મહિલા સાથે મારઝૂડ કરતાં પતિને મહિલા હેલ્પલાઇનની ટીમે ભણાવ્યો કાયદાનો પાઠ
અહેવાલ -યશ ઉપાધ્યાય
શિક્ષિત સમાજોમાં પણ યુવકો ક્યારેક દારૂના વ્યસને ચડી ઘરમાં મહિલા સાથે મારઝૂડ કરતા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક બનાવ હિંમતનગર તાલુકામાં બન્યો છે.
હિંમતનગરની દયનીય ઘટના
હિંમતનગરની એક M.A., B.Ed મહિલા આંગણવાડીમાં નોકરી કરીને પોતાના પરીવારમાં આર્થિક રીતે મદદરૂપ બનવાનો પ્રયાસ સાથે જ પશુપાલનનો વ્યવસાય કરે છે. ઘરમાં મહિલાના પતિને દારૂની આદત પડતા મહિલા સાથે લાડાઇ/ઝગડા કરી મારઝુડ કરતો હતો.
પતિએ મહિલા સાથે મારઝૂડ કરી
આ મહિલા પશુપાલનના વ્યવસાયમાંથી જે દૂધ ઘરે લાવે તેને પતિ લઈ જતો અને દૂધ આપી દારૂ ખરીદી દારૂ પી ને મહિલા સાથે મારઝૂડ કરતો હતો. આ મહિલાએ દારૂના વેચાણ સ્થળે જઈ તેના પતિને દારૂ ન આપવા જે તે વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈ મહિલાના પતિએ મહિલા સાથે મારઝૂડ કરી તેનો હાથ તોડી નાખ્યો હતો.
આ ત્રાસથી કંટળીને મહિલાએ અભયમ181 ને કોલ કરી મદદ માંગી હતી. અભયમે ઘટના સ્થળે પહોંચીને મહિલાના પતિને કાયદાકીય પાઠ ભણાવ્યો હતો. અને ઘરમાં મહિલા સાથે શાંતિથી રહેવા માટે સમજણ આપી હતી. પતિએ પણ હવે પછી દારૂ ન પીવે અને મહિલા સાથે શાંતિથી રહેશે તેવી ખાત્રી આપી હતી. મહિલાઓ માટે કાર્ય કરતી મહિલા હેલ્પ લાઇન 181 મહિલાઓના જરૂરીયાતના સમયે ઘટના સ્થળે પહોંચીને મહિલાઓને સાચા અર્થે મદદ કરી હતી