ચહેરાના ડાઘ છુપાઈ ગયા હ્રદયના ડાઘ ક્યારે છુપાશે, જાણો એ બળેલા ચહેરાને ન્યાય કોણે અપાવ્યો?
શંકાએ આખી જિંદગી ન ભૂલી શકાય એવો ડાઘ આપ્યો શહેર વડોદરા અને 2016ની સાલ....જૂન મહિનાની બળબળતી બપોરનો સમય. ટ્રાફિકથી ધમધમતા વડોદરા શહેરના રાવપુરા વિસ્તારની આ વાત છે. અહીં ફરજ બજાવવી એટલે માથાનો દુઃખાવો સામેથી નોતરવો. જેમ જેમ સમય પસાર થતો જતો હતો તેમ તેમ રાવપુરા વિસ્તારનો ટ્રાફિક ધીમે ધીમે હળવો થતો હતો. શહેરીજનો પોતાના કામકાજના સ્થળે પહોંચી ચૂક્યા હતા. રાવપુરા ચાર રસ્તા ઉપર ફરજ પર હાજ
06:23 AM Jun 02, 2022 IST
|
Vipul Pandya
શંકાએ આખી જિંદગી ન ભૂલી શકાય એવો ડાઘ આપ્યો
શહેર વડોદરા અને
2016ની સાલ....જૂન મહિનાની બળબળતી બપોરનો સમય.
ટ્રાફિકથી ધમધમતા વડોદરા શહેરના રાવપુરા વિસ્તારની આ વાત છે. અહીં ફરજ બજાવવી એટલે માથાનો દુઃખાવો સામેથી નોતરવો. જેમ જેમ સમય પસાર થતો જતો હતો તેમ તેમ રાવપુરા વિસ્તારનો ટ્રાફિક ધીમે ધીમે હળવો થતો હતો. શહેરીજનો પોતાના કામકાજના સ્થળે પહોંચી ચૂક્યા હતા. રાવપુરા ચાર રસ્તા ઉપર ફરજ પર હાજર ટ્રાફિક પોલીસકર્મીઓ પણ થોડો રાહતનો શ્વાસ લઇને બેઠા હતા.
સામાન્ય રીતે જૂન મહિનામાં ગરમીનો પારો પણ ખૂબ ઉંચો રહેતો હોય છે. એ બપોરે પણ કંઈક એવું જ હતું. સૂરજ જાણે મોઢામાંથી અગનજ્વાળાઓ ફેંકી રહ્યો હતો. ટ્રાફિક પોલીસકર્મીઓ પણ ક્યાંક છાંયડો મળે તેવી જગ્યા શોધી રહ્યા હતા. ચાર રસ્તાની બાજુમાં એક ઝાડ હતું તેના આછા પાતળા છાંયાના સહારે બે ત્રણ ટ્રાફિક પોલીસર્મીઓ પોતાનો પરસેવો લૂંછી રહ્યા હતા. કેટલીક મહિલા ટ્રાફિક બ્રિગેડ પણ સાથે હતી. તે લોકો પણ પોતાના માથેથી ટોપી ઉતારીને હાથરૂમાલ વડે ગરમીથી રાહત મેળવવા માટે રૂમાલ ચહેરા ઉપર ફેરવીને ઠંડી હવા પોતાના મોઢા પર નાખી રહી હતી.
હાજર ટ્રાફિક પોલીસ કર્મીઓ અંદરો અંદર વાતચીત કરતા હતા. તે જ સમયે એક બાઈક તેજ રફતારમાં આવ્યું. હતું. ઝાડ નીચે બેઠેલી મહિલાઓ કંઈ વિચારે એ પહેલાં તો એક મહિલા બ્રિગેડના ચહેરા પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખીને એ બે બાઈકસવાર ગાયબ થઇ ગયા. હાજર ટ્રાફિક પોલીસ કશું પણ સમજે કે બાઈક ચાલકનો નંબર નોંધી શકે એ પહેલાં તો ઝૂમ ઝૂમ અવાજ કાઢતી એ બાઈક ક્યાં ની ક્યાં પહોંચી ગઈ હતી.
એસિડ એટેક થયો એ વાત સમજાઈ અને પીડા ચામડીને ચીરવા લાગી એટલે એ મહિલા બ્રિગેડની કર્મચારી ચિચીયારી પાડવા માંડી. ચાર રસ્તા પર સાઈડમાં છાશનું વેચાણ કરી રહેલી મહિલા લોટોભરીને છાશ સાથે જ દોડીને આવી. જે મહિલા દર્દભરી બૂમો પાડી રહી હતી તેના મોઢા પર છાશનો એક લોટો રેડી દીધો. એ મહિલા કંઈ ખાસ ભણેલી ન હતી. પણ એનામાં કોઠાસૂઝ હતી. પળવારમાં એણે પારખી લીધું કે, એસિડ એટેક થયો છે. તેના ઉપર આ હાથવગું હથિયાર સમાન છાશ જ કામ લાગશે. થોડી જ વારમાં પોલીસ કંટ્રોલ રુમને જાણ કરવામાં આવી. વાયરલેસ મેસેજ પહોંચ્યો કે સ્થાનિક પોલીસ મારતી જીપે આવી પહોંચી. મહિલા ટ્રાફિક બ્રિગેડ ઉપર એસિડ એટેક અને ગંભીર બાબત હોવાથી ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
એક તરફ એસિડ એટેકથી ઘાયલ થયેલી મહિલાની સારવાર વડોદરા સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં ચાલી રહી હતી. બીજી બાજુ વડોદરા શહેર પોલીસે આરોપી બાઈક ચાલકને શોધવા માટેની કવાયત શરુ કરી દીધી હતી. આ સમગ્ર બનાવની જાણ છેક વડોદરા પોલીસ કમિશનર સુધી પહોંચી ચૂકી હતી. બાદમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં અને રાવપુરા ચાર રસ્તા પર એક પછી એક ઉચ્ચ અધિકારીઓની ટીમો પહોંચી. બનાવની ગંભીરતાના ધ્યાને લઈને ફોરેન્સિક સાયન્સની ટીમ તપાસ માટે પુરાવા એકત્ર કરી રહી હતી. આ સમયે જ ડીસીપી કક્ષાના અધિકારીએ એક ખાસ ટીમ બનાવી. સાથે કડક સૂચના અપાઈ કે કોઈપણ ભોગે આરોપીઓની ધરપકડ કરવાની જ છે. એક્શન પ્લાન ઘડવામાં આવ્યો અને આરોપીઓને કેવી રીતે પકડવા તેની વ્યૂહરચના ગોઠવાઈ.
બનાવની તપાસમાં અલગ અલગ ટીમો કામે લાગી ગયેલી. જેમાંથી કેટલીક ટીમો જે દિશામાં બાઈક ચાલક ભાગી ગયા તે દિશામાં આવતા તમામ સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ જોવા માટે નીકળી ગઈ. બીજી ટીમો આવા કેસના અન્ય બીજા આરોપીઓની પૂછપરછ શરુ કરી દે છે, લગભગ રાત દિવસ રાવપુરા પોલીસ સ્ટેશનમાં બાતમીદારોની અવરજવર જોવા મળતી હતી. પરંતુ, કોઈ નક્કર પરિણામ તરફ તપાસ જઈ રહી નહોતી. દિવસો વીતી રહ્યા હતા અને પોલીસ અધિકારીઓનું દબાણ વધી રહ્યું હતું. ચોક્ક્સ પરિણામ નહોતું મળતું એટલે પોલીસ વિભાગની બદનામી પણ થઈ રહી હતી.
વડોદરા સ્થાનિક પોલીસ, વડોદરા ક્રાઈમ બ્રાંચ, વડોદરા એસઓજી સહિત આખાય વડોદરાની પોલીસ એસિડ એટેક કરનારા બાઈક સવારોને શોધી રહી હતી. બનાવને ૧૫ દિવસ જેટલો સમય વીતી ચુક્યો હતો પરંતુ કોઈ પરિણામલક્ષી કામગીરી વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવી ન હતી. રાવપુરા પોલીસ રોજ કેટલાય લોકોને પોલીસ સ્ટેશન સ્ટેશન લાવીને જરૂરી પૂછપરછ કરી રહી હતી. પરંતુ કોઈ નક્કર માહિતી આરોપીઓ અંગેની મળી રહી ન હતી. તેવામાં એક સિનિયર આધિકારી કે જેઓ વડોદરા શહેરમાં ફરજ બજાવતા હતા તેઓ શહેર પોલીસ કમિશનરનેે એક દિવસ મળવા ગયા. કહ્યું કે આ એસિડ એટેક કેસ એક અધિકારી જ સોલ્વ કરી શકશે.
પ્રશ્નાર્થ નજરે વડોદરા શહેર પોલીસ કમિશનરે પૂછયું કે, "કોન હે વો...ઓર ઉસમેં ઐસા ક્યા હૈ... જો વો યે કેસ ડીટેકટ કર લેગા" ત્યારે આ સિનિયર અધિકારી પી.જી.જાડેજાએ કહ્યું કે, સાહેબ હું જેની વાત કરી રહ્યો છે તે હાલ અત્યારે હેડકવાટરમાંં પોસ્ટેડ છે. વડોદરા શહેરમાં તેનું વિશ્વસનીય બાતમીદારોનું નેટવર્ક ખૂબ જ બહોળું છે.
તરત જ શહેર પોલીસ કમિશનરે ઓર્ડર કરી દીધો... અને સજાના ભાગરુપે એક જગ્યાએ ફસાયેલા અધિકારીને ફેક્સ મેસેજ આવ્યો અને પીએસઆઈનું પોસ્ટીંગ રાવપુરા પોલીસ સ્ટેશનમાં જુલાઈ ૨૦૧૬માં થયું. જયારે આ પીએસઆઈ પોતાનો યુનીફોર્મ પહેરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં પોતાના સીનીયર પી.આઈને સેલ્યુટ કરવા પહોંચ્યા ત્યારે એ અધિકારીએ કહ્યું કે, તમારું પોસ્ટીંગ સર્વેલન્સ સ્કવોડમાં કરવામાં આવ્યું છે. એના માટે યુનિફોર્મ પહેરવાની જરરુ નથી.
છેલ્લા ઘણા સમયથી સજાના ભાગ રૂપે કામ કરી રહેલા પીએસઆઈને હવે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું. તેમાંય ખૂબ જ ચર્ચાસ્પદ કેસ સોંપવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેરની એજન્સીઓ ઉંધા માથે પટકાઈ હતી. કેસની તપાસ પીએસઆઈ એચ.એમ. વ્યાસને સોંપાઈ કે તરત જ તેમણે પોતાના બાતમીદારોને એલર્ટ કરી દીધા.
પોતાના ટુ-વ્હીલર પર ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. કમર ઉપર હાથ મૂકીનેે ચારે તરફ એક નજર મારી. ઘટના સમયે હાજર ટ્રાફિક પોલીસકર્મીઓ હતા તે લોકો પાસેથી બનાવની વધુ વિગતો મેળવી. તે સમયની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આખોય ઘટનાક્રમ શબ્દસઃ પોતાની ડાયરીમાં લખવાનું શરુ કરી દીધું.
એ સાંજે જ પીએસઆઈ પોતાના પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. ડાયરીમાં લખેલી વિગતોનો અભ્યાસ કરી રહ્યા હતા. સમગ્ર કેસની સિક્વન્સ બેસાડી રહ્યા હતા. એક સમજુ પોલીસ અધિકારીની આ નિશાની છે કે કેસની તમામ વિગતો પોતાની પાસે રાખવી. કહે છેને કે, લખેલું હંમેશાં જ વંચાતું હોય છે. કદાચ આ થિયરીી પર પીએસાઈ કામ કરી રહ્યા હતા. ડાયરીમાં લખેલી વિગતોનો અભ્યાસ કર્યા બાદ પોતાના કોન્સ્ટેબલ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં કરવા માટે નીકળી ગયા. સંધ્યાકાળ હતો અને પીએસઆઈ પોતાના કોન્સ્ટેબલના બાઈકની પાછળની સીટ પર બેઠા હતા. એસિડ એટેકની આખી થિયરીની ગડ સમજી રહ્યા હતા. બરાબર એ જ સમયે પીએસઆઈના મોબાઈલ ફોનમાં એક નબરથી રીંગ આવી.
સામે છેડેથી અવાજ આવ્યો કે, એક વ્યક્તિ છે કે જે કેટલાક દિવસો પહેલા અમારી ચાલીમાં આવ્યો છે. ઘણાં દિવસો થઇ ગયા ઘરમાંથી બહાર જ નથી નીકળતો. સાહેબ મને કંઈક અજુગતું લાગે છે. તમે એક વખત આવીને તપાસ કરી જોવો કદાચ આ એજ ન હોયય જે કેસની તમે વાત કરી રહ્યા છો.
પીએસઆઈ કહ્યું કે, ઘર બતાડી દઈશને એટલે કે આરોપીનું ઓળખ કરવી તેવું પોલીસ વિભાગમાં કહેવાય છે. બાતમીદારે કહ્યું કે, હા સાહેબ હું દૂરથી ઘર બતાડી દઈશ કેમકે મારે પણ આ જ નવાપુરાની ચાલીમાં રહેવાનું છે. મને કે મારા ફેમિલીનેે કોઈ તકલીફ ન પડે. બાતમીદારોનું પ્રોટેક્શન પણ અધિકારીઓ કરતા હોય છે. એમણે કહ્યું, તું કંઈ ચિંતા કરીશ નહીં બસ તું મને એ મકાન બાતવીને જતો રહેજે.
બાતમીદારે ઘર બતાવી દીધું અને એ ચાલ્યો ગયો. ચાલીના નાકે પીએસઆઈ અને તેમનો કોન્સ્ટેબલ બાઈક લઈને ઉભા હતા. ચાલી થોડી વ્યવસ્થિત હતી જેથી તેમાં બાઈકની અવર જવર થઇ શકે તેવી હતી. કમરે રિવોલ્વર ઉપર હાથ ફેરવીને વ્યવસ્થિત ગોઠવી અને કોન્સ્ટેબલને કહ્યું કે, અંદર ચાલીમાં જવા દે. કોન્સ્ટેબલ પણ સમજુ હતો માટે બાતમીદારે જે મકાન બતાવ્યું હતું ત્યાંથી બે મકાન છોડીને બાઈક ઉભું રાખ્યું. પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને જણા ચાલતા ચાલતા આરોપીના દરવાજા સુધી પહોંચ્યા. પીએસઆઈએ પોતાનો એક હાથ કમર પર લટકાવેલી રિવોલ્વર પર રાખ્યો અને બીજા હાથે લોખંડનો દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલતાંની સાથે જ પોલીસને સામે જોતા જ આરોપીના હોશકોશ ઉડી ગયા. એ આરોપી કશું પણ બોલે તે પહેલા પીએસઆઈ કડક અવાજમાં કહ્યું કે, ચાલ, બાઈક પર બેસી જા. આરોપીને બાઈક પર વચ્ચે બેસાડીને પીએસઆઈ અને કોન્સ્ટેબલ રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા.
આરોપીને પોલીસ સ્ટેશન લાવીને નીચે બેસાડી દેવાયો. પીએસઆઈ તેની સામે ખુરશી પર બેસીને તેની સામે જોઈ જ રહ્યા. તેમણે આરોપીને પૂછ્યું કે, તારે કંઈ કહેવું છે?
ગભરાતા ગભરાતા એણે કહ્યું કે, સાહેબ પાણી પીવું છે. એસિડની પીડા આપનારનું એ પીએસઆએ પેટ ઠાર્યું. અને આરોપીએ એટલું જ કહ્યું કે, સાહેબ મારશો નહીં ને? હું તમને બધું જ સાચું કહી દઈશ.
એ આરોપીનું નામ સન્ની. એણે વાત કરવાની શરુ કરી. જેમજેમ એ ઘટનાક્રમ કહેતો ગયો તેમ તેમ પોલીસ અધિકારીની આંખો પહોળી થવા માંડી.
સન્નીએ કહ્યું કે, આ ઘટનામાં એ એકલો નથી એની સાથે બે મહિલાઓ પણ છે. ત્યારે પોલીસ અધિકારીને એક તબક્કે તો થઈ આવ્યું કે, એક લાફો ખેંચી લઉં. પણ એમણે વાત સાંભળી અને સન્ની પોપટની જેમ બધું બોલવા લાગ્યો. સાહેબ મને સ્પીડમાં બાઈક ચાલવવાનો ખૂબ શોખ છે. હું ચલાવું પણ છું. કદાચ આ બાબતના લીધે જ હું આજે તમારી સામે આરોપી તરીકે બેઠો છું. પીએસઆઈ ખુરુશીમાંથી ઉભા થઈને થોડા કડક અવાજમાં બોલ્યા કે, ડહાપણ કરીશ નહીં ફટાફટ બોલવા લાગ નહીંતર.... આટલું સાંભળતા જ સન્નીએ અધિકારી સમક્ષ હાથ જોડ્યા. અને કહ્યું કે, મારો એક મિત્ર છે કલ્પેશ ઉર્ફે કલ્પો રાજપૂત તે એક દિવસ મારી જોડે આવ્યો. મને કહ્યું કે, તને સ્પીડમાં બાઈક ચાલવતા આવડે છે ને? આપણે એક કામ કરવાનું છે એટલે મને લાગ્યું કે હશે કઈંક. મેં વધારે પૂછ્યું નહીં. એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યું ચાલ, રાવપુરા જવાનું છે. આપણે એક કામ કરવાનું છે. હું કહું એટલે બાઈક ધીમે પાડવાનું અને પછી સ્પીડમાં ભગાવી દેવાનું છે. અમે બંને જણા બાઈક લઈને નવાપુરાથી રાવપુરા તરફ આગળ વધી રહ્યા હતા અને રાવપુરા ચાર રસ્તા નજીક આવતાની સાથે જ કલ્પેશ ઉર્ફે કલ્પાએ મને કહ્યું કે, બાઈક ધીમું કર એટેલે મેં બાઈક ધીમું કરી દીધું. હું કશું સમજું તે પહેલા તેણે એક મહિલા ટ્રાફિક પોલીસકર્મી ઉપર એસિડડ નાંખી દીધું. પછી મને કહ્યું કે બાઈક ભાગવી દે એટલે મેં બાઈક ફૂલ સ્પીડમાં ભગાવી દીધું. અને બાદમાં મેં કલ્પેશને પૂછ્યું કે આવું કેમ કર્યું તો તેણે કહ્યું કે પેલી મારી ગલફ્રેન્ડ છે ને શકુનત્લા નો પતિ છે ને તે આ ટ્રાફિક પોલીસ કર્મીના પ્રેમ છે તેવું મારી ગલફ્રેન્ડને લાગી રહ્યું છે તેથી તેણે મને કહ્યું હતું કે તેનો ચહેરો બગાડી નાખ જેથી કરીને મારો પતિ તેને પ્રેમ કરે નહિ અને બાદમાં પીએસઆઈ પૂછયું કે આ ફિલ્મી સ્ટોરીમાં તમામ માહિતી કોણે આપી હતી. ત્યારે આરોપીએ મોંઢુ નીચું કરીને PSI ને કહ્યું કે, સાહેબ એક ગ્લાસ મળશે. પાણીનો એક ઘૂટડો પીધો અને આરોપીએ પીએસઆઈ હરીત વ્યાસ સમક્ષ કડકડાટ બોલવાનું શરૂ કરી દીધું. જીન્તાબેન રાઠવા નામની એક મહિલા છે જે શંકુતલા પઢીયારની મિત્ર થાય છે તેણે બધી માહિતી સન્ની જેણે એસિડ નાખ્યું છે તેને આપતી હતી.
મેં કલ્પાને પૂછ્યું કે, આવું કેમ કર્યું?
એણે કહ્યું કે મારી પ્રેમિકા શંકુતલા પઢીયારનો પતિ એક મહિલા ટ્રાફિક બ્રિગેડના પ્રેમમાં છે, જેથી કરીને મારી પ્રેમિકાએ તે મહિલાનો મોંઢુ એસિડ નાખીને બગાડી દેવાનું કહ્યું હતું, જેથી તેનો પતિ પાછો આવી જાય. ત્યારે મે મારી પ્રેમિકાને પુછ્યું કે, તે મહિલાનું લોકેશન અને માહિતી કેવી રીતે મળશે અને કોણ આપશે. ત્યારે મારી પ્રેમિકાએ કહ્યું કે, તેની મિત્ર જીન્તા રાઠવા તને બધી જ માહિતી પૂરી પાડશે. અને પછી મને તારો વિચાર આવ્યો કે તું ખૂબ સ્પીડમાં બાઇક ચલાવે છે જેથી તને સાથે રાખવાથી મારું કામ સરળ થઇ જશે. ત્યારબાદ પીએસઆઇ સમક્ષ આરોપી સન્ની માળીએ કબૂલાત કરી કે, સાહેબ આ બનાવથી હું ખૂબ જ ગભરાઇ ગયો હતો. જેથી હું મારી નવા પૂરાની ચાલીમાં છેલ્લા કેટલાક દિવસોથી છુપાઇને બેઠો હતો. પરંતુ જ્યારે તમે મારો દરવાજો ખખડાવ્યો ત્યારે મને સાક્ષાત યમરાજ આવ્યા હોય તેવું અહેસાસ થયો હતો. આખરે પીએસઆઈએ એક પછી એક ચારેયને પકડી લીધાં. એસિડ એટેક જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યા બાદ આ પીએસાઈને પાંચ મહિના બાદ એટલે કે નવેમ્બર ૨૦૧૬ની સાલમાં વડોદરા એસઓજી ક્રાઈમના ઇન્ચાર્જ પી.આઈ તરીકેનું પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે પોલીસખાતામાં બાતમીદારો તો તમામ પોલીસકર્મીઓના હોય છે પરંતુ વિશ્વસનીય બાતમીદારોની સંખ્યા હાલના સમયમાં ઘટી ગઈ છે. પરંતુ હજુ પણ કેટલાક પોલીસકર્મીઓ છે કે જેમના વિશ્વસનીય બાતમીદારો છે. કદાચ તેમના લીધે જ આવા ચેલેન્જિંગ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં સરળતા રહેતી હોય છે.
Next Article