મણિપુરમાં તણાવ યથાવત, રજા પર આવેલા ભારતીય સૈનિકનું પહેલા અપહરણ અને પછી હત્યા
દેશના એક રાજ્ય મણિપુર હાલમાં શું થઇ રહ્યું છે તે કોઇનાથી છુપાયેલું નથી. થોડા દિવસો પહેલા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને તેને જાહેરમાં ફેરવવામાં આવી હતી અને તે પછી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશનું માથું શરમથી નમી ગયું હતું. એકવાર ફરી એક એવી ઘટના બની છે જેણે લોકોને હચમચાવી દીધા છે. મળતી માહિતી અનુસાર, મણિપુરમાં ભારતીય સેનાના જવાનનું અપહરણ અને હત્યાનો મામલો સામે આવ્યો છે.
સૈનિકનું અપહરણ અને બાદમાં હત્યા કરાઈ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુનિંગથેક ગામમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. માર્યા ગયેલા સૈનિકની ઓળખ સિપાહી સેર્ટો થંગથાંગ કોમ તરીકે થઈ છે. તે કાંગપોકપીના લિમાખોંગ ખાતે આર્મીના ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સ પ્લાટૂનમાં પોસ્ટેડ હતો. માર્યા ગયેલા સૈનિક ઇમ્ફાલ પશ્ચિમના તરુંગનો રહેવાસી હતો. જ્યારે સૈનિકનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે તેનો માસૂમ પુત્ર પણ ત્યાં હાજર હતો. મળતી માહિતી અનુસાર, ત્રણ અજાણ્યા બદમાશો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી.
સવારે 9.30 કલાકે મૃતદેહ મળી આવ્યો
જ્યારે તે ઇમ્ફાલ પશ્ચિમના હેપ્પી વેલી, તરુંગમાં તેના ઘરે રજા પર આવ્યો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેને ડીએસસી પ્લાટૂન, લિમાખોંગ, મણિપુરમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની અને 2 બાળકો છે. સંરક્ષણ મંત્રાલયના પીઆરઓ, કોહિમા અને ઇમ્ફાલે આ માહિતી આપી છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા એક આર્મી જવાનનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની હત્યા કરવામાં આવી હતી. આજે સવારે 9.30 કલાકે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
10 વર્ષના દીકરા માહિતી આપી
અધિકારીઓએ તેમના પુત્રને ટાંકીને જણાવ્યું હતું કે, "સશસ્ત્ર માણસોએ કોન્સ્ટેબલના માથા પર પિસ્તોલ રાખી હતી અને ઘટનાસ્થળેથી ભાગતા પહેલા તેને સફેદ વાહનમાં બેસાડ્યો હતો." અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, "રવિવારની સવાર સુધી સિપાહી કોમના કોઈ સમાચાર મળ્યા ન હતા. ઈમ્ફાલ પૂર્વમાં સોગોલમાંગ પીએસ હેઠળ મોંગજામના પૂર્વમાં આવેલા ખુનિંગથેક ગામમાં સવારે લગભગ 9.30 વાગ્યે તેનો મૃતદેહ મળી આવ્યો હતો."
આ પણ વાંચો - મણિપુરમાં માનવતા મરી પરવારી… મહિલાઓને નગ્ન પરેડ કરાવવામાં આવી, Video Viral
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે