Manjusar GIDC: 20 કામદારોની આંગળાઓ કપાઈ છતાં કંપની વળતર આપવા તૈયાર નથી! મામલો પોલીસ મથકે
Manjusar GIDC: ગુજરાતમાં અત્યારે મોટા પ્રમાણમાં લોકો કોઈ ખાનગી કંપનીમાં મજૂરીકામ કરતા હોય છે. સ્વાભાવિક છે કે, પોતાની કંપનીમાં કામ કરતા કામદારોની સલામતીની જવાબદારી જે તે કંપનીની હોય છે. પરંતુ સાવલી તાલુકામાં એક ઘટના એવી બની છે જેમાં 20 કામદારોની આંગળીઓ કપાઈ ગઈ છે, છતાં પણ કંપની દ્વારા કોઈ મદદ કે વળતર આવવામાં આવી નથી. વિગતે વાત કરવામાં આવે તો, સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી (Manjusar GIDC)માં આવેલ રાજ ફિલ્ટર કંપનીમાં 20 થી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન આંગળા કપાઈ જવાનો મામલો સામે આવ્યો છે.
વળતર ન ચૂકવતા કામદારોએ અત્યારે બાયો ચઢાવી
ઉલ્લેખનીય છે કે, રાજ ફિલ્ટર (Raj Filter) નામની કંપની વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા ફિલ્ટર બનાવે છે. આ ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીનમાં 20 થી વધુ કામદારોના હાથના આંગળા કપાઈ ગયા છે. જે તે સમયે કામદારો દ્વારા કંપની સત્તાધીશો સામે ફરિયાદ પણ કરી હતી. કામદારોની રજૂઆત બાદ મંજુસર પોલીસ દ્વારા તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી નહોતી. નોંધનીય છે કે, શારીરિક ખોળખાપણનું વળતર ન ચૂકવતા કંપની સામે કામદારોએ અત્યારે બાયો ચઢાવી છે.
માનવ અધિકાર પંચે ઘટનો વિસ્તૃત અહેવાલ માંગ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, 20 થી વધુ કામદારોના આંગળા કપાઈ ગયા હોવા છતાંય કોઈ કાર્યવાહી કે વળતર ન ચૂકવાતા માનવ અધિકાર પંચે પણ પોલીસ વિભાગ પાસે સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો. મંજુસર પોલીસે કંપની સત્તાધીશો અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ સેફ્ટી ઇન્સ્પેક્ટર સહિતના વિભાગો પાસે લેખિત જવાબો અને તપાસના અંતે કંપની માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. કંપનીના કામદાર જુવાનસિંહ ગોહિલની ફરિયાદના આધારે મંજુસર પોલીસે કંપનીના માલિક પિતા પુત્ર શબ્બીર ભાઈ થાના વાલા અને મુફદ્દલ થાના વાલા રહે ફતેગંજ વડોદરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.