કહે છે, આમાં ઉતાવળ ના ચાલે. અહીં સફળતાનો કોઈ શોર્ટકટ નથી. થોડી ધીરજ સાથે જો ગાયોનો ઉછેર-સેવા કરીને કામ કરવામાં આવે, તો સારા પરિણામો ચોક્કસ મળે જ છે.