માર્ગ અકસ્માતમાં વધારો થવાની સંભાવના, 108 ઈમરજન્સી સેવામાં 11.76 ટકાનો વધારો થશે
રક્ષાબંધનના તહેવારમાં લોકો પોતાના સ્વજનોને મળવા માટે જતા હોય છે. રોડ ઉપર વધુ લોકોની અવરજવરના કારણે માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થતો હોય છે. રક્ષાબંધનના તહેવારમાં પણ આ રીતે ઈમરજન્સી કેસોમાં વધારો થવાની સંભાવના પગલે 108 ઈમરજન્સી સેવામાં જોડાયેલા તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. 108 ઇમરજન્સી સેવા મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધનના દિવસે ઈમરજન્સી કેસમાં 11.76 ટકાનો વધારો થશે. જેમાં રોડ અકસ્માતોના કેસો 127 ટકા જ્યારે ચોમાસાની ઋતુના કારણે તાવના કેસોમાં 9 ટકાનો વધારો થવાની સંભાવના છે.
રક્ષાબંધનના દિવસે ઇમરજન્સી કેસોમાં 11.76 વધારો
રક્ષાબંધન દરમ્યાન સામાન્ય દિવસોની સરખામણીએ વધતા ઈમરજન્સીના આંકડા મુજબ વર્ષ 2019માં સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધનના દિવસે કેસોમાં 7.99 ટકાનો વધારો નોંધાયો હતો. જયારે 2020માં 4.65 ટકાનો વધારો થયો હતો, જ્યારે 2021 ઇમરજન્સી કેસો 14.96 ટકા વધ્યા હતા. જેને પગલે ચાલુ વર્ષે 2022માં આવતીકાલે રક્ષાબંધનના દિવસે ઇમરજન્સી કેસોમાં 11.76 વધારો થવાની સંભાવના છે.
તહેવારની મજા સજા ના બને તે માટે સાવચેતી રાખવી જરૂરી
રક્ષાબંધનના દિવસે લોકો તેમના પરિવારજનોને ત્યાં જતા હોય છે. જેને લઈને અકસ્માત,પડી જવાના કિસ્સા, મારામારીના બનાવો વધવાની શક્યતા વધી જાય છે. 108 ઇમરજન્સી મુજબ આવતીકાલે રક્ષાબંધનના દિવસે સુરતમાં 20.55 ટકા, અરવલ્લીમાં 114 ટકા, છોટાઉદેપુરમાં 54 ટકા, દાહોદમાં 49 ટકા, તાપીમાં 47 ટકા ઈમરજન્સી કેસ વધવાની સંભાવના છે. વધનારી ઈમરજન્સીને ધ્યાનમા રાખીને રાજ્યભરમાંથી 800થી વધારે એમ્બ્યુલન્સ તથા 4000 કરતા વધુ કર્મચારીઓ, પાયલોટ તેમજ મેડિકલ ટેકનીશિયન ટિમ સજ્જ કરવામાં આવી છે. તહેવારની મજા સજા ના બને તે માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે. 108ના કર્મચારીઓ પણ પોતાની ફરજ દરમિયાન રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરશે.