સેવા, સારવાર, સમર્પણ અને મમતાનુ ઉત્તમ કાર્યક્ષેત્ર એટલે નર્સિંગ વ્યવસાય : મંત્રી રાઘવજી પટેલ
રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત સમારોહમાં કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગલને યાદ કરી નર્સિંગમાં પ્રવેશનાર નવા વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે, આ માત્ર વ્યવસાય નથી પરંતુ સેવા, સારવાર, સમર્પણ અને મમતાનું ઉત્તમ કાર્યક્ષેત્ર છે.
કોરોનાકાળની સેવાને બિરદાવી
ડોક્ટરના નિદાન બાદ દર્દીને મોતના મુખમાંથી ઉગારવાની અગ્રીમ જવાબદારી નર્સિંગ સ્ટાફના હાથમાં રહેલી છે ત્યારે આ ક્ષેત્રમાં કામગીરી કરનાર નર્સિંગ સ્ટાફ એટલો જ મહત્વનો છે તેમ શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું. કોરોના કાળમાં ખૂબ જ કપરા સંજોગોમાં જાનના જોખમે દર્દીઓની કરેલી સેવાને આ તકે મંત્રીશ્રીએ બિરદાવી હતી.
આરોગ્ય ક્ષેત્રે લેવાયા ક્રાંતિકારી પગલાં
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીને યાદ કરી રાજ્યમાં તેમણે આરોગ્ય ક્ષેત્રે લીધેલા વિવિધ ક્રાંતિકારી પગલાંઓને યાદ કરતા જણાવ્યું હતું કે, બાળકના જન્મ પૂર્વે જ સગર્ભા માતાઓની ખેવના કરી બાળકના જન્મ બાદ પોષણ યુક્ત ખોરાક, રસીકરણ, આંગણવાડીમાં આરોગ્ય ચકાસણી નિદાન અને સારવાર સહિત અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
લોકોના આરોગ્યની ચિંતા સરકારે કરી
આયુષ્માન કાર્ડમાં જરૂરિયાતમંદ નાગરિકોને રૂપિયા પાંચ લાખની નિશુલ્ક સારવારમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધારાના રૂપિયા પાંચ લાખની સારવાર સહાય ઉમેરી લોકોના આરોગ્યની ખેવના આ સરકારે કરી હોવાનું શ્રી રાઘવજીભાઈએ ગૌરવ સાથે જણાવ્યું હતું.
અહેવાલ : રહીમ લાખાણી, રાજકોટ
આ પણ વાંચો : ઘોઘંબામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામની મહિલાઓ ભર ઉનાળે પાણી માટે કરી રહી છે રઝળપાટ