ગરમીએ ઘટાડયું માણસ અને પ્રાણી વચ્ચેનું અંતર ,ખભા પર બેસી ખિસકોલીએ પીધો શેરડીનો રસ
રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે .છેલ્લાં એક સપ્તાહથી આકરી ગરમીને કારણે નાગરિકો પણ ગરમીથી ત્રસ્ત થઇ ચુક્યા છે.તાપમાનનો પારો સતત 42ડિગ્રીથી ઉપર રહી રહ્યો છે. દિવસ દરમ્યાન આકાશમાંથી વરસતા અગનગોળા ચામડી દઝાડી રહ્યાં છે..જ્યારે સાંજ પડતાં અસહ્ય બફારો લોકોનાં હાલ બેહાલ કરી રહ્યો છે.રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતનાં શહેરોમાં શુક્રવારે પણ તાપમાનનો પારો 42 ડિગ્રીથી વધુ રહ્યો હતો. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી જુના રેકોર્ડ પણ તોડી રહી છે.
ગુરુવારે અમદાવાદમાં તાપમાનનો પારો રેકોર્ડ 45 ડિગ્રીને આંબી ગયો હતો. શુક્રવારે પણ અમદાવાદમાં 44 ડિગ્રી, જ્યારે વડોદરામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેને પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભઠ્ઠીમાં શેકાતા શહેરોમાં ગરમીથી બચવા લોકો ઠંડા પીણાંનો સહારો લઇ રહ્યાં છે. ગામડાંઓ કરતાં કોંક્રિટનાં જંગલોમાં વસતાં શહેરોનાં નાગરિકો ગરમીનાં પ્રકોપથી સૌથી વધુ પરેશાન છે. આગ ઓકતી ગરમીથી જેટલાં પરેશાન માનવીઓ છે, તેનાંથી વધારે પરેશાન મુંગા પશુ પંખીઓ થઇ રહ્યાં છે. જેની સાક્ષી પુરાવતી એક અદ્ભુત તસ્વીર વડોદરાથી આવી છે.
સામાન્ય રીતે ખિસકોલી જેવાં પ્રાણીને માનવીથી ડર લાગતો હોય છે. સંવેદનશીલ સ્વભાવને કારણે ખિસકોલી મનુષ્યથી દુર રહેતી હોય છે. પરંતુ હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં લાગતી તીવ્ર તરસે ખિસકોલી જેવાં પ્રાણીનો માનવીઓ પ્રત્યેનો ડર પણ દુર કરી દીધો છે. અને પાણી ન મળતાં તે ઝાડ પરથી નીચે ઉતરી આવી યુવાનનાં ખભે ચઢી આરામથી શેરડીનો રસ પી પોતાની તૃષ્ણા છુપાવે છે. આગામી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે. તેવામાં મનુષ્યની સાથે સાથે પશુ, પંખી અને પ્રાણીઓની હાલત વધુ કફોડી બનશે તે નક્કી છે. તેવામાં આ પ્રકારની તસ્વીર દિલને ઠંડક પહોંચાડે છે.