Junagadh News : રેલ્વે લાઈનને લઈને જન આંદોલનના એંધાણ, ગેજ કન્વર્ઝન પહેલાં પલાસવા શાપુરને જોડવાની માંગ
જૂનાગઢમાં રેલ્વે લાઈનને લઈને જન આંદોલનના એંધાણ વર્તાય રહ્યા છે, જૂનાગઢ - અમરેલી વચ્ચે ગેજ કન્વર્ઝન થવાનું છે અને ગેજ કન્વર્ઝન પહેલાં પલાસવા શાપુર ને જોડવાની માંગ પ્રબળ બની છે, હાલની મીટર ગેજ રેલ્વે લાઈન પર સાત ફાટક આવે છે અને જ્યાં ફાટક છે ત્યાં અન્ડરબ્રીજ બનવાના છે, અન્ડરબ્રીજથી પાણીની ભરાવાની સંભાવના છે અને સમગ્ર શહેરને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના છે ત્યારે પલાસવા શાપુર રેલ જોડાણ સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિએ શહેરના પ્રબુધ્ધ નાગરીકો સાથે બેઠક કરી હતી જેમાં હાલ સહી ઝુંબેશ અને બેનરો લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢ શહેરમાંથી બે રેલ્વે લાઈન પસાર થાય છે, રાજકોટ અને વેરાવળ તરફની બ્રોડગેજ લાઈને અને બીજી જૂનાગઢ થી વિસાવદર થઈને અમરેલી જતી મીટર ગેજ લાઈન કે જે રજવાડાના સમયથી રેલ્વે લાઈન છે તેના પર હાલ મીટર ગેજ ટ્રેન દોડી રહી છે, રેલ્વે દ્વારા મીટર ગેજ લાઈનને બ્રોડ ગેજમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત જૂનાગઢ અમરેલી વચ્ચે પણ ગેજ કન્વર્ઝન થવા જઈ રહ્યું છે, હાલ જે મીટર ગેજ લાઈન છે તે શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને જૂનાગઢ શહેરમાં આ રેલ્વે લાઈન પર સાત ફાટક આવે છે, તેથી જ્યારે ટ્રેન પસાર થવાની હોય ત્યારે શહેરમાં ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે, શહેરમાં વાહનોની લાંબી કતારો લાગે છે અને લોકો પરેશાન થાય છે.
શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈનને લઈને જે સાત ફાટકો આવેલા છે તે ફાટક દૂર કરવામાં આવે તો શહેરની ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે આ માટે જ્યારે ગેજ કન્વર્ઝન થઈ રહ્યું છે ત્યારે જ્યાં ફાટકો આવેલા છે ત્યાં અન્ડરબ્રીજ અથવા ઓવરબ્રીજ બનાવવા પડે જેથી ફાટકની સમસ્યાથી છુટકારો મળી શકે, જૂનાગઢની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓવરબ્રીજની સંભાવના નથી ત્યારે જો શહેરમાં સાત જેટલા અન્ડરબ્રીજ બનાવવામાં આવે તો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવાની દહેશત વ્યક્ત કરાઈ છે.
આ મુદ્દે શહેરના અગ્રણી નાગરીકોએ એક સમિતિની રચના કરી અને તેનું નામ આપ્યું પલાસવા શાપુર રેલ જોડાણ સમિતિ... આ સમિતિ કોઈ રાજકીય લોકોની નહીં પરંતુ શહેરના હિત માટે ચિંતા કરતા લોકોની સમિતિ બની કે જેના દ્વારા આ અંગે વિકલ્પો રજૂ કરવામાં આવ્યા અને હાલની મીટર ગેજ લાઈન જ્યારે બ્રોડગેજ થવા જઈ રહી છે ત્યારે ગેજ કન્વર્ઝન પહેલાં પલાસવા ગામ થી શાપુર ગામને જોડતી નવી રેલ્વે લાઈન બનાવવામાં આવે તો આ સમસ્યાનો હલ થઈ શકે તેવું સૂચન કરવામાં આવ્યું હતું, પલાસવા થી શાપુરની નવી રેલ્વે લાઈન અંદાજે 10 કીમી ની બને જેમાં ચાર કીમી સરકારી ખરાબાની જમીન આવે છે અને છ કીમી જમીન ખેડૂતોની આવે છે તેથી તંત્ર દ્વારા માત્ર છ કીમી જમીન સંપાદન કરવી પડે.
હાલની જૂનાગઢ અમરેલી મીટરગેજ લાઈન પલાસવા થી પસાર થાય છે, બીજી બાજુ શાપુરમાં બ્રોડગેજ લાઈન છે, જૂનાગઢ થી વેરાવળ તરફ જતી બ્રોડ ગેજ લાઈન શાપુર થઈને જાય છે, આમ જો પલાસવા અને શાપુરને જોડી દેવામાં આવે તો જે હાલની જૂનાગઢ થી અમરેલી જતી મીટરગેજ લાઈન કે જે બ્રોડગેજ થવાની છે તે જૂનાગઢ થી શાપુર પલાસવા થઈને અમરેલી જઈ શકે અને તેનાથી શહેરની મધ્યમાંથી રેલ્વે લાઈન પસાર થવાની સમસ્યા પણ દૂર થઈ જાય.
આ મુદ્દે સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર કોઈ દાદ દેતુ નથી અને શહેરમાં સાત અન્ડરબ્રીજ બનાવવા જઈ રહ્યું છે જે જૂનાગઢની જનતા માટે જોખમીરૂપ નિર્ણય છે, ચોમાસામાં શહેર બે ભાગમાં વેચાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે તેવી સમિતિએ દહેશત વ્યક્ત કરી છે, વળી જે ખર્ચ અન્ડરબ્રીજ બનાવવા પાછળ થશે તેના કરતાં ઓછા ખર્ચમાં સમિતિ દ્વારા થયેલ સૂચન મુજબ પલાસવા શાપુરનું જોડાણ થઈ શકે તેમ છે ત્યારે આ અંગે લોકો જાગૃત બને અને આવનાર સંકટને ટાળી શકાય તે માટે શહેરના પ્રબુધ્ધ નાગરીકો, અગ્રણીઓ સાથે સમિતિ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને બેઠકના અંતે કોઈપણ ભોગે શહેરમાં અન્ડરબ્રીજ ન બને તે માટે સંમતિ વ્યક્ત કરાઈ હતી અને આ દિશામાં જન આંદોલન કરવા સૂર વ્યક્ત થયો હતો જેના ભાગરૂપે આગામી દિવસોમાં સહી ઝુંબેશ ચલાવવા, શહેરમાં લોકો જાગૃત બને તે માટે બેનરો લગાવવા સહીતની આંદોલનરૂપી કામગીરી કરવામાં આવનાર છે.
જૂનાગઢમાં આઝાદી સમયે નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું અને જૂનાગઢને આઝાદ કરાવવા આરઝી હકુમતની સ્થાપના કરીને જૂનાગઢને આઝાદ ભારતમાં ભેળવવામાં આવ્યું ત્યારે જૂનાગઢની જનતાએ મતદાન કરીને જૂનાગઢમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો, હાલ પલાસવા શાપુર રેલ જોડાણ સમિતિનું જન આંદોલન પણ કાંઈક આ પ્રકારનું જોવા મળી રહ્યું છે અને લોકોના હિતમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, આ સમિતિ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી પરંતુ રાજકીય પક્ષોના આગેવાનો, નેતાઓ પણ સમતિના સમર્થનમાં આગળ આવ્યા છે કારણ કે લોકોના હિતની વાત છે તેથી એક સાચા જનપ્રતિનિધિ તરીકે ભાજપના વોર્ડ નં. 11 ના કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પણ આ બેઠકમાં જોડાયા હતા અને પોતાના તરફથી સરકારમાં તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ મુદ્દે સમજાવટ કરવા તૈયારી દર્શાવી હતી.
અહેવાલ : સાગર ઠાકર, જુનાગઢ
આ પણ વાંચો : હવે જૂનાગઢમાં પણ ઉચ્ચ ગુણવત્તાની ખારેકનું સફળ ઉત્પાદન, ખારેકનું એક ઝાડ આપે છે 100 કિલોનું ઉત્પાદન