21 જુલાઇનો દિવસ ગુજરાત વિધાનસભા માટે ખાસ, આ વિદ્યાર્થીનીઓ હશે એક દિવસના અધ્યક્ષ
21મી જુલાઇનો દિવસ ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. આ દિવસે વિધાનસભાનાં ઇતિહાસમાં પ્રથમ વખત ગૃહને ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં, પરંતુ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ માટે તમામ કાર્યવાહી સાથે ચલાવશે. જે માટે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો મુજબ 182 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. ગૃહનું સંચાલન, સ્પીકર તરીકે પસંદગી પામેલી વડોદરાની 12માં ધોરણની વિદ્યાર્થિની કરશે.આ દેશની મહાન લોકશાહીને આજનો યુવા નજીકથી સમજી શકે અને તેનો જાત અનુભવ કરી શકે તે માટે ગુજરાત સરકારે પહેલ કરી છે. સરકારની કામગીરી અને ધારાસભ્યો દ્વારા ઉઠાવાતા જનતાનાં પ્રશ્નોને આજનો યુવા રૂબરૂ સમજી અને જાણી શકે તે માટે સરકાર દ્વારા એક દિવસીય યુવા વિધાનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 21 જુલાઇએ આ વિશેષ આયોજન ગુજરાત વિધાનસભા ખાતે યોજાશે. જેમાં એક દિવસ માટે વિદ્યાર્થીઓ જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિપક્ષ નેતા, ગૃહમંત્રી, મહેસૂલ મંત્રી, કાયદા મંત્રી, સહિત તમામ ખાતાઓના મંત્રી બનશે. એટલું જ નહીં રાજ્યની તમામ 182 બેઠકો પ્રમાણે 182 વિદ્યાર્થીઓની પણ સાંસદ તરીકે પસંદગી કરવામાં આવી છે.. ગુરૂવારે યોજાનારી આ ઐતિહાસિક યુથ એસેમ્બ્લીનું સંચાલન વડોદરાની મિશ્રી શાહ કરશે. નવરચના ઇન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થિની મિશ્રી શાહને વિધાનસભાનો સર્વોચ્ચ હોદ્દો આપવામાં આવ્યો છે. 12માં ધોરણમાં અભ્યાસ કરતી મિશ્રીને આ યુથ એસેમ્બ્લીની સ્પીકર તરીકે પસંદ કરવામાં આવી છે. રાજકારણમાં શરૂઆતથી જ રસ ધરાવતી મિશ્રીએ આને જીવનનાં રોમાંચક અનુભવમાંનો એક ગણાવ્યો. પસંદગી પ્રક્રિયાથી માંડીને તૈયારીઓ અંગે મિશ્રીએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વિશેષ વાતચીત કરી. તેણે કહ્યું કે આ તેના જીવનનો સૌથી યાદગાર બની રહેશે. મારે મોટા થઇને રાજકારણમાં જ જવું છે. એક દિવસ માટે ધારાસભ્યો તેમજ મંત્રીઓ બનનાર રાજ્યનાં 182 વિદ્યાર્થીઓ પૈકી વડોદરાનાં 14 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યાં છે. મિશ્રી ઉપરાંત પુષ્ટિ શાહ પણ તેમાંની એક છે. પુષ્ટિ પણ નવરચના ઇન્ટરનેશનલ સ્કુલમાં 12માં ધોરણની વિદ્યાર્થિની છે. દેશનાં રાજકારણમાં રસ ધરાવતી પુષ્ટિ ભવિષ્યમાં તક મળે તો દેશનાં અર્થતંત્રનાં સુધારા માટે પોતાનું યોગદાન આપવા માંગે છે. એક દિવસ માટે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે બેસવાનું સન્માન મેળવનાર પુષ્ટીનું સપનું ભવિષ્યમાં વડાપ્રધાન બનીને દેશની સૌથી મોટી સમસ્યા ગરીબીને દુર કરવાનું છે.એક દિવસનાં આ યુવા વિધાનસભાના વિશેષ સત્રમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે મુખ્યમંત્રી, મંત્રી, સ્પીકર તેમજ ધારાસભ્યો બની વાસ્તવિક વિધાનસભાની જેમ જ ગૃહમાં પ્રશ્નોત્તરી કરશે સાથે જ બજેટ પર પણ ચર્ચા કરશે. જેને લઇને આ વિદ્યાર્થીઓએ રિહર્સલ સાથે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ લોકશાહીને મજબૂત બનાવવાની સાથે તેમાં યુવાઓની ભાગીદારીને વધારવાનો છે. એવામાં ગુજરાત વિધાનસભાનાં ઇતિહાસમાં પ્રથમ વખત યોજાવા જઇ રહેલ આ યુથ એસેમ્બ્લી સાચા અર્થમાં ઐતિહાસિક બની રહેશે.