ODIમાં પ્રથમવાર હેટ્રિક આવી હતી આજે, ભારતના આ ખેલાડીઓ પણ લઇ ચુક્યા છે Hat-trick
હેટ્રિક (Hat-trick) એટલે કે સળંગ ત્રણ બોલમાં ત્રણ વિકેટ, ત્રણ સિક્સર કે ત્રણ ફોર ફટકારવી, તેને ક્રિકેટની દુનિયામાં મોટી સિદ્ધિ કહેવાય છે. ખાસ કરીને બોલરો માટે હેટ્રિક વિકેટ લેવી મોટી વાત માનવામાં આવે છે. હેટ્રિક વિકેટ લઈને બોલર વિરોધી ટીમને પછાડી દે છે. જ્યારે તમારી ટીમ પર હારની તલવાર લટકતી હોય ત્યારે હેટ્રિક વધુ મહત્વની બની જાય છે. મેદાન પર આવું બનતું જોવું માત્ર દર્શકો માટે જ નહીં પણ કà«
Advertisement
હેટ્રિક (Hat-trick) એટલે કે સળંગ ત્રણ બોલમાં ત્રણ વિકેટ, ત્રણ સિક્સર કે ત્રણ ફોર ફટકારવી, તેને ક્રિકેટની દુનિયામાં મોટી સિદ્ધિ કહેવાય છે. ખાસ કરીને બોલરો માટે હેટ્રિક વિકેટ લેવી મોટી વાત માનવામાં આવે છે. હેટ્રિક વિકેટ લઈને બોલર વિરોધી ટીમને પછાડી દે છે. જ્યારે તમારી ટીમ પર હારની તલવાર લટકતી હોય ત્યારે હેટ્રિક વધુ મહત્વની બની જાય છે. મેદાન પર આવું બનતું જોવું માત્ર દર્શકો માટે જ નહીં પણ ક્રિકેટરો માટે પણ રોમાંચક છે. ત્યારે આજનો દિવસ ક્રિકેટને લઇને ખાસ છે. જાણો કેવી રીતે...
ક્રિકેટમાં હેટ્રિક એ છે જ્યારે બોલર સતત ત્રણ વિકેટ લે છે અને ત્રણ અલગ-અલગ બેટ્સમેનોને આઉટ કરે છે. 5 જાન્યુઆરી 1971ના રોજ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ODI પછી 4222 મેચોમાં માત્ર 49 વખત એવું બન્યું છે કે, વન-ડે ઈન્ટરનેશનલ (ODI) ક્રિકેટમાં હેટ્રિક બોલરને મળી હોય. મહત્વનું છે કે, આજે 20 સપ્ટેમ્બર છે અને ક્રિકેટની દુનિયામાં આ દિવસનું ઘણું મહત્વ છે કારણ કે 40 વર્ષ પહેલા આ દિવસે આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં પ્રથમ હેટ્રિક લેવામાં આવી હતી. શું તમે જાણો છો કે આ અદ્ભુત કારનામો કરનાર બોલર કોણ અને ક્યાં દેશનો હતો. તો ચાલો તમને તેના વિશે જણાવીએ.
ODI મા પ્રથમવાર આ ખેલાડીએ લીધી Hat-trick
20 સપ્ટેમ્બર 1982ના રોજ, પાકિસ્તાનના મધ્યમ ઝડપી બોલર જલાલુદ્દીન (Jalal-ud-Din) એ આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં પ્રથમ હેટ્રિક લીધી હતી. જલાલુદ્દીને હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી. પહેલા આ મધ્યમ ઝડપી બોલરે રોડ માર્શ (1)ને બોલ્ડ કર્યો હતો, ત્યારબાદ બ્રુસ યાર્ડલી (0)ને વિકેટકીપર વસીમ બારીના હાથે આઉટ કરાવ્યો હતો અને ત્યાર બાદ જ્યોફ લોસનને (0) આઉટ કરી ઈતિહાસ રચ્યો હતો. આ રીતે, જલાલુદ્દીન, જે તે સમયે તેની સાતમી ઓવર ફેંકી રહ્યો હતો, તે આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યા હતા.
Hat-trick લીધા બાદ પણ કારકિર્દી માત્ર 8 મેચ ચાલી
જલાલુદ્દીન પોતાની બીજી જ મેચમાં ODI ઈતિહાસ રચ્યો હતો. તેમ છતાં તેમની કારકિર્દી માત્ર 8 મેચ જ ચાલી હતી જે આશ્ચર્યજનક કહેવાય છે. પરંતુ, આવું એક બોલર સાથે થયું, જેણે પાકિસ્તાન સાથે સંબંધ રાખ્યો હતો અને આ દિવસે એટલે કે 20 સપ્ટેમ્બરે ODI ક્રિકેટમાં મોટું કામ કર્યું હતું. આ પાકિસ્તાની પેસરે 20 સપ્ટેમ્બર, 1982ના રોજ ODI ક્રિકેટમાં પ્રથમ હેટ્રિક લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી. આમ છતાં, આ બોલરને આ પછી 6 વધુ વનડે રમવાની તક મળી અને તેની કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.
પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી મેચ
વન-ડેનો અનુભવ ધરાવતા જલાલુદ્દીનને સપ્ટેમ્બર 1982માં ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં તક આપવામાં આવી હતી. ઇમરાન ખાન સ્નાયુઓના તણાવને કારણે આ શ્રેણીનો ભાગ નહોતો. તેમની ગેરહાજરીમાં ઝહીર અબ્બાસે પાકિસ્તાન ટીમની કમાન સંભાળી હતી. હૈદરાબાદ (સિંધ)ના નિયાઝ સ્ટેડિયમમાં બંને દેશો વચ્ચે પ્રથમ ODI રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને 40 ઓવરની આ મેચમાં ઓસ્ટ્રેલિયાને 230 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનના ઓપનર મોહસિને 104 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ગ્રીમ વુડ અને બ્રુસ લેર્ડે ઓસ્ટ્રેલિયાને ઝડપી શરૂઆત અપાવી હતી. આ જોડીએ ઓસ્ટ્રેલિયા માટે 23 ઓવરમાં 104 રન ઉમેર્યા હતા. ત્યારબાદ તૌસીફ અહેમદે 5 રનની અંદર જ ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે, એલન બોર્ડર અને જોન ડાયસનની જોડીએ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 157 રન સુધી પહોંચાડ્યો હતો. જલાલુદ્દીને બોર્ડરને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.
પાકિસ્તાને જીતી હતી મેચ
આ પછી જલાલુદ્દીને ODI ક્રિકેટમાં એવું કર્યું જે પહેલા ક્યારેય બન્યું ન હતું. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 162 રન હતો અને જલાલુદ્દીન તેની સાતમી ઓવર નાખવા આવ્યો હતો. તેણે આ ઓવરના છેલ્લા ત્રણ બોલ પર ઓસ્ટ્રેલિયાના 3 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સૌથી પહેલા જલાલુદ્દીને વિકેટકીપર રોડની માર્શ (1)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. આગલા બોલ પર બ્રુસ યાર્ડલી (0)નો શિકાર કર્યો અને પછી જ્યોફ લોસન (0)ને આઉટ કરીને તેની હેટ્રિક પૂરી કરી. ઓસ્ટ્રેલિયાની ટીમ 9 વિકેટના નુકસાન પર માત્ર 170 રન બનાવી શકી હતી અને પાકિસ્તાને તે મેચ 59 રનથી જીતી લીધી હતી. હેટ્રિક લેનાર જલાલુદ્દીનના સ્થાને સેન્ચુરવીર મોહસીનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
બીજા દિવસે હેટ્રિકની ઉજવણી
રસપ્રદ વાત એ છે કે, જલાલુદ્દીને બીજા દિવસે તેની હેટ્રિકની ઉજવણી કરી કારણ કે તેને ખબર ન હતી કે તે ODIમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે. તેણે પોતે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. જલાલુદ્દીને કહ્યું હતું કે, આ મેચ બાદ બીજા દિવસે રેકોર્ડ તપાસવામાં આવ્યો તો જાણવા મળ્યું કે વનડેમાં આવું પહેલીવાર બન્યું છે. પોતાની બીજી મેચમાં હેટ્રિક લઈને સનસનાટી મચાવનાર જલાલુદ્દીનની કારકિર્દી લાંબી ન રહી. આ મેચ પછી તેણે વધુ 6 વનડે રમી અને કુલ 14 વિકેટ લીધી હતી. તેણે પાકિસ્તાન માટે 6 ટેસ્ટ રમી અને તેમાં 11 વિકેટ લીધી હતી.
8 ભારતીઓ લઇ ચુક્યા છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં Hat-trick
અત્યાર સુધીમાં 8 ભારતીય બોલરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રિક લીધી છે. જેમાંથી 3 ટેસ્ટમાં અને 5 વનડે ક્રિકેટમાં આવ્યા છે. આ સિવાય ટી20 ક્રિકેટમાં એકમાત્ર હેટ્રિક આવી છે. કુલદીપ યાદવ ભારત તરફથી સૌથી વધુ (2) હેટ્રિક ધરાવતો બોલર છે. તો ચાલો જાણીએ કે કયા ભારતીય બોલરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે અને કઈ ટીમ સામે હેટ્રિક વિકેટ લીધી છે.
ટેસ્ટ ક્રિકેટમાં hat-trick
હરભજન સિંહ
હરભજન સિંહ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બોલર છે. તેણે 11 માર્ચ 2001ના રોજ ઈડન ગાર્ડન્સમાં ઓસ્ટ્રેલિયા સામે આ કારનામો કર્યો હતો. તેણે તે હેટ્રિક દરમિયાન રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્નને આઉટ કર્યા હતા.
ઈરફાન પઠાણ
ઈરફાન પઠાણ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર બીજો ભારતીય બોલર બન્યો હતો. તેણે આ કારનામો 2006 મા પાકિસ્તાન સામે કરાચીમાં કર્યો હતો. તેણે સલમાન બટ્ટ, યુનિસ ખાન અને મોહમ્મદ યુસુફને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. ખાસ વાત એ છે કે તેણે આ કારનામો ઇનિંગની પહેલી જ ઓવરમાં કર્યો હતો.
જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહએ 2019માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ડેરેન બ્રાવો, બ્રુક્સ અને રોસ્ટન ચેઝને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. ભારતે આ મેચ 257 રનના જંગી અંતરથી જીતી લીધી અને શ્રેણી પણ જીતી લીધી હતી.
વનડે ક્રિકેટમાં hat-trick
ચેતન શર્મા
વનડેમાં ભારત તરફથી પ્રથમ હેટ્રિક લેવાનો રેકોર્ડ ચેતન શર્માના નામે છે. તેણે આ કારનામો 1987માં નાગપુરમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ દરમિયાન કર્યો હતો. તેની હેટ્રિક દરમિયાન, તેણે કેન રધરફોર્ડ, ઇયાન સ્મિથ અને ઇવેન ચેટફિલ્ડને આઉટ કર્યા હતા.
કપિલ દેવ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે 1991માં ઈડન ગાર્ડન્સ ખાતે શ્રીલંકા સામે હેટ્રિક લીધી હતી. કપિલે રોશન મહાનામા, રમેશ રત્નાયકે અને સનથ જયસૂર્યાને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. તે સમયે ODIમાં હેટ્રિક લેનાર તે બીજા ભારતીય બોલર હતા.
કુલદીપ યાદવ (એક માત્ર ભારતીય બોલર જેણે લીધી બે વખત હેટ્રિક)
કુલદીપ યાદવ બે વખત હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય બોલર છે. તેણે 2017 મા ઈડન ગાર્ડન્સમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ હેટ્રિક વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે મેથ્યુ વેડ, એશ્ટન એગર અને પેટ કમિન્સને સતત 3 બોલમાં આઉટ કર્યા હતા. આ પછી, કુલદીપ યાદવે 18 ડિસેમ્બર 2019ના રોજ વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હેટ્રિક વિકેટ લીધી હતી. આ દરમિયાન કુલદીપે શાઈ હોપ, જેસન હોલ્ડર અને અલઝારી જોસેફને આઉટ કરીને તેની બીજી હેટ્રિક પૂરી કરી હતી.
મોહમ્મદ શમી
મોહમ્મદ શમીએ 2019 વર્લ્ડ કપ દરમિયાન અફઘાનિસ્તાન સામે હેટ્રિક વિકેટ લીધી હતી. તેણે મોહમ્મદ નબી, આફતાબ આલમ અને મુજીબ ઉર રહેમાનને આઉટ કર્યા હતા. તેના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમે મેચમાં રોમાંચક જીત મેળવી હતી.
T20 ક્રિકેટમાં hat-trick
દીપક ચહર (શ્રીલંકાના સ્પિનર અજંતા મેન્ડિસનો તોડ્યો હતો વર્લ્ડ રેકોર્ડ)
દીપક ચહરે 10 નવેમ્બર 2019 ના રોજ નાગપુરમાં બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી. તેણે ઇનિંગની 20મી ઓવરમાં શફીઉલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન અને અમીનુલ ઇસ્લામને આઉટ કર્યા હતા. આ મેચમાં T20 ઈન્ટરનેશનલમાં એક ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ દીપક ચહરના નામે છે. તેણે 7 રન આપીને 6 વિકેટ લીધી હતી અને અજંતા મેન્ડિસ (6/8)નો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
ODI Hat-trick List
ODI ફોર્મેટ
ઉલ્લેખનીય છે કે, વન ડે ઇન્ટરનેશનલ (ODI) એ ક્રિકેટની એક શૈલી છે જેમાં બે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમો વચ્ચે ટીમ દીઠ 50 ઓવર રમાય છે. ક્રિકેટ વર્લ્ડ કપ ODI અને T20 ફોર્મેટ પ્રમાણે રમાય છે. વન-ડે ઈન્ટરનેશનલને "લિમિટેડ ઓવર ઈન્ટરનેશનલ (LOIs)" પણ કહેવામાં આવે છે કારણ કે રાષ્ટ્રીય ટીમો વચ્ચે મર્યાદિત ઓવરોની ક્રિકેટ મેચો રમાય છે. મહત્વપૂર્ણ વન-ડે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક મેચોમાં મોટાભાગે બે દિવસનું અંતર રાખવામાં આવે છે, જેમાં બીજો દિવસ "અનામત" દિવસ હોય છે, જેથી પ્રથમ દિવસે પરિણામ ન આવે તો (દા.ત. વરસાદને કારણે મેચ રમી શકાતી નથી, અથવા કોઇ અન્ય કારણોસર ન રમાય મેચ) બીજા દિવસે મેચ રમાય છે.