Shankar Singh Vaghela : 'હું નરેન્દ્રભાઇ અને અમિતભાઇને કહીશ કે..'
ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારુને છૂટ આપવાના સરકારના નિર્ણય અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સરકારે આટલા વર્ષે થોડી હિંમત કરી તેથી તેને હું અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે હાલની દારૂબંધીની નીતિ દંભી નીતિ છે. દારુનો મે ટેસ્ટ કરેલો છે એટલે કહું છું કે આ બધું નકામું છે.
મહાત્મા મંદિરમાં પણ દારુની છૂટ મળવી જોઇએ
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટમાં પણ દારુની મુક્તિ મળશે તથા મહાત્મા મંદિરમાં પણ દારુની છૂટ મળવી જોઇએ. ધોલેરા, કચ્છ ધોરડો, નડા બેટ સહિતના સ્થળોએ પણ દારૂની છૂટ આપવી જોઈએ. તેમણે યુવાનો દારુના બદલે ડ્રગ્સના રવાડે ચડ્યું છે તેમ કહેતા જણાવ્યું કે હું પોતે દારૂ પીતો નથી, કોઈ દારૂ પીવે એ મને ગમતું નથી. મેં ટેસ્ટ કરેલો છે એટલે કહું છું કે આ બધું નકામું છે.
આખા રાજ્યમાં છૂટ આપવી જોઇએ
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ફક્ત રુપિયાવાળા માટે નહીં પણ બધા માટે છૂટ હોવી જોઇએ. દેશી મહુડાના દારૂ માટે સરકારે છૂટ આપવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે હવે ગિફ્ટ સિટીમાં છૂટ આપી જ દીધી છે તો આખા રાજ્યમાં છૂટ આપવી જોઇએ. દારુની સરકારને કરોડો રુપિયાની આવક થવાની છે. ગાંધીજીના પોરબંદર સહિત મોદીના વતન વડનગરમાં પણ દારૂ ની છૂટ આપવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું.
હું નરેન્દ્રભાઈ અને અમિતભાઇને કહીશ કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવી જોઈએ
શંકરસિંહે કહ્યું કે ઘણાં દારુ માટે ઉદેપુરમાં લગ્ન કરે છે અને કરોડો રુપિયાનો ત્યાં ખર્ચો કરે છે ત્યારે હવે ગિફ્ટ સિટી સુધી જ મર્યાદિત ના રહેવું જોઇએ. તેમણે એમ પણ કહીશ કે હું નરેન્દ્રભાઈ અને અમિતભાઇને કહીશ કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવી જોઈએ. ગાંધીજી માત્ર ગુજરાતના નહીં પણ આખા દેશના હતા. એટલે દિલ્હી મુંબઈમાં દારૂ મળે અને ગુજરાતમાં નહિ તે ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે દારુની છૂટ આપવાથી ઉદ્યોગો વધશે પણ દારુ ન હતો છતાંય ગુજરાતમાં ઉદ્યોગો આવ્યા જ હતા. દારુનો કુટિર ઉદ્યોગ શરુ થવો જોઇએ.
આ પણ વાંચો----GANDHINAGAR : ગિફ્ટ સિટીમાં દારુની છૂટ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું