NFSU-રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ
- NFSU-રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)નો તૃતીય પદવીદાન સમારોહ સંપન્ન
- સંવેદનશીલ ન્યાય પ્રણાલી પર આધારિત વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનીએ: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
- રાષ્ટ્રપતિશ્રી
-દેશમાં ફોરેન્સિક સાયન્સીસ આધારિત ઇકોસિસ્ટમ સુદ્રઢ કરવા મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે.અપરાધો પર નિયંત્રણ, અપરાધીઓમાં સજાનો ભય તેમજ નાગરિકોને ઝડપી ન્યાય મળવાનો વિશ્વાસ એ જ સુશાસનની સાચી ઓળ - NFSUના ત્રીજા દીક્ષાંત સમારોહમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી તેમજ સુલભ ન્યાય પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને પ્રવૃત્ત થવા રાષ્ટ્રપતિશ્રીનો અનુરોધ
- :: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી : વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજના હિત માટે કરે
- NFSU આવનારા સમયના પડકારોને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ અને સુસજ્જ
:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::
- ફોરેન્સિક સાયન્સીસ સેક્ટરમાં યુવાઓને નવી તકો - નવા અવસરો આપવાના વડાપ્રધાનશ્રીના વિઝનથી વિશ્વની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી શરૂ કરવાનું ગૌરવ ગુજરાતને મળ્યું
- -પોલીસ - ફોરેન્સિક સાયન્સ અને જ્યુડિશરી ત્રણેય ન્યાય પ્રણાલિના અભિન્ન અંગ છે.
- ફોરેન્સિક સાયન્સ સેક્ટરમાં દિક્ષિત યુવા છાત્રો પાસે આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્ર સેવાના અસીમ અવસરો છે.
- રાષ્ટ્રપતિશ્રીના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ ૧,૫૬૨ વિદ્યાર્થીઓને પદવી અને સુવર્ણ ચંદ્રકો એનાયત
NFSU-ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) નો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિશ્રીના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ 1562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 12 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ઓફ ફિલોસોફી(PhD), એક વિદ્યાર્થીને ડોક્ટરેટ ઓફ લો (LLD)ની તેમજ અન્ય વિદ્યાર્થીઓને ડીપ્લોમાં, સ્નાતક, અનુસ્નાતક અને અનુસ્નાતક ડીપ્લોમાંની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિશ્રીના હસ્તે સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરાયા હતા.
સંવેદનશીલ ન્યાય પ્રણાલી પર આધારિત વિકસિત ભારત
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર સ્થિત NFSU અર્થાત રાષ્ટ્રીય ન્યાયાલયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ત્રીજા દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પદવી પ્રાપ્ત કરવામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સંવેદનશીલ ન્યાય પ્રણાલી પર આધારિત વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ.
આજે વિશ્વભરમાં ફોરેન્સિક સાયન્સનું મહત્વ વધી રહ્યું છે, તેમ જણાવતા રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું હતું કે, દુનિયાના શ્રેષ્ઠ એવા આ વિશ્વવિદ્યાલયમાંથી આજે 15 દેશોના લગભગ 70 થી વધુ વિદ્યાર્થીઓએ પણ પદવી પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં, આ યુનિવર્સિટીમાં સિવિલ સર્વિસીસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, ફાયનાન્સ, બેન્કિંગ, ન્યાયપાલિકા સહિત મહત્વના ક્ષેત્રોના 30,000 જેટલા ઓફિસર્સને પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
ન્યાય મળે તે માટે ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની ભૂમિકા મહત્વની
અપરાધીઓનું નિયંત્રણ તેમજ છેવાડાના નાગરિકોને ઝડપી અને સુલભ ન્યાય મળે તે માટે ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની ભૂમિકા મહત્વની છે. દેશમાં ફોરેન્સિક સાયન્સીસ આધારિત ઇકોસીસ્ટમ સુદ્રઢ કરવા મિશન મોડ પર કાર્ય થઇ રહ્યુ છે. આ માટે ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીને રાષ્ટ્રપતિશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા માટે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનનો સમુચિત ઉપયોગ કરવા અનુગ્રહ કર્યો હતો. નિષ્પક્ષ અને ત્વરિત ન્યાય આપનું લક્ષ્ય હોવું જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિશ્રીએ 1 જુલાઈ, 2024 નો દિવસ ભારતના ઇતિહાસનો અતિમહત્વપૂર્ણ દિવસ છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, આ દિવસે દંડને બદલે ન્યાય આધારિત ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા હતા. જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 , ભારતીય ન્યાય સંહિતા-2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023 નો સમાવેશ થાય છે.
ન્યાયાલયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય-ગાંધીનગર
તેમણે જણાવ્યું હતું કે, જે અપરાધમાં દંડની સમયાવધી સાત વર્ષ કે તેથી વધુ હોય, તેવા કિસ્સામાં ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ગુનાની તપાસ ફરજિયાત કરવાના કારણે આ ક્ષેત્રના તજજ્ઞોની તાતી જરૂરિયાત ઊભી થશે. આ જરૂરિયાત રાષ્ટ્રીય ન્યાયાલયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય-ગાંધીનગર પૂર્ણ કરશે. અપરાધો પર નિયંત્રણ, અપરાધીઓમાં સજાનો ભય તેમજ નાગરિકોને ત્વરિત ન્યાય મળવાનો વિશ્વાસ હોય એ જ સુશાસનની સાચી ઓળખ છે. આપણે વારસા અને વિકાસને જોડીને વિકસિત ભારતનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ યત્કિંચિત યોગદાન આપશે. તેમણે પદવી પ્રાપ્ત કરનાર સફળ વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીનીઓની વધુ સંખ્યા માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ ન્યાય પ્રક્રિયામાં વિલંબના અનેક કારણોમાં વિશ્લેષણ અને પરીક્ષણ ઝડપથી નહીં થવાનું એક કારણ પણ મહત્વનું ગણાવ્યું હતું. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના માધ્યમથી આ પ્રક્રિયા ઝડપી બનશે. તેમણે અપરાધીઓની નવી-નવી તકનીક સામે વધુ ક્ષમતા સાથે સજ્જ થવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવી સજ્જતાથી જ અપરાધીઓ અપરાધ કરતા ડરશે. એટલું જ નહીં, ન્યાય પ્રક્રિયા પણ વધુ ઝડપી બનશે. રાષ્ટ્રપતિશ્રીએ આ અવસરે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગળ શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
NFSUના ત્રીજા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણા સૌના માટે એ ગૌરવની વાત છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જે મિશન અને ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી, આજે યુનિવર્સિટી પોતાના એ ધ્યેયની પરિપૂર્તિની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. આ યુનિવર્સિટી આવનારા પડકારોનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ અને સુસજ્જ છે. અમાનવીય પ્રવૃત્તિઓ અને અનૈતિક વર્તન જે રીતે સમાજને દૂષિત કરે છે, એવી શક્તિઓનો દૃઢતાપૂર્વક સામનો કરી, સારા સમાજની સ્થાપના કરવી આપણા સૌનું પરમ કર્તવ્ય છે. આ વિચારો સાથે જ NFSUનો આરંભ થયો હતો. આજે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની યોગ્યતા વિકસાવીને વિવિધ ક્ષેત્રોમાં ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજનો દિવસ કોઈપણ યુનિવર્સિટી માટે અત્યંત મહત્વનો છે. પ્રાચીન ભારતમાં દીક્ષાંત સમારોહનું વિશેષ મહત્વ હતું. કારણ કે, આચાર્યગણે પોતાનું મિશન સમજીને વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે, તેમને સફળતાના પથ પર આગળ વધાર્યા છે. તો વિદ્યાર્થીઓ માટે પણ આ ગૌરવની ક્ષણ છે. કારણ કે, તેઓ પોતાના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે, જેમણે તેમને શિક્ષણના આ મિશન પર મોકલીને તેમના ઉજ્જવળ ભવિષ્યની અભિલાષા રાખી હતી.
ત્રણ પ્રકારના લોકો ઉપસ્થિત-શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ
તેમણે કહ્યું હતું કે, અહીં ત્રણ પ્રકારના લોકો ઉપસ્થિત છે—શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ. આ તમામ માટે ભારતીય સંસ્કૃતિમાં આપણા ઋષિ-મુનિઓએ જીવનનો અંતિમ ઉપદેશ આપ્યો છે. શિક્ષણ પૂર્ણ થઈ ગયું છે, ડિગ્રી મળી ગઈ છે, પરંતુ આ સમાજ આપની પાસેથી શું અપેક્ષા રાખે છે? આ વિચાર સાથે તૈત્તિરીય ઉપનિષદનો ઉપદેશ આપવામાં આવતો હતો, જેમાં જીવનનું ઊંડું દર્શન છુપાયું છે.
પ્રાચીન ભારતના દીક્ષાંત સમારોહમાં આ અંતિમ ઉપદેશ આપી વિદ્યાર્થીઓને કાર્યક્ષેત્રમાં મોકલવામાં આવતા : સત્ય બોલો, ધર્મના માર્ગે ચલો, સ્વાધ્યાયમાં કદીપણ આલસ્ય ન કરો, માતા-પિતાને તથા ગુરુજનોને દેવતુલ્ય માનો. આ ઉપદેશ સાથે શિક્ષકગણ પોતાના શિષ્યોને રાષ્ટ્ર નિર્માણ માટે મોકલતા. જીવનમાં સત્યનું આચરણ કરવું, ધર્મના માર્ગે ચાલવું અને કર્તવ્યનિષ્ઠ નાગરિક બનો, ધર્મનો સાચો અર્થ આ જ છે.
ધર્મનો અર્થ માત્ર વિધિ-વિધાનોનું પાલન નહીં, પરંતુ આવા સદગુણોને ધારણ કરવાનો છે, જેમાં પોતાની સાથે સાથે સમાજનું પણ કલ્યાણ થાય. આ તે જ ઉપદેશ છે જેની અછતના કારણે આજે સમાજમાં અનૈતિકતા અને દુરાચાર વ્યાપી ગયો છે. આપણે ભલે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી મોટી મોટી ડિગ્રી મેળવી રહ્યા હોઈએ, પરંતુ માનવતા અને માણસાઈના દ્રષ્ટિકોણથી ખોખલા થતા જઈ રહ્યા છીએ, તેમ તેમણે ઉમેર્યું હતું.
સત્યનું આચરણ કરો, ધર્મનું પાલન કરો
શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, હંમેશા સત્યનું આચરણ કરો, ધર્મનું પાલન કરો અને જે જ્ઞાન તમે આ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું છે, તેને જીવનભર વધારતા રહો. ડિગ્રી મળી ગયા બાદ શિક્ષણ પૂર્ણ થયું એમ ન માનવું. જેમ ખેડૂત ક્યારેય ખેતરમાં જવાનું છોડતો નથી, તેમ જ વિદ્યાર્થીએ પણ અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છોડવું ન જોઈએ. સ્વાધ્યાય અને જ્ઞાનનું પ્રસારણ કરીને માનવતા અને સમાજના કલ્યાણ માટે જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાનું લક્ષ્ય માત્ર વ્યક્તિગત લાભ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે હોવું જોઈએ. જેમ વાદળ સમુદ્રના ખારા પાણીને લઈને તેને મીઠા જળ તરીકે ત્યાં વરસાવે છે જ્યાં તેની જરૂરિયાત હોય છે, તેમ જ વિદ્યાર્થીઓનું કર્તવ્ય છે કે, તેઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજના હિત માટે કરે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને જીવનના દરેક ક્ષેત્રમાં પડકારોનો સામનો કરતાં કરતાં વિદ્યા દ્વારા સમાજ અને દેશને સુખી બનાવો, એવી અભિલાષા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પદવીદાન સમારોહમાં યુવા છાત્રોને પ્રેરણા આપતા કહ્યું કે, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં શરૂ કરાવવાના આગવા વિઝનથી આ સેક્ટરમાં યુવાશક્તિને નવા અવસરો અને નવી તકો આપી છે.
એમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી એવા દૂરદર્શી નેતા છે જે, ભવિષ્યમાં આવનારા પડકારોનો અને તેના સમાધાનનો વિચાર પહેલેથી જ કરી લે છે. તેમની આવી સૂઝના પરિપાકરૂપે ગુજરાતને વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU ની ભેટ મળી છે, તેનું મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આ યુનિવર્સિટીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. એટલું જ નહીં, યુનિવર્સિટીની લોકપ્રિયતા અને ઉપયોગીતા દિવસેને દિવસે વધતી રહી છે. દેશના અન્ય રાજ્યો અને યુગાન્ડામાં યુનિવર્સિટીના પરિસર કાર્યરત છે. આ ઉપરાંત ૧૪૭ જેટલા MOUs પણ અન્ય રાજ્ય સરકારોએ આ યુનિવર્સિટી સાથે કર્યા છે.
ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલી
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશ આજે આઝાદીના અમૃતકાળના આ સફરમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મોટા બદલાવનો સાક્ષી બની રહ્યો છે. આઝાદી પછી પહેલીવાર દંડ નહીં પરંતુ ન્યાય અપાવનારા કાયદાઓ, ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ Indian Evidence Act અમલી બન્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પોલીસ, ફોરેન્સિક સાયન્સીસ અને જ્યુડીશરી ત્રણેય ન્યાય પ્રણાલીના અભિન્ન અંગ છે. આ માટે ફોરેન્સિક સાયન્સ સેક્ટરના દિક્ષિત યુવા છાત્રો પાસે અમૃતકાળમાં રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવાના અસીમ અવસરો છે.
મુખ્યમંત્રીશ્રીએ ડિગ્રી મેળવી રહેલા NFSU ના 1562 વિદ્યાર્થીઓ અને ૭૬ વિદેશી વિદ્યાર્થીઓને ઉજવળ વ્યવસાયિક કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, બદલાતા સમય સાથે અપરાધો - ગુનાઓ છુપાવવાના નવા-નવા તૌર તરીકા ગુનેગારો અપનાવે છે. તેવી સ્થિતિમાં અપરાધીઓને પકડવામાં અને ન્યાયાલયમાં અપરાધોને સાબિત કરવામાં ફોરેન્સિક સાયન્સીસની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
માદક પદાર્થો અને સાઈકોટ્રોપિક પરીક્ષણ
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, અહીંથી ડિગ્રી પ્રાપ્ત વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા અને યોગ્યતાથી ન્યાય પ્રક્રિયાને સરળ અને ત્વરીત બનાવશે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, માદક પદાર્થો અને સાઈકોટ્રોપિક પરીક્ષણ-Narcotics and psychotropic testing માટે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇન્ફાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ સાથે આ યુનિવર્સિટી નશામૂક્ત સમાજ માટે પણ સેવાકીય યોગદાન આપે છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @ 2047 નો જે સંકલ્પ કર્યો છે, એમાં કાનુન વ્યવસ્થા અને સુરક્ષા સાથે સીધા જોડાયેલા છાત્ર તરીકે રાષ્ટ્રપ્રથમનો ભાવ અગ્રેસર રાખી કાર્યરત રહેવા યુવાઓને પ્રેરણા આપી હતી.
વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ માટેની યુનિવર્સિટી
NFSU-નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ અને પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસે કાર્યક્રમના પ્રારંભે પદવીદાન સમારોહને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી NFSU એ વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ માટેની યુનિવર્સિટી બની છે. માત્ર ૫ અભ્યાસક્રમો અને ૭૩ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી યુનિવર્સિટીમાં આજે ૭૨થી વધારે અભ્યાસક્રમોમાં ૭,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. NFSU માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોને સુરક્ષા, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં મદદરૂપ થઇ રહી છે. NFSU એ ભારતની એક માત્ર સરકારી વિશ્વ વિદ્યાલય છે, જેનું કેમ્પસ ભારતની બહાર યુગાન્ડામાં કાર્યરત છે. હાલ દેશમાં NFSUના ૯ કેમ્પસ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ ૯ કેમ્પસ કાર્યરત થશે.
આ પ્રસંગે NFSUના કેમ્પસ ડિરેક્ટર ડો. એસ. ઓ. જુનારે, રજીસ્ટ્રાર શ્રી સી. ડી. જાડેજા, ઉચ્ચ ન્યાયાલયના વર્તમાન અને પૂર્વ ન્યાયાધીશો સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, NFSU બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યશ્રીઓ, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, તાઈવાન, રવાન્ડા, ઝીમ્બાબ્વે અને પોલેન્ડ સહિતના દેશોના મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો-PM મોદીના Jamnagar પ્રવાસને લઇ તડામાર તૈયારી, 1510 પોલીસકર્મીઓ જોડાશે બંદોબસ્તમાં