Weather Update: ભારતમાં વિવિધ ઋતુનો અનુભવ, ક્યાંક હીટવેવ તો ક્યાંક વરસાદ અને અતિવૃષ્ટીની આગાહી
Weather Update: ભારતમાં અત્યારે અનેક ઋુતુઓ એકસાથે ચાલી રહી હોય તેવા માહોલ સર્જાયેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં આજે વરસાદ અને અતિવૃષ્ટિની ગતિવિધિઓ જોવા મળી શકે છે. જમ્મું કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ આજે અને કાલે ભારે વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની પણ આગાહી કરવામાં આવી છે. ભારતના કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે.
નવી દિલ્હીમાં 30 માર્ચે પણ હળવો વરસાદ થશે
હવામાન વિભાગ (Weather Update)ના જણાવ્યા અનુસાર, ઉત્તરીય આંતરિક કર્ણાટકમાં આજે વિવિધ સ્થળોએ ગરમીના મોજાની અસર જોવા મળશે. આ સાથે વિદર્ભમાં આજે અને આવતીકાલે હીટવેવની સ્થિતિ રહેશે. દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે નવી દિલ્હીમાં આજે વાદળ છવાયેલા રહેશે અને હળવા વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો નવી દિલ્હીમાં 30 માર્ચે પણ હળવો વરસાદ જોવા મળી શકે છે.
લખનૌમાં વાદળછાયું વાતાવરણ રહેશે
આ સાથે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે લખનૌમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવનાઓ છે. ગાઝિયાબાદની વાત કરીએ તો આજે અહીં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે ગાઝિયાબાદમાં આજે વાવાઝોડા સાથે વરસાદ પડશે અને જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે.
હળવો વરસાદ અને હિમવર્ષાની કરાઈ આગાહી
હવામાન વિભાગ (Weather Update)ના જણાવ્યા પ્રમાણે વધુ વાત કરવામાં આવે તો, પશ્ચિમી હિમાચલ પ્રદેશ હળવો વરસાદ અને હિમવર્ષા પણ થઈ શકે છે. દેશના અન્ય રાજ્યો જેવા કે, પંજાબ, હરિયાણા, કેરળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના દક્ષિણ ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.