Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિંધ, સિંધિયત અને સંસ્કૃતિની ઓળખ-ગાંધીધામ

ગુજરાતના રણપ્રદેશ કચ્છની વચ્ચે એક ઔદ્યોગિક શહેર વસે છે, વિસ્તારની દૃષ્ટિએ કચ્છ ગુજરાત જ નહીં પણ દેશનો સૌથી મોટો જિલ્લો છે, જિલ્લાનું મુખ્ય મથક ભુજ ભલે હોય પણ આર્થિક પાટનગર તો ગાંધીધામ છે. ગાંધીધામથી 13 કિલોમિટર દૂર કંડલા બંદર...
સિંધ  સિંધિયત અને સંસ્કૃતિની ઓળખ ગાંધીધામ

ગુજરાતના રણપ્રદેશ કચ્છની વચ્ચે એક ઔદ્યોગિક શહેર વસે છે, વિસ્તારની દૃષ્ટિએ કચ્છ ગુજરાત જ નહીં પણ દેશનો સૌથી મોટો જિલ્લો છે, જિલ્લાનું મુખ્ય મથક ભુજ ભલે હોય પણ આર્થિક પાટનગર તો ગાંધીધામ છે.

Advertisement

ગાંધીધામથી 13 કિલોમિટર દૂર કંડલા બંદર છે, જે ગુજરાત અને ભારતનાં વેપાર-ઉદ્યોગો માટે વૈશ્વિક મથક છે. કચ્છના જાણીતા સાહિત્યકાર માવજી મહેશ્વરી એટલે જ ગાંધીધામને 'કચ્છનું મુંબઈ' ગણાવે છે.

ઉજ્જડ રણમાં 2001ના વિનાશકર ભૂકંપ બાદ ફરી બેઠું થયેલું આ નગર જેટલું રસપ્રદ છે, એટલી જ રસપ્રદ છે એના સર્જન અને વિકાસની કહાણી.

Advertisement

'કચ્છનું મુંબઈ' ગાંધીધામ

પાકિસ્તાનમાં પોતાનું ઘર, વતન, વેપાર-ધંધા સઘળું ગુમાવીને આવેલા સિંધીઓએ આ શહેર ઉજ્જડ રણમાં ઊભું કર્યું. ઘરો, ઉદ્યોગો, બૅન્ક, શાળા-કૉલેજો વસાવ્યાં અને ગુજરાતને મળ્યાં ગાંધીધામ-આદિપુર અને કંડલા.

Advertisement

નવી દિલ્હીમાં વસતા સાહિત્ય અકાદમી પુરસ્કૃત લેખક મોહન ગેહાણીએ ગાંધીધામ પર 'ડેઝર્ટલૅન્ડ ટુ હોમલૅન્ડ' નામનું પુસ્તક લખ્યું છે.

તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "હું આ વિશે લખવા આકર્ષાયો કેમ કે આજ સુધી જે શહેરો બન્યાં છે, તે રાજાઓ, મહારાજાઓ, નવાબોએ બનાવ્યાં છે. પણ એક સામાન્ય માણસ દૂરદર્શિતા સાથે આવે અને એ હિંમત કરે કે આપણે નગર ઊભું કરવું છે, તો એ વાતથી હું પ્રેરાયો કે આ વિશે મારે લખવું જોઈએ."

ગાંધીધામ
ગાંધીજીની હત્યાના 12 દિવસ પછી તેમનાં અસ્થિ મૂકીને અહીં સમાધિ બનાવવામાં આવી હતી અને સરદારગંજના બદલે શહેરને ગાંધીધામ નામ આપવામાં આવ્યું હતું.

30 જાન્યુઆરી 1948, નવી દિલ્હીની વાત છે. આથમતો સૂરજ દેશને શોકાતુર કરતો ગયો, પંદર-સત્તર મિનિટ પહેલાં જ ઘડિયાળમાં પાંચના ટકોરા પડ્યા હતા.

નાથુરામ ગોડસેએ પ્રાર્થનાસ્થળે પહોંચેલા ગાંધીજીની છાતીમાં અને પેટમાં એક પછી એક ત્રણ ગોળીઓ ઉતારી દીધી હતી, 'રા...મ' શબ્દો સરી પડ્યા અને ગાંધીજીનું શરીર ઢળી પડ્યું.

હત્યાના થોડા જ કલાકો પહેલાં ગાંધીજીને કચ્છના દીવાન તરફથી એક તાર આવ્યો હતો, તાર મળ્યા બાદ ગાંધીજીએ જલદી જ ગુજરાતની મુલાકાત લેવાનો વાયદો કર્યો પણ પ્રાણાંત સાથે વાયદો અધૂરો રહી ગયો.

આ તારમાં ભારતની પશ્ચિમે આવેલા કચ્છના રણમાં એક નવા શહેરનો પાયો નાખવાની વાત હતી, જેનું ઉદ્ઘાટન ગાંધીજીના હસ્તે થવાનું હતું.

નવી દિલ્હીથી ગાંધીજીનાં થોડાંક અસ્થિ લાવવામાં આવ્યાં, થોડાં અસ્થિ કંડલાનાં પાણીમાં પધરાવ્યાં અને થોડાંક અસ્થિ રાખીને ગાંધીજીની સમાધિ બનાવાઈ.

નવા બનનારા નગરને સરદારગંજને બદલે ગાંધીધામ નામ આપવામાં આવ્યું, જે દિવસે ગાંધીજીનાં અસ્થિ લવાયાં હતાં, એ દિવસ એટલે કે 12 ફેબ્રુઆરીએ ગાંધીધામ શહેરનો સ્થાપનાદિન મનાવાય છે.

અહીં ગાંધીધામ-આદિપુર જોડિયાં શહેરો અને કંડલા બંદર વિકસાવાયાં હતાં.

ગાંધીધામ અને કંડલાનું સપનું સેવનાર ભાઈ પ્રતાપ
ગાંધીધામ બનાવવાની જવાબદારી પેતાના ખભે ઉપાડનાર ભાઈ પ્રતાપ એટલે કે પ્રતાપ મૂળચંદ દયાલદાસ.

ભાઈ પ્રતાપ વેપારીની સાથે-સાથે સિંધી કૉંગ્રેસ નેતા હતા અને ગાંધીજીને પોતાના ગુરુ ગણાવતા હતા, તેમણે આ નગર અને બંદર ઊભાં કરવાની જવાબદારી લીધી.

આદિપુરમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિંધોલૉજીના ડિરેક્ટર રહી ચૂકેલા લખમીચંદ ખિલાણીનો જન્મ વર્ષ 1935માં આજે પાકિસ્તાનમાં આવેલા સિંધમાં થયો હતો, ભારત આવ્યા બાદ તેઓ કોલકતામાં સ્થાયી થયા હતા.

તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "ભારતમાં આઝાદી પછી નગરો નથી બન્યાં, એવું નથી. ચંડીગઢ, ભુવનેશ્વર, ગાંધીનગર બન્યાં છે, પણ એ સરકારે બનાવ્યાં છે. આ ગાંધીધામ એ ભાઈ પ્રતાપની મહેનતની ઉપજ હતી."

તેઓ કહે છે, "ભાઈ પ્રતાપને લાગ્યું કે પકિસ્તાનના સિંધમાં પોતાનું સઘળું છોડીને આવેલા સિંધિઓ જો અહીં આવીને વેરવિખેર થઈ જશે તો તેમની ભાષા, સાહિત્ય, સંગીત બધું ખોવાઈ જશે અને તેમની ઓળખ પણ ગુમ થઈ જશે."

"એ સગળું જાળવી રાખવા માટે પોતાની જમીન જરૂરી છે, એટલે એમને અહીં એક નગર ઊભું કરવાનો વિચાર આવ્યો."

કચ્છના મહારાજે 15 હજાર એકર જમીન આપી

આ નગરને ઊભું કરવા માટે એમની સાથે ગાંધીજી, સરદાર પટેલ, આચાર્ય કૃપલાણી, જવાહરલાલ નહેરુ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પણ હતા.

નિર્વાસિતો માટે ગાંધીધામ વસાવવાના ઉદ્દેશથી 1948માં 'ધ સિંધુ રિસેટલમૅન્ટ કૉર્પોરેશન ઇન્ડિયા'ની સ્થાપના કરવામાં આવી, આચાર્ય કૃપલાણીના નામે ઓળખાતા જે. બી. કૃપલાણી આના પ્રથમ ચૅરપર્સન બન્યા અને ભાઈ પ્રતાપ મૅનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી.

ભાઈ પ્રતાપે 1952માં ગાંધીધામ પર એક લેખ લખ્યો હતો, એમાં તેઓ લખે છે:

"પાકિસ્તાનથી આવેલા લોકો વેરવિખેર થઈ ગયા અને તેમાંથી શક્ય હોય એટલાને ભેગા કરીને રહેવાની જગ્યા આપવા માટે ઑગસ્ટ 1947માં જ આ સ્કીમનો વિચાર આવ્યો. ગાંધીજીએ આ સ્કીમને આશીર્વાદ આપ્યા અને કચ્છના મહારાજે આ માટે જમીન આપી."

ભાઈ પ્રતાપનાં દીકરી અરુણા જગતિયાણીએ 'ધ ફાઇનલ હોમકમિંગ' નામથી પુસ્તક લખ્યું છે, તેઓ સિંધુ રિસેટલમૅન્ટ કૉર્પોરેશનનાં હાલમાં ચૅરપર્સન છે.

તેઓ લખે છે, "ભાઈ પ્રતાપે કચ્છના મહારાજ વિજયરાજ ખેંગરાજ જાડેજાનો સંપર્ક સાધ્યો અને ગાંધીજીના કહેવા પર મહારાજે અંદાજે 15 હજાર એકર જેટલી જમીન સિંધના નિર્વાસિતો માટે ફાળવી આપી હતી."

સિંધુ રેસટલમૅન્ટ કૉર્પોરેશનના ડિરેક્ટર સુરેશ નિહલાણી કહે છે, "આ જમીન કેન્દ્ર સરકારને સરન્ડર કરી દેવી પડી અને 2600 એકર જમીન પર નગર બનાવવા માટે સિંધુ રેસટલમૅન્ટ કૉર્પોરેશનની સ્થાપના કરવામાં આવી અને એનાં શૅર બહાર પાડવામાં આવ્યા હતા." આ શૅરની કિંમત એક હજાર રૂપિયા રાખવામાં આવી હતી અને જે વ્યક્તિ શૅર ખરીદે તેમને મફતમાં જમીન આપવામાં આવતી હતી.  8000 લોકોએ આ સ્કીમનો લાભ લીધો અને 25 ટકા શૅર સરકારે પોતાના હસ્તક લીધા હતા.

કરાંચી અને હૈદરાબાદ જેવું નગર ઊભું કરવાનું સપનું

એ જમાનાનું ગાંધીધામ, હૈદરાબાદ અને કરાંચી શહેરોની જેમ નીચે દુકાન અને ઉપર રહેઠાણવાળી ઇમારતો બાંધવામાં આવી હતી.

કરાંચી અને હૈદરાબાદની પ્રતિકૃતિ માટે તેમને કરાંચી બંદર જેવા એક બંદરની જરૂર હતી અને તે ખોટ કંડલા બંદર તરીકે પૂરી થઈ.

નગર બનાવવા માટે જે જગ્યાની પસંદગી થઈ હતી, એ ઉજ્જડ રણ હતું.સાપ અને વીંછી જેવાં ઝેરી જનાવર મોટી સંખ્અયામાં હતાં તેથી અહીં કોઈ રહેવા તૈયાર નહોતું,

"મરેલો વીંછી લાવનારને ચાર આના આપવામાં આવતા હતા અને મરેલો સાપ લાવનારને આઠ આના આપવામાં આવતા હતા. આ યુક્તિને પ્રતિસાદ મળ્યો અને એ રીતે ધીમે-ધીમે એ જગ્યા સાફ થવા લાગી."

એ વાતનો પણ ખ્યાલ રખાયો કે આ વિસ્તારમાં ભૂકંપ આવતા રહે છે. તેથી ભૂકંપને ધ્યાનમાં રાખીને આખો પ્લાન બનાવ્યો અને એટલે જ જ્યારે વર્ષો પછી ભૂકંપ આવ્યો ત્યારે પહેલાં જે ઇમારતો બનાવાયેલી એને કંઈ જ નુકસાન થયું ન હતું."

આ નગરનું પ્લાનિંગ થતું હતું એ વખતે ઇટાલીના જાણીતા આર્કિટેક્ટ અને અમેરિકાના જાણીતા પ્લાનિંગ કન્સલ્ટન્ટ્સને બોલાવાયા હતા.

ગાંધીધામ
શાળાઓની ઇમારતો બનાવવાની બાકી હતી, ત્યારે અહીં મેદાનોમાં વર્ગો ભરાતા હતા.

અહીં લોકો માટે જળસ્રોત, ડ્રૅનેજ વ્યવસ્થા,વીજપુરવઠો, રસ્તા, સહકારી બૅન્કની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

જમીન અને રોજગારીવિહોણા નિર્વાસિતો માટે ઔદ્યોગિક અને વેપારી તકો વિકસાવવાની સાથે-સાથે શિક્ષણની તકો પણ ઊભી કરવામાં આવી હતી.

શિક્ષણ અને રોજગારીની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુ સાથે 1950-51માં મૈત્રી મંડળ નામના સંગઠનની સ્થાપના કરવામાં આવી.

જેના પ્રયાસોથી શાળાઓ, કૉલેજો ઊભી કરવામાં આવી અને જોડાજોડ ઔદ્યોગિક તાલીમો પણ આપવામાં આવતી હતી.

મહિલાઓને દરજીકામ, ઍમ્બ્રૉઇડરી અને કળા શીખવવા માટે નારીશાળા પણ શરૂ કરવામાં આવી હતી.

નવા નગર ગાંધીધામમાં શિક્ષણની તકો ઊભી કરવામાં અનેક સામાજિક સંસ્થાઓએ પણ મદદ કરી  હતી.

ગાંધીધામનાં અનોખાં સરનામાં

 

ગાંધીધામ સેક્ટરોમાં વહેંચાયેલું છે, જ્યારે આદિપુર વોર્ડમાં વહેંચાયેલું છે.

ગાંધીધામની અનોખી ઓળખ તેનાં સરનામાં છે, અહીં ઘરોનાં પાટિયાં પર SDB 123, SDX50, TRS69 આવા નંબર લખેલા જોવા મળે છે. જોકે આ નંબર એ સરનામાંની અનોખી વ્યવસ્થા છે.

એક જર્મન ઇજનેર અને ભાઈ પ્રતાપે ઘરના પ્રકાર, વિસ્તાર, મકાનના નંબરના આધારે આ પ્રમાણેનાં સરનામાં પાડ્યાં હતાં, જેનો ઉદ્દેશ સરનામાં નાનાં કરવાનો હતો.

એ જમાનામાં નિરાશ્રિતોને અહીં ઘર ભાડેથી આપવામાં આવતાં હતાં અને અહીંનાં ઘરો તેનાં ભાડાંથી ઓળખાતાં હતાં.

અરુણા લખે છે કે ગાંધીધામનાં ઘરો 'દો વાલી, છે વાલી, દસ વાલી' તરીકે ઓળખાતાં હતાં, જેના ભાડા અનુક્રમે બે રૂપિયા, છ રૂપિયા અને દસ રૂપિયા હતા.

 "એ વખતે બૅન્કની પણ રચના કરવામાં આવી હતી, જેમની પાસે આર્થિક સગવડ ન હોય તેમને મકાન ખરીદવા માટે અહીંથી લૉન આપવામાં આવતી હતી."

સિંધુ રિસેટલમૅન્ટ કૉર્પોરેશનના ડિરેક્ટર પ્રેમ લાલવાણી કહે છે, "અમે પાકિસ્તાનથી બધુ ગુમાવીને આવ્યા હતા અને અમે જેવું ઇચ્છતા હતા, એવું શહેર અમને અહીં મળ્યું છે."

ગુજરાતી ભાષાનાં જાણીતાં લેખક શરીફા વીજળીવાળાએ તેમના પુસ્તક 'વ્યથાની કથા' માટે ગાંધીધામમાં કેટલાક લોકોની મુલાકાત લીધી હતી.

"આદિપુરના લોકોમાં કૃતજ્ઞતાનો ભાવ હતો કે ભાઈ પ્રતાપે અમારા માટે આ નગર ન વસાવ્યું હોત, તો અમે લોકો ક્યાંયના ન રહ્યા હોત."

"રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કે અન્ય સ્થળોએ જે સિંધી લોકો હિજરત કરીને ગયા એ લોકો વિખેરાઈને રહ્યા પણ અહીંના લોકો માને છે કે અહીં તેઓ સ્થાયી થ,યા એમાં ભાઈ પ્રતાપનું યોગદાન છે."

જોકે શરીફા વીજળીવાળા બીજી એક બાબત પર પણ પ્રકાશ પાડે છે.

તેઓ કહે છે કે ગાંધીધામમાં તેઓ જે લોકોને મળ્યા, એમાં એક ફરિયાદ એવી પણ હતી કે અહીં જુદી-જુદી કૉમ્યુનિટીના કારણે ગાંધીધામને પોતીકી ઓળખ ન મળી, જે બીજાં શહેરોને મળતી હોય છે.

કંડલા
ગાંધીધામથી 13 કિલોમિટર દૂર કંડલા બંદર બની રહ્યું હતું, એ વખતની તસવીર.

2011ની વસતીગણતરી પ્રમાણે અંદાજે અઢી લાખની વસતી ધરાવતું ગાંધીધામ આજે એક ઉદ્યોગકેન્દ્ર બની ગયું છે અને તેમાં સૌથી મોટો ફાળો કંડલા બંદરનો છે.

કંડલા બંદર માત્ર કચ્છ જ નહીં પણ ગુજરાત અને દેશ માટે ઑઇલની આયાત અને અનાજની નિકાસ માટે હબ મનાય છે.

વહાણવટું, મીઠું અને લાકડું, એ ગાંધીધામ સાથે સંકળાયેલાં પરંપરાગત ઉદ્યોગો છે અને આજે ગાંધીધામની જીવાદોરીસમાન છે.

2001ના ભૂકંપ પછી ગાંધીધામમાં સ્ટીલ પ્લાન્ટ, ટેક્સ્ટાઇલ ફેકટરીઓ સહિતના ઉદ્યોગો પણ આવ્યા, જેણે ભૂકંપ બાદ નગરને બેઠું થવામાં મદદ કરી હોવાનું મનાય છે.

સુરેશ નિહલાણી કહે છે, "સિંધી પ્રજા મળતાવડી છે, આટલાં વર્ષોમાં સિંધીઓએ ગુજરાતી, કચ્છીઓ સાથે ભાઈ-બહેનના નાતા કરી દીધા અને આજે સહજીવન છે."

"સિંધીઓએ આ નગર વસાવ્યું પણ ધીમે-ધીમે અન્ય પ્રજાઓ પણ આવીને અહીં વસવા લાગી અને એ રીતે અહીં સહજીવન થયું."

સિંધ, સિંધિયત અને સંસ્કૃતિ

ગાંધીધામ
સિંધી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની જાળવણી માટે આદિપુરમાં સ્થપાયેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિંધોલૉજી

સિંધી પ્રજા પોતાનાં ઘર, વતનની સાથે પોતાની સિંધ ભૂમિ પાછળ છોડીને આવી હતી. સિંધીઓ ભારતમાં આવી વસ્યા પણ સિંધ અને 'સિંધિયત' પાછળ છૂટી ગયાં હતાં.

શરીફા વીજળીવાળાએ 'વ્યથાની કથા' પુસ્તકમાં કચ્છના આઠ સિંધીઓ અને બે ભોપાલના સિંધીઓ સાથેની મુલાકાત સમાવી છે.

શરીફાબહેને પુસ્તકમાં નોંધે છે, "વળી સિંધી મૂળભૂત રીતે વેપારી પ્રજા એટલે જે પ્રદેશમાં જાય, ત્યાંની ભાષા બોલે. એટલે સિંધી ભાષા અને સાહિત્યના ભાગે વિકસવાને બદલે વેઠવાનું જ આવ્યું. વળી નવી પેઢી અરેબિક લિપિ શીખી જ નહીં એટલે પણ સિંધી સાહિત્યના પ્રસારના પ્રશ્નો ઊભા થયા."

જોકે સિંધી પ્રજા કચ્છમાં આવી, શહેર વસાવ્યું, એનાં કેટલાંક ભાષાકીય, સાંસ્કૃતિક, ભૌગોલિક કારણો છે.

કચ્છી એ સિંધી ભાષાથી મળતી બોલી છે. ભાષાકીય અને સાંસ્કૃતિક સરહદો પ્રાકૃતિક હોય છે અને એ રાજકીય સરહદો કરતાં જુદી હોઈ શકે. જેમકે ભાષાકીય અને સાંસ્કૃતિક દૃષ્ટિએ કચ્છ એ સિંધી સરહદમાં આવે અને એટલે સિંધીઓને કચ્છ સાથે ઐતિહાસિક સંબંધ છે.

ધરતી ગુમાવવા છતાં સિંધી પ્રજા ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ સ્વરૂપે વારસો જાળવી રાખવા મથે છે અને એ જ પ્રયાસોના પરિણામે આદિપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિંધોલૉજી ત્રણેક દાયકા પહેલાં ઊભું કરવામાં આવ્યું છે

"ભાગલા પછી ભારતના પંજાબીઓને અડધું પંજાબ મળ્યું, બંગાળીઓને અળધું બંગાળ મળ્યું પણ સિંધીઓને તો સિંધનો ટુકડો પણ ન મળ્યો."

"જે સિંધે હિંદનું નામ આપ્યું, એ સિંધ આજે સિંધી પ્રજા ગુમાવી ચૂકી છે."

આ પણ વાંચો: શું શોધી રહ્યો છે માણસ ઈશ્વરમાં? 

Tags :
Advertisement

.