કર્ણાટકના DGP પ્રવિણ સૂદ બન્યા CBI ના નવા ડાયરેક્ટર
કર્ણાટકના DGP પ્રવિણ સૂદને CBI ના ડાયરેક્ટ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બે વર્ષ સુધી આ પદ પર સેવા આપશે. 25મી મેના તેઓ આ નવી જવાબદારી સંભાળી શકે છે કારણ કે તે દિવસે હાલના ડાયરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
ઉચ્ચ સ્તરિય બેઠકમાં તેમના નામ પર મહોર લગાવી
પ્રવીણ સૂદના નામની ચર્ચા માટે એક ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, મુખ્ય ન્યાયધીશ ડી.વાય.ચંદ્રચૂડ સાથે વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી પણ હાજર હતા. જેમાં તેમના નામ પર મહોર લાગી હતી. ચૌધરીએ સૂદની ઉમેદવારી પર વાંધો વ્યક્ત કર્યો હતો.
કોણ છે પ્રવીણ સૂદ?
પ્રવીણ સૂદનો જન્મ હિમાચલપ્રદેશમાં વર્ષ 1964માં થયો હતો. તેમણે IIT દિલ્હીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ 1986 બેચના IPS અધિકારી છે અને હાલમાં કર્ણાટકના DGP છે. 1989 માં તેઓ મૈસૂરના આસિસ્ટન્ટ સુપ્રીડેન્ટટન્ટ ઓફ પોલીસ બન્યા હતા. જે બાદ પોલીસ અધિક્ષક બેલ્લારી અને રાયચૂર પણ રહ્યાં. પછી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ બેંગલુરુના પદ પર પણ સેવા આપી.
રાષ્ટ્રપતિના હસ્તે સમ્માનિત
પ્રવીણ સૂદ 1999માં મોરીશસમાં પોલીસ સલાહકાર પણ રહ્યાં. વર્ષ 2004 થી 2007 સુધી તેઓ મૈસૂર શહેર પોલીસ કમિશ્નર રહ્યાં. જે બાદ 2011 સુધી બેંગલુરુ ટ્રાફિક પોલીસના અડિશ્નલ કમિશ્નર ઓફ પોલીસ તરીકે કામ કર્યું. વર્ષ 1996માં સેવામાં ઉત્કૃષ્ટતા માટે તેમને મુખ્યમંત્રી ગોલ્ડ મેડલ, 2002માં પોલીસ મેડલ અને 2011માં વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા.
- પ્રવિણ સૂદ રાજ્યના ગૃહ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી, વર્ષ 2013-14 માં કર્ણાટક પોલીસ આવાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર, રાજ્ય રિઝર્વ પોલીસના એડિશ્નલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને એડમિનિસ્ટ્રેશનમાં એડિશ્નલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે પણ કામ કર્યું.
ચર્ચાઓમાં રહ્યાં છે DGP સૂદ
DGP પ્રવિણ સૂદ માર્ચ મહિનામાં ચર્ચામાં આવ્યા હતા. કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારે તેમના પર રાજ્યમાં ભાજપ સરકારને પ્રોટેક્શન આપવાનો આરોપ લગાવ્યો હતો. તે વખતે કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ શિવકુમારે તેવો દાવો કરતા રાજ્યના પોલીસ મહાનિદેશકની ધરપકડની માંગ કરી હતી કે તેઓ કોંગ્રેસના નેતાઓ વિરૂદ્ધ કેસ નોંધી રહ્યાં છે.
આ પણ વાંચો : કર્ણાટક તો માત્ર એક ઝાંખી, હવે મોદી લહેર ખતમ થઇ : સંજય રાઉત