Vadnagar to Varanasi : અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર તૈયાર થઇ રહ્યું છે ભવ્ય રામ મંદિર..! વાંચો, Ground Zero રિપોર્ટ
વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રા એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ...
Advertisement
વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રા એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ કેવી રીતે થઈ શકે તેના દર્શન થાય છે. Gujarat First અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ થયેલી આ યાત્રામાં 4 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ. 30 દિવસ અને 3 હજાર કિલોમીટર સુધી આ યાત્રા 4 રાજ્યોમાં ભ્રમણ કરશે. વિકાસની આ યાત્રા ખૂબ લાંબી છે.
Gujarat First અને OTT ઈન્ડિયાના પ્રતિનિધી પહોંચ્યા અયોધ્યા
વડનગરથી વારાણસી યાત્રા લઇને હું ધ્રવિશા અને કશિશ અમારા સહયોગી વિનોદ શર્મા અને વિક્રમ ઠાકોર સાથે અયોધ્યા ( Ayodhya) નગરીમાં પહોંચ્યા છીએ. ભગવાનશ્રી રામની જન્મ ભૂમિ અને કર્મ ભૂમિ અયોધ્યા નગરીમાં સરયુ નદીના કિનારે તમામ તીર્થ અને ચારેય યુગ જાણે કે નિવાસ કરે છે. માતા કૌશલ્યાની આંખના જેઓ તારા છે અને પિતા દશરથના દિલના જેઓ ધબકારા, તેવા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામની નગરી અયોધ્યામાં વર્ષોથી શ્રદ્ધાળુઓ રાહ જોતા હતા કે પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર ક્યારે બનશે ? ભક્તોની અપાર શ્રદ્ધાના સવાલનો જવાબ તેમને 5 ઓગસ્ટ 2020ના દિવસે મળ્યો હતો, જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય રામ મંદિરનું શિલાન્યાસ કરી ભૂમિ પૂજન કર્યું હતું. હવે તૈયારી પ્રાણ પ્રતિષ્ઠાની થઈ રહી છે.
જયારે વડાપ્રધાને રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું
દેશ માટે એ ઐતિહાસિક ક્ષણ હતી જયારે વડાપ્રધાને રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું. ભગવાન રામનું મંદિર આપણી આસ્થાનું આધુનિક પ્રતીક બનશે. આ મંદિર આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. આ મંદિરના કારણે આ વિસ્તારનું અર્થતંત્ર બદલી જશે, તકો વધશે. આ મંદિર રાષ્ટ્રને જોડશે. નરને નારાયણ સાથે જોડશે. વડાપ્રધાને ત્યારે કહ્યું હતું કે, આજનો આ દિવસ કરોડો રામ ભક્તોની સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. આજનો આ દિવસ સત્ય, અહિંસા, આસ્થા અને બલિદાનને ન્યાયપ્રિય ભારતની અનુપમ ભેટ છે. "
અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણનું કામ પુરજોશમાં ચાલુ
હવે તો તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને તિથી પણ..જાન્યુઆરી ૨૦૨૪માં ભક્તો શ્રીરામલલાના દર્શન કરી શકશે, કારણકે અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણનું કામ પુરજોશમાં ચાલુ છે. સૌથી પહેલા અમે પહોંચ્યા ત્યાં કે જ્યાં થઇ રહ્યું છે રામ મંદિર માટેની મૂર્તિનું નિર્માણ, ત્યાં અમે જોયું કે પુરા ખંત અને ઉત્સાહ સાથે કારીગરો નકશીકામ કરી રહ્યા હતા. દિવસ રાત જોયા વગર પ્રભુ ભક્તિમાં તેઓ લીન થઇ શ્રી રામ નામનો જાપ કરતા કરતા કામ કરી રહ્યા હતા. જયારે અમે વાત કરી ત્યારે તેઓએ કહ્યું કે 'આ તો અમારું સૌભાગ્ય છે એ અમને આ કાર્ય કરવાનો અવસર મળ્યો'. શ્રીરામ મંદિર નિર્માણમાં દેશની પ્રાચીન પરંપરાગત બાંધકામ શૈલીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
6 કરોડ વર્ષ જૂની શાલિગ્રામ શિલાઓમાંથી ભગવાન રામ અને સીતાની મૂર્તિ બનાવવામાં આવશે
ત્યારબાદ અમે પહોંચ્યા શાલિગ્રામ શિલાના દર્શન કરવા. 6 કરોડ વર્ષ જૂની શાલિગ્રામ શિલાઓમાંથી ભગવાન રામ અને સીતાની મૂર્તિ બનાવવામાં આવશે, જેને રામ દરબારમાં સ્થાપિત કરવામાં આવશે. આ શાલિગ્રામ શિલાઓને નેપાળની પવિત્ર કાળા ગંડકી નદીમાંથી લાવવામાં આવ્યા છે. ખાસ સિયા-રામની મૂર્તિઓ બનાવવા માટે આ શિલાઓને નેપાળથી ભારત મંગાવવામાં આવી છે. એક શિલાનું વજન 26 ટન છે જ્યારે બીજી શિલાનું વજન 14 ટન છે. તમને થતું હશે કે શા માટે શાલિગ્રામ શીલા ? શાલિગ્રામ કાળા રંગનો પથ્થર છે, જેની પૂજા કરવામાં આવે છે. તેમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ છે. ભગવાન વિષ્ણુએ કારતક શુક્લ એકાદશીના રોજ શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું હતું અને તે દિવસે વૃંદાનો જન્મ તુલસી તરીકે થયો હતો. શાલિગ્રામને ભગવાન વિષ્ણુના અવતારોમાંનો એક માનવામાં આવે છે. શાલિગ્રામ નેપાળની ગંડકી નદીમાં જોવા મળે છે. મૂર્તિની ઉંચાઈ એ રીતે નક્કી કરવામાં આવી રહી છે કે રામનવમીના દિવસે સૂર્યના કિરણો લીધા રામલલાના કપાળ પર પડે. દૂર દૂરથી અહીં યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે.
રાહુલ ગુપ્તા નામના શ્રદ્ધાળુએ જણાવ્યું કે ખુશી થાય છે કે હું બાબાના શહેરનો છું. એક શેરને હરાવવા માટે જંગલના તમામ જાનવરો એક તરફ છે. પણ છેલ્લે શેર જ જીતશે. 2024માં ભવ્ય રામમંદિર બની જશે તેની ખુશી છે. એક દિવસ અમને ભવ્ય મંદિર અમને જોવા મળશે તેની ખુશી છે.
સરલાબેન નામના શ્રદ્ધાળુએ જણાવ્યું કે પહેલા આવ્યા ત્યારે કંઇ ન હતું પણ હવે વારંવાર આવવાનું મન થશે કારણ કે અહીં ભવ્ય મંદિર બની જશે. ઉત્તર ભારતમાં પણ દક્ષિણ ભારતથી આવેલા નાગરિકો પણ યુપીમાં યોગી અને દેશમાં મોદીનો જય જય કાર કરી રહ્યા છે. અને આ જ વેગવંતા વિકાસને જોઈ વડાપ્રધાન મોદીજી જ જોઈએ છે તેવું દક્ષિણ ભારતથી મુલાકાતે આવેલા નાગરિકોએ જણાંવ્યું. અમે અયોધ્યા આવ્યા અને અહીંનો વિકાસ જોઈ ચકિત થઇ ગયા.
ઓગસ્ટ 2023 સુધી ભગવાન શ્રી રામના મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ જશે
ત્યારબાદ અમે પહોંચ્યા જ્યાં રામ મંદિર મોડેલ રાખવામાં આવ્યું છે. મંદિર પ્રશાસનનું માનીએ તો ભગવાન રામના મંદિરનું ઝડપી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કાર્યશાળામાં રામમંદિર નિર્માણકાર્ય માટે પથ્થરોની કોતરણી કામ કરવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. ઓગસ્ટ 2023 સુધી ભગવાન શ્રી રામના મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ જશે. કાર્યશાળાની અંદર પથ્થરોની કોતરણી માટે મોટી સંખ્યામાં કારીગરો કામ કરી રહ્યા છે. જે બંસી પહેડપુરથી આવેલા પથ્થરો જે પિન્ક સેન્ડ સ્ટોન તરીકે પણ ઓળખાય છે. તેમને શોધવામાં આવી રહ્યો છે. આ પથ્થરો 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે. ટ્રસ્ટે પણ એક દાવો કર્યો છે કે રામલલાનું મંદિર 1000 વર્ષ સુધી પ્રતિકૂળ વાતાવરણમાં પણ સુરક્ષિત રહેશે.
અમે સરયૂ નદીના ઘાટ પર પહોંચ્યા
અયોધ્યાની સફરે જ્યારે અમારી યાત્રા હોય ત્યારે એ પવિત્ર સ્થાનને કેવી રીતે રીતે ભુલી શકાય જેના કિનારે તમામ તિર્થ અને ચારેય યુગ વાસ કરતા હોય. સંધ્યાએ અમે સરયુ નદીના ઘાટ પર પહોંચ્યા અને આરતીનો લ્હાવો લીધો.
શ્રદ્ધાળુ શૈલેન્દ્રસિંઘે જણાવ્યું કે "અયોધ્યામાં ઘાટ પર અમે વહેલી સવારથી જ આવી ગયા હતા અને ઘાટ પાસે બેસીને અદભુત નજારો માણ્યો. અહીંયાનો વિકાસ ડબલ એન્જીનની સરકારને કારણે છે. પહેલા અહીંયા એટલો વિકાસ થયો ન હતો પરંતુ હવે કાયાપલટ થઇ છે. પોલીસ વ્યવસ્થા પણ સારી છે. યાત્રાળુઓને સુવિધા પણ મળી રહે છે "
તો આશુતોષ અવસ્થી નામના શ્રદ્ધાળુએ પણ જણાવ્યું કે "અયોધ્યામાં ખુબ જ સારો વિકાસ થયો છે. મોદીજીના કારણે આ બધું શક્ય છે. સુવિધાઓમાં વધારો થયો છે. અને મોદીજી અને યોગીજીના કારણે જ વિકાસ થઇ રહ્યો છે "
આધ્યાત્મ સાથે સરયૂ ઘાટનો વિકાસ પણ અમે જોયો
પહેલો દિવસ પૂર્ણ થયો અને બીજા દિવસે અમે પ્રભાતે પહોંચ્યા સરયૂ નદીના ઘાટ પર.ભક્તિમય માહોલ અમે ત્યાં નિહાળ્યો. સરયૂ નદીમાં યાત્રાળુઓ સ્નાન કરી રહ્યા હતા. ગૌપૂજા કરી રહ્યા હતા. આધ્યાત્મ સાથે સરયૂ ઘાટનો વિકાસ પણ અમે જોયો.સરયૂ નદીમાં બોટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રાળુઓ માટે,જેમાં બેસી લોકો એ અદભુત નજારો સરયૂ નદીનો માણી શકે. હું અને મારી સહયોગી કશિશે પણ બોટમાં બેસી નજારો માણ્યો. ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થવાથી ત્યાંના લોકોને રોજગારી મળી રહી છે. વડાપ્રધાન મોદીજીનું સ્વપ્ન છે કે તમામ ધાર્મિક સ્થળનો વિકાસ થાય અને ત્યાંના લોકો પણ આત્મનિર્ભર બને. અને તે સાકાર થયું છે અયોધ્યામાં.
ભગવાન હનુમાન આખા અયોધ્યાની રક્ષા કરે છે
જ્યાં રામ નથી ત્યાં મારૂ કોઈ કામ નથી,મૃત્યુલોકમાં આ શબ્દનો ઉચ્ચાર સૌથી પહેલા જો કોઈએ કર્યો હોય તો તે છે અજર અમર હનુમાન દાદા. એવું કહેવાય છે કે હનુમાન ગઢીના દર્શન વગર અયોધ્યાની યાત્રા અધુરી રહે છે, તેથી જ અમે પહોંચી ગયા માતા જાનકી અને પ્રભુ રામના પ્રિય એવા હનુમાન દાદાના શરણે. હનુમાન ગઢી મંદિર કે જેમાં ભક્તોની વિશેષ આસ્થા છે. વારાણસીમાં જે પ્રકારે કાલ ભૈરવને કાશીના કોટવાલ કહેવામાં આવે છે અને ત્યાં જવું જરૂરી છે, અહીંયા પણ તે પ્રકારની માન્યતા છે. માનવામાં આવે છે કે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા હોય કે પછી સરયૂ નદીમાં સ્નાન કરીનો પોતાના પાપ ધોવા હોય, ભક્તોએ પહેલા ભગવાન હનુમાન પાસેથી આજ્ઞા લેવી પડે છે. એવુ પણ માનવામાં આવે છે કે ભગવાન હનુમાન આખા અયોધ્યાની રક્ષા કરે છે. 76 સીડી ચડ્યા બાદ ભક્તો પવનપુત્ર હનુમાનજીની 6 ઈંચની પ્રતિમાના દર્શન કરે છે. તેની પાછળ હનુમાન ચાલીસાની રામ દુઆરે, તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પેસારે લખેલુ દેખાય છે. વડાપ્રધાન જયારે અયોધ્યા આવે ત્યારે પહેલા એ હનુમાનગઢી દર્શનાર્થે આવે છે અને પછી જ બીજા કાર્યક્રમમાં જાય છે.
હનુમાન ગઢીમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુએ કહ્યું કે "ભગવાન હનુમાન આખા અયોધ્યાની રક્ષા કરે છે. અમે હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ" પહેલા અયોધ્યામાં વિકાસ થયો ન હતો પરંતુ હવે ચિત્ર બદલાયું છે અને દૂર દૂર થી લોકો અહીંયા આવે છે. અને આ બધું જ દેન છે મોદીજી અને યોગીજીની.
મંદિર નિર્માણનું કામ 85 ટકા પૂર્ણ
અંતે ફરી એક નજર ભવ્ય રામ મંદિરના બાંધકામ પર જતા જતા કરી લઈએ તો 500 વર્ષ બાદ જે દિવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે આવનારા 1 હજાર વર્ષ સુધી આ મંદિર સુરક્ષીત રહેશે. તે જાણવું પણ અહી જરૂરી છે. તમને જણાવીએ કે રામ મંદિરનો પાયો 15 મીટર ઊંડો છે, 17 હજાર ગ્રેનાઈડ પથ્થર મંદિરમાં લાગી રહ્યા છે જે કર્ણાટકથી આવ્યા છે, તો ફાઉન્ડેશન સંપૂર્ણ પણે સ્ટોનથી બનેલું છે, તમામ પથ્થર 2 ટનના છે, મંદિર નિર્માણનું કામ 85 ટકા પૂર્ણ થઇ ગયું છે. રામનવમીના દિવસે સૂર્ય કિરણથી ભગવાન રામનો અભિષેક થાય તે પ્રકારની તૈયારી પણ કરવામાં આવી છે. તમને જણાવીએ કે બપોરના સમયે જ્યારે સૂર્યના કિરણો દક્ષિણમાં હશે ત્યારે મિરર અને લેન્સના માધ્યમથી સૂર્ય કિરણને રિફ્લેક્ટ કરીને સીધા ભગવાન રામના લલાટ પર લઈ જવાની યોજના પણ ચાલી રહી છે. તમને એ પણ જણાવીએ કે મંદિરમાં કોઈ પણ પ્રકારના લોખંડ અને સ્ટિલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપથી પણ મંદિરને કોઈ નુકસાન થશે નહીં. અયોધ્યાનો વિકાસ જોઈ લોકો મોદી યોગીને રામ લક્ષ્મણની જોડી કરી રહ્યા છે. બસ આજ બધી કાયાપલટ જોઈને દુનિયા કહી રહી છે કે મોદી હે તો સબ મુમકીન હૈ.