Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્યારે ૧૫ વર્ષની હીરબાઇએ દુશ્મનના બરડામાં ભાલો પરોવી દીધો, લાખાપાદરમાં આજે તે જગ્યા પર શું છે?

આજે ૮ માર્ચ, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વિશ્વભરની મહિલાઓના શૌર્ય, સફળતા અને સંઘર્ષને સમર્પિત દિવસ. મહિલા પુરુષ કરતા જરાય ઉતરતી નથી, એવી જાગૃતિ માટેનો દિવસ. આજના દિવસે દેશ-દુનિયાની એવી મહિલાઓની વાત કરવામાં આવે છે જેમણે પોતાના સાહસ, સંઘર્ષ અને સફળતા થકી આગવી ઓળખ બનાવી છે. ત્યારે આજે આવી જ એક મહિલાની શૂરવીરતા વિશે વાત કરવી છે. ઘટના લગભગ એક સદી જૂની છે. ત્યારે તો હજુ મહિલા દિવસની
જ્યારે ૧૫ વર્ષની હીરબાઇએ દુશ્મનના બરડામાં ભાલો પરોવી દીધો  લાખાપાદરમાં આજે તે જગ્યા પર શું છે
આજે ૮ માર્ચ, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વિશ્વભરની મહિલાઓના શૌર્ય, સફળતા અને સંઘર્ષને સમર્પિત દિવસ. મહિલા પુરુષ કરતા જરાય ઉતરતી નથી, એવી જાગૃતિ માટેનો દિવસ. આજના દિવસે દેશ-દુનિયાની એવી મહિલાઓની વાત કરવામાં આવે છે જેમણે પોતાના સાહસ, સંઘર્ષ અને સફળતા થકી આગવી ઓળખ બનાવી છે. ત્યારે આજે આવી જ એક મહિલાની શૂરવીરતા વિશે વાત કરવી છે. ઘટના લગભગ એક સદી જૂની છે. ત્યારે તો હજુ મહિલા દિવસની શરુઆત પણ નહોતી થઇ. આ વાત સૌરાષ્ટ્રની ધરતીની છે.
સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરવીરોની ધરતી તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રની ધરતીએ જેટલા સંતો આપ્યા છે, સામે તેટલા જ શૂરવીરો પણ આપ્યા છે. માત્ર પુરુષો જ નહીં પરંતુ આ ધરતીની મહિલાઓ પણ ખમીરવંતી છે. જેમની અંદર સંસ્કૃતિ, શૂરવીરતા અને સાદગીનો ત્રિવેણી સંગમ જાવા મળ્યો છે. જે વાતના ઇતિહાસમાં અનેક પુરાવાઓ પણ છે. શૂરવીરોની શૂરતા પાછળ પણ માતાના ધાવણ બોલતા હોય છે. આ વાતની સાક્ષી પુરતો એક દુહો પણ પ્રચલિત છે કે, ‘ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ, જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી હોય’.

મેઘાણી લિખિત ‘દીકરો’ વાર્તા
આવી આ સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક મહિલાઓની શૌર્યગાથાઓ પણ ધરબાયેલી છે. આજે આવી જ એક કિશોરીના પરાક્રમની વાત કરવી છે. સૌરાષ્ટ્રની ધરતીમાં ધરબાયેલી આવી અનેક વાર્તાઓને સજીવન કરવાનું કામ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કર્યુ છે. ત્યારે આ પરાક્રમ ગાથા પણ તેમણે જ લખી છે. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં લખેલી ‘દીકરો’ નામની વાર્તા ગુજરાતી સાહિત્યમાં યાદગાર છે. ૧૫ વર્ષની દીકરી હીરબાઈના પરાક્રમની વાત કરતી એ વાર્તા પાઠ્‌ય પુસ્તકમાં પણ આવતી હતી. આ કોઇ કાલ્પનિક વાત નહોતી પરંતુ સત્ય ઘટના હતી, જેને મેઘાણીએ વાર્તાનું રુપ આપ્યું હતું. 
અમરેલી જિલ્લાના ધારી પાસે આવેલા લાખાપાદર ગામમાં ખરેખર બનેલી એ ઘટના હતી, જેમાં દુશ્મનોના દળ-કટક પર બહાદૂર બાળા ભારે પડી હતી. આજે મહિલા દિવસ અને આવતી કાલે ૯ માર્ચ, એટલે કે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ. તો આ નિમિત્ત હીરબાઈની બહાદૂરીને યાદ કરીએ. 
ધારીના લાખાપાદર ગામની ઘટના
રાજાશાહી યુગની વાત છે.સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લાના તાલુકામથક ધારીથી વીસેક કિલોમીટરના અંતરે શેલ નદીના કાંઠે લાખાપાદર નામનું ગામ આવેલું છે. લાખાપાદર ગામના ધણી લાખા વાળા અને નજીકના ગુંદાળા ગામના દેવાત વાંક વચ્ચે દુશ્મની બંધાઈ. એ પછી લાખો વાળો ક્યારેય બહાર ગામ રાતવાસો (રાત્રિ રોકાણ) નહોતો કરતો. તેને શંકા હતી કે દેવાત ગમે ત્યારે તેના ગામ પર હુમલો કરશે. માટે લાખો વાળો દિવસે ગમે ત્યાં બહાર જાય તો પણ સાંજ પડ્‌યે ગામનું રખોપું કરવા પરત આવી જતો. તેવામાં એક દિવસ લાખા વાળાને બહારગામ રાતવાસો કરવાની ફરજ પડે છે. અહીં ગામમાં જેનો ડર હતો તે જ થયું, તકનો લાભ લઈને ત્યારે જ દેવાત અને તેની ટોળકીએ લાખાપાદર ગામ પર હુમલો કરી દીધો.
દેવાત વાંક લાખા વાળાના ઘરે આવ્યો, પરંતુ લાખો વાળો તો હતો નહીં એટલે ફળીયામાં બાંધેલો વછેરો (ઘોડાનું બચ્ચું) લઈ જવાનું નક્કી કર્યું. લાખાવા વાળાના ઘરથી તેમનો વછેરો છોડીને લઈ જાય તો લાખા વાળાની અને ગામની પ્રતિષ્ઠા જાય. એ વખતે લાખાવાળાની પંદર વર્ષની દીકરી હીરબાઈ ઘરમાં હતી. હીરબાઇ ઓંસરીની કોરે ઉભી હતી અને દેવાત વાંક પોતાનો ભાલો મૂકીને વછેરો છોડવા માટે વાકો વળ્યો. હીરબાઇએ તક જોઈને દેવાતનો જ ભાલો તેના વાંસામાં (પીઠમાં) પરોવી દીધો હતો. કોઈને કલ્પના પણ ન હતી કે પંદર વર્ષની દીકરી આ રીતે મૂછ મરડતા દેવાત વાંક કે તેના કોઈ માણસોનો સામનો કરી શકે. પરંતુ હીરબાઈએ કોઈનો ડર રાખ્યા વગર દેવાત વાંકને પોતાના ફળિયામાં જ પતાવી દીધો હતો.
લાખાપાદરમાં આજે તે જગ્યા પર શું છે?
શૌર્યરસથી ભરપૂર એ વાર્તા મેઘાણીએ  'સૌરાષ્ટ્રની રસધાર'માં સમાવી છે. આજે એ લાખાપાદરમાં લાખા વાળા કે હીરબાઈ તો રહ્યા નથી, પરંતુ તેમના સંસ્મરણો જરૂર છે. જ્યાં લાખા વાળાનું ઘર હતું ત્યાં હવે ગાત્રાળમાનું મંદિર બન્યું છે. આ મંદિરમાં દેવાતના બરડામાં ભાલો પરોવતી હોય એવી હીરબાઈનું ચિત્ર મુકવામાં આવ્યું છે. જે આજે પણ હીરબાઈના પરાક્રમની પાદ અપાવે છે. એ ચિત્ર સાથે લખેલું છે, ‘સમસ્ત વાળા તેમજ લાખાપાદર ગામનું ગૌરવ દિકરી નહિ પણ દિકરો, વિરાંગના હીરબાઇ વાળા.’
લાખો વાળો જ્યારે ઘરે આવ્યો તેને મુંજવણ હતી કે ગામને શું મોઢું બતાવીશે, મારી ગેરહાજરીમાં દેવાતે ગામ ભાંગ્યું છે. જ્યારે તે ઘરે આવ્યો અને દિકરી હિરબાઇનું પરાક્રમ જાણ્યું ત્યારે લાખા વાળાએ કહ્યું હતું કે ‘દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે !’ મેઘાણીએ વાર્તામાં એક વડલો અને નદીના ઘૂનાની પણ વાત કરી હતી. એ વડલો પણ થોડા વરસો પહેલા આવેલા વાવાઝોડામાં પડી ગયો છે. આ ઘટના લગભગ એક સદી પહેલા બનેલી છે. 
લાખાપાદર ગામ બ્રિટિશકાળથી ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અત્યારે દોઢેક હજારની વસતી છે, પરંતુ - 1901માં ગામની વસતી 544 જેટલી હતી અને ત્યારે લાખાપાદરને નાનકડા રાજ્યનો દરજ્જો પણ મળેલો હતો. એ લાખાપાદર રાજ્યની વાર્ષિક આવક 3900 રૂપિયા હોવાનું સોરઠના ગેઝેટિયરમાં નોંધાયું છે. આંખો પર હાથનું નેવું કરીને જાતા ગામના વડીલો આજે પણ હીરબાઇ અને લાખા વાળાની વાતો કરતા કરતા ગર્વ અનુભવે છે.
હીરબાઇના પરાક્રમની વાત મેઘાણીના જ શબ્દોમાં.... (‘સૌરાષ્ટ્રની રસધાર’માંથી દીકરો વાર્તાનો કેટલોક અંશ)
....ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખા વાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે એવો ‘તેજમલ ઠાકોર’નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો.
દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આતમરામ એ વછેરો ! દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે !’ પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્‌યો. બરડો બરાબર દીકરી હીરબાઈની સામે રહ્યો.
ઓરડામાંથી મા કહે છે કે, ‘બેટા હીરબાઈ, આંહીં આવતી રહે.’
પણ હીરબાઈ શું જોઈ રહી છે ? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું ! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્‌યો; ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો.
નીચે ઊતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી, ‘માડી, પછેડી લાવ્ય, ગાંસડી બાંધીએ.’ દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે કે, ‘ગઢવા, ચલાળે જાઓ, ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આંહીં આવીને એક વાર મારે મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.’
ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્‌યાં ! ‘હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું ? પરબારો શત્રુઓને હાથે જ મરીશ... પણ એકની એક દીકરીના સમ ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ? મારાં સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું ? કાંઈક કારણ હશે ! જોઉં તો ખરો.’
દરબાર ઘેર પહોંચ્યા, ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું ‘બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં આંહીં રાખ્યો છે.’ એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો ‘બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે !’
Advertisement
Tags :
Advertisement

.