Gondal: દર્દીઓની સારવાર રામ ભરોસે! સિવિલમાં છે માત્ર એક જ ડોક્ટર?
Gondal: ગોંડલ શહેર અને તાલુકાનાં ખાસ કરીને મધ્યમવર્ગીય લોકો માટે તબીબી સારવારનો આધારસ્તંભ ગણાતી અને 150 બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલ (civil Hospital) હાલ માત્ર એક ડોક્ટર પર નભતી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અહીં માત્ર એક જ ડોક્ટર હોવાથી દર્દીઓ ભારે હેરાન થઈ રહ્યા છે. ઓપીડી વિભાગમાં સવારથી દર્દીઓની લાઇનો લાગી હોય છે. ત્યારે માત્ર એક જ ડોક્ટર હોવાથી મોટાભાગના દર્દીઓનો વારો આવતો ના હોવાથી સારવાર માટે લાચાર બનવું પડે છે.
ત્રણ ડોકટરમાંથી માત્ર 1 ડોકટર ફરજ પર હાજર
સિવિલ હોસ્પિટલ (civil Hospital)માં છ ડોક્ટરનું સેટઅપ છે, પરંતુ માત્ર ચાર ડોક્ટર ભરેલ છે. તેમાંથી બે ડોક્ટરની જગ્યા ખાલી છે. તે પૈકી એક ડોક્ટર જેતપુર ડેપ્યુટેશન પર છે. ત્રણ ડોકટરમાંથી માત્ર 1 ડોકટર ફરજ પર હાજર છે. તેમા પણ ઇમરજન્સી આવેતો ચેકઅપ કરવા આ ડોક્ટરને દોડી જવું પડતું હોય રાહમાં બેઠેલા દર્દીઓની પરેશાનીમાં વધારો થાય છે. જો ફરજ પરના એક માત્ર ડોકટરને આકસ્મિક કે કુદરતી મૃત્યુ પામતા મૃતદેહોને પી.એમ કરવાનું થાય ત્યારે પી.એમ કરવા જાય તે દરમિયાન જો કોઈ ઈમરજન્સી કેસ આવે તો દર્દીને ઈમરજન્સી પ્રાથમિક સારવાર ના મળે તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
દર્દીઓની હાલત અત્યારે અત્યંત દયનીય બની
ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલની ગાયનેક વિભાગની હાલત પણ બદતર છે. અહીં મહિને સરેરાશ 100 જેટલી પ્રસુતિ થાય છે, પણ ખાટલે મોટી ખોટ હોય તેમ એક પણ ગાયનેક ડોક્ટર નથી. બીજી તરફ હાલ રોગચાળા સિઝન ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર એક ડોક્ટર હોવાથી સારવાર માટે આવતા દર્દીઓની હાલત અત્યારે દયનીય બની જવા પામી છે. ચોર્યાસી ગામડાં ધરાવતો તાલુકો અને દોઢ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરનાં મધ્યમ વર્ગીય લોકો માટે સિવિલ હોસ્પિટલ મહત્વની હોય છે. આરોગ્ય તંત્ર દ્વારા ગંભીરતા દાખવવા અત્યારે લોકમાંગ પ્રબળ બની છે.