મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલી દેવાનું બંધ કરો : મલાલા
કર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલા હિજાબ
વિવાદમાં પાકિસ્તાની સામાજિક કાર્યકર્તા અને નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ
પણ આવી ગઈ છે. મલાલાએ સોશિયલ મીડિયા દ્વારા વિવાદને ભયાનક ગણાવ્યો છે અને ભારતીય
નેતાઓને અપીલ કરી હતી કે, તેઓ ભારતીય મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલવાનું બંધ
કરે.
શું લખ્યું છે પોસ્ટમાં
મલાલાએ પોતાની પોસ્ટમાં લખ્યું- "છોકરીઓને હિજાબ પહેરીને કોલેજ જતી અટકાવવી એ
ભયાનક છે. વધુ કે ઓછા કપડાં પહેરતી મહિલાઓ પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.
ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલી દેવાનું બંધ કરવું જોઈએ"
કેટલા સમયથી ચાલી રહ્યો છે વિવાદ?
કર્ણાટકમાં હિજાબનો વિવાદ જાન્યુઆરીમાં
શરૂ થયો હતો. ઉડુપીની સરકારી પીયુ કોલેજમાં 6 મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ
પહેરીને ક્લાસમાં જવા પર રોક લગાવવામાં આવી હતી. કોલેજ મેનેજમેન્ટે નવી યુનિફોર્મ
પોલિસીને કારણ જણાવ્યું હતું. ત્યાર બાદ કેટલીક યુવતીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી
હતી. છોકરીઓની દલીલ છે કે તેમને હિજાબ પહેરવાની મંજૂરી ન આપવી એ બંધારણની કલમ 14
અને 25 હેઠળના તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે
ગજવા-એ-હિંદ એંગલ ઉમેર્યો
મંગળવારે કર્ણાટક હિજાબમાં એક નવો એંગલ ઉમેરવામાં આવ્યો જ્યારે
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, હિજાબ વિવાદ પાછળ ગઝવા-એ-હિંદનો હાથ છે. તેમણે તેને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ
પહોંચાડવાનું ષડયંત્ર ગણાવ્યું છે. વિવાદને રોકવા માટે કર્ણાટક સરકારે આગામી ત્રણ દિવસ માટે શાળાઓ અને
કોલેજો બંધ રાખવાનો નિર્દેશ આપવો પડ્યો. આ વિવાદ કર્ણાટકની સીમાઓથી આગળ
વધીને અન્ય રાજ્યોમાં પણ પહોંચી ગયો હતો ત્યાર બાદ હવે દેશ બહાર પણ પહોચ્યો છે.
મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ
પરમારે કહ્યું કે, "હિજાબ પર પ્રતિબંધ મૂકવો તે એકદમ યોગ્ય છે. તેમણે કહ્યું કે અમારી સરકાર અનુશાસન
પર ભાર મૂકશે. હિજાબ એ સ્કૂલ યુનિફોર્મનો ભાગ નથી,
તેથી તેને સ્કૂલમાં પહેરવા પર પ્રતિબંધ
મૂકવો જોઈએ"
હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી
કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે હિજાબ
કેસમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર અરજીઓ પર સુનાવણી કરી. ન્યાયાધીશ કૃષ્ણા દીક્ષિતે કહ્યું કે
અમે કોઈના જુસ્સા કે લાગણીઓથી નહીં, કારણ અને કાયદાથી આગળ વધીશું. બંધારણ જે કહેશે તે અમે કરીશું. બંધારણ જ આપણા માટે ભગવદ ગીતા છે. કોર્ટ આજે ફરી આ મામલે સુનાવણી હાથ ધરશે.