ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યાં વડાપ્રધાનશ્રી, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત
ઉઝબેકિસ્તાની શહેર સમરકંદમાં બે દિવસીય SCO સમિટનો પ્રારંભ થયો છે. ચીન, ભારત, રશિયા અને પાકિસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષો તેમાં ભાગ લઈ રહ્યાં છે. ચારેય દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સમરકંદ પહોંચી ચૂક્યા છે. ગુરુવારે સાંજે પ્રધાનમંત્રીશ્રી મોદીનું વિમાન પણ સમરકંદ એરપોર્ટ પર ઉતર્યું હતું.
શુક્રવારે વડાપ્રધાનશ્રી મોદી સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઉઝ્બેકિસ્તાન અને ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાનશ્રી મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કોઈ દ્વિપક્ષીય બેઠક કે મુલાકાત અને પાકિસ્તાનના પીએમ શરીફને મળવા પર હજુ સુધી વિદેશ મંત્રાલયે કોઈ માહિતી આપી નથી.
શુક્રવાર 16 સપ્ટેમ્બરે ભારતીય સમયાનુસાર સવારે 10 કલાક બાદ એસસીઓ સભ્ય દેશોના પ્રમુખોની બેઠક થશે. પીએમ મોદીનો સમરકંદ પ્રવાસ આશરે 24 કલાકથી ઓછા સમયનો હશે. પીએમ મોદી 16 સપ્ટેમ્બરે રાત્રે દિલ્હી પરત ફરશે.