કચ્છના રણોત્સવનો આર્થિક વિકાસમાં બહોળો ફાળો નોંધાયો
અહેવાલ કૌશિક છાંયા
સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ રણોત્સવમાં ઉપસ્થિત રહ્યાં
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે 'લાઈટ એન્ડ સાઉન્ડ શો' નો શુભારંભ કરાવ્યા બાદ કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. કચ્છની પ્રવાસન સમૃદ્ધિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કચ્છ પર્વતો, સમુદ્રકિનારો, અનોખું કહી શકાય તેવું સફેદ રણ, સરહદો સહિતની વિશેષતાઓ સાથે અમાપ કુદરતી સૌંદર્ય ધરાવે છે. પ્રવાસન ક્ષેત્રે કચ્છનો વિકાસ પીએમ નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિ અને ભગીરથ પ્રયાસોનું પરિણામ છે.
દેશમાં સૌથી વધારે વિદેશી મહેમાનો કચ્છની મુલાકાતે આવ્યાં
વર્ષ ૨૦૨૨ માં ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની કુલ સંખ્યામાં ૨૦.૧૭ ટકાના હિસ્સા સાથે ગુજરાતનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે. આ ઉત્સવ શરૂઆતમાં ત્રણ દિવસનો હતો, જે આજે ઉમેરાયેલા નીતનવા આકર્ષણ સાથે ૧૨૦ દિવસનો ઉત્સવ બની રહ્યો છે. વર્ષ ૨૦૨૨ માં ૩.૫ લાખ જેટલા પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી છે જ્યારે ચાલુ વર્ષે ૧.૭૫ લાખ પ્રવાસીઓ તેનો આનંદ લઈ ચૂક્યા છે. કચ્છનું રણ વિશ્વ પ્રવાસનના તોરણ સમાન બન્યું છે જ્યારે રણોત્સવ ગ્લોબલ ટુરિઝમનું સ્પોટ બની ગયું છે.
કચ્છના રણોત્સવનો આર્થિક વિકાસમાં મોટો ફાળો
તેની સાથે રણોત્સવે ગયા વર્ષે રાજ્યની જીએસડીપીમાં રૂ. ૪૬૮ કરોડનો ફાળો આપ્યો છે. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં સરક્રીકમાં સમુદ્રી દર્શન, ધોરડોમાં નવી ટેન્ટ સીટી, વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં નવી પ્રવાસન સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેથી સરકાર કચ્છની સાથે સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવા પ્રયાસરત છે.
આ પણ વાંચો: કચ્છના રણોત્સવમાં ચાર ચાંદ લગાવવા અનોખા કાર્યક્રમનું થયું નિર્માણ