Telangana Election Result : ત્રીજી વખત CM બનવાનું KCRનું સપનું તૂટ્યું! કોંગ્રેસને મળી સ્પષ્ટ બહુમતી
તેલંગાણાની 119 બેઠકો માટે આજે મતગણતરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ 65 , BRS 39 અને ભાજપ 5 બેઠકો પર આગળ છે. ત્યારે આમ કોંગ્રેસ બહુમતીનો 60નો આંકડો પાર કરી ચૂક્યું છે. તેલંગાણામાં એ સ્પષ્ટ થઈ ચૂકી છે કે કોંગ્રેસ સરકાર બનાવશે. હાલ તેલંગાણામાં BRSની સરકાર છે અને KCR મુખ્યમંત્રી છે. ત્યારે આ ચૂંટણીમાં BRS સરકાર બનાવી શકે તેવી કોઈ સંભાવનાઓ નજરે પડી રહી નથી. જેને લઈને હવે KCRનું ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાનું સપનું અધુરું રહી ગયું તેવું જણાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 119 વિધાનસભા બેઠકો ધરાવતા તેલંગાણામાં મુખ્ય પક્ષ તરીકે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS - અગાઉનું નામ તેલંગણા રાષ્ટ્ર સમિતિ-TRS)નો દબદબો હોવાનું મનાતું હતું. પરંતુ આ વખતે BRSના ગઢમાં કોંગ્રેસે પરચમ લહેરાવ્યો છે. 2014માં તેલંગાણા રાજ્ય બન્યા બાદ 2 વાર ચૂંટણીઓ યોજાઈ હતી અને બંનેમાં KCRની તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ બહુમતી જીતી હતી. આંધ્રપ્રદેશમાંથી તેલંગણા અલગ રાજ્ય બનાવ્યા બાદ 2014 અને 2018ની ચૂંટણીમાં BRSએ વિજય મેળ્યો હતો.
તેલંગાણામાં કોંગ્રેસ કોને બનાવશે મુખ્યમંત્રી?
દક્ષિણ રાજ્ય તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનતી નજરે પડી રહી છે. ત્યારે હવે રાજ્યમાં ચર્ચા થઈ રહી છે કે, કોંગ્રેસ કોને મુખ્યમંત્રી બનાવશે? આ માટે ચાર મોટા ચેહરા રેસમાં છે. એ. રેવંત રેડ્ડી, એમ. ભટ્ટી વિક્રમાર્ક, ઉત્તમ કુમાર રેડ્ડી અને કોમાટી રેડ્ડી વેંકટ રેડ્ડી આ ચારમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ ઉજવણી શરૂ કરી દીધી
હૈદરાબાદમાં કોંગ્રેસ પાર્ટી બહુમત સાથે આગળ ચાલી રહી છે ત્યારે પાર્ટીના કાર્યકરોએ સંભવિત જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત કોંગ્રેસના સભ્યોને અન્ય સ્થળો પર સિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
તેલંગાણામાં કોંગ્રેસ તોડશે KCRની હેટ્રીકનું સપનું ?
કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) 2014થી સત્તામાં છે, જ્યારે તેલંગાણાને આંધ્રપ્રદેશથી અલગ રાજ્યનો દરજ્જો અપાયો હતો અને તેણે 2018માં ચૂંટણી પણ જીતી હતી. KCR આ વખતે હેટ-ટ્રિકની આશા કરી રહ્યા હતા. કોંગ્રેસે લગભગ એક દાયકા જૂની સત્તાધારી પાર્ટીને સત્તાથી હટાવવાના ઉદ્દેશ્ય સાથે એક ઉત્સાહી ચૂંટણી અભિયાન ચલાવ્યું હતું, જ્યારે ભાજપે પણ સત્તાધારી સરકાર વિરૂદ્ધ વગર કોઈ અડચણે હુમલો કર્યો હતો.